નવી દિલ્હીઃ મુક્ત વેપાર કરાર થયેલા વેપારી ભાગીદાર દેશો ખાતેની નિકાસમાં વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં મજબૂત વૃદ્ધિદર જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને સિંગાપોર અને શ્રીલંકા ખાતેના શિપમેન્ટ બમણાં થયા હોવાનું વાણિજ્ય મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. ભારતે અત્યાર સુધીમાં સિંગાપોર, મલયેશયા, દક્ષિણ કોરિયા, મોરેશિયસ, યુએઈ, ઑસ્ટ્રેલિયા, યુએઈ, યુરોપિયન યુનીયન, આસિયન દેશોના બ્લોક સહિત 17 દેશો સાથે મુક્ત વેપાર કરાર પર સહીસિક્કા કર્યા છે અને તેમાંથી 16 કરાર કાર્યરત છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં સિંગાપોર ખાતેની નિકાસ 101.2 ટકા વધીને 6.52 અબજ ડૉલર (3.24 અબજ ડૉલર), શ્રીલંકા ખાતેની નિકાસ 123.8 ટકા વઘીને 2.35 અબજ ડૉલર (1.05 અબજ ડૉલર) અને આસિયન (એસોસિયેશન ઑફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ) દેશો ખાતેની નિકાસ 61.6 ટકા વધીને 14.61 અબજ ડૉલર (9.04 અબજ ડૉલર) ની સપાટીએ રહી હતી. તેમ જ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (સાફ્ટા) હેઠળ નિકાસ 36.6 ટકા વધીને 8.40 અબજ ડૉલર (6.15 અબજ ડૉલર)ના સ્તરે રહી હતી.
સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશ અનુસાર નિકાસમાં મલયેશિયા ખાતેની નિકાસ 75.2 ટકા વધીને 2.54 અબજ ડૉલરના સ્તરે રહી હત, જ્યારે ઑસ્ટ્રેલિયા ખાતેની નિકાસ 25.2 ટકા વધીને 2.68 અબજ ડૉલરના સ્તરે રહી હતી. આ સિવાય યુકે ખાતેની નિકાસ 11.1 ટકા વધીને 3.69 અબજ ડૉલર (3.32 અબજ ડૉલર)ના સ્તરે રહી હતી. જોકે, ભારત અને યુકે વચ્ચેના કરારનો અમલ 15મી જુલાઈથી શરૂ થયો હતો.
વધુમાં દિક્ષણ કોરિયા ખાતેનાં શિપમેન્ટ 22.6 ટકા વધીને 1.95 અબજ ડૉલરના સ્તરે, જાપાન ખાતેની નિકાસ 22.4 ટકા વધીને 1.75 અબજ ડૉલરના સ્તરે, ઓમાન ખાતેની નિકાસ 26.4 ટકા વધીને 1.39 અબજ ડૉલરના સ્તરે, નેપાળ ખાતેની નિકાસ 18.1 ટકા વધીને 2.28 અબજ ડૉલરના સ્તરે, ભુતાન ખાતેની નિકાસ 16.1 ટકા વધીને 36 કરોડ ડૉલર અને થાઈલેન્ડ ખાતેની નિકાસ છ ટકા વધીને 1.23 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
ઉક્ત આંકડા દર્શાવે છે કે મુક્ત વેપાર કરાર થયેલા વેપારી ભાગીદાર દેશો ખાતેની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમ જ આગામી સમયગાળામાં પણ નિકાસ વૃદ્ધિ જળવાઈ રહેવાનો આશાવાદ વાણિજ્ય મંત્રાલયના અધિકારીએ વ્યક્ત કર્યો હતો.