નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયા (TTFI)ની માન્યતા ગેરવહીવટ બદલ સસ્પેન્ડ કરી છે. એના સંચાલનમાં અભાવ હોવાનું કારણ આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (IOA)ને દેશમાં આ રમતના વહીવટ માટે ઍડ-હૉક કમિટી નીમવા કહ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે ટીટીએફઆઇ દ્વારા સમયસર ચૂંટણી નથી નીમવામાં આવી તેમ જ આ વર્ષની શરૂઆતમાં મોકલવામાં આવેલી કારણદર્શક નોટિસનો ફેડરેશન તરફથી સંતોષકારક પ્રતિક્રિયા પણ નહોતી આવી.
ચૌટાલાની પત્ની ચૅરપર્સન
સાડાત્રણ વર્ષથી ટીટીએફઆઇના પ્રમુખસ્થાને મેઘના આહલાવત છે. તેઓ આ ફેડરેશનના પ્રથમ મહિલા પ્રમુખ છે. તેઓ હરિયાણાના વિધાનસભ્ય દુષ્યંત ચૌટાલાના પત્ની અને ટીટીએફઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અજય સિંહ ચૌટાલાના પુત્રવધુ છે.
કમલેશ મહેતા સામેના કેસમાં પરાજિત
ટીટીએફઆઇ ઘણા મહિનાઓથી વિવાદમાં છે. જાન્યુઆરીમાં ફેડરેશને દેશના ટેબલ ટેનિસ-લેજન્ડ અને કપોળ સમાજના અગ્રણી કમલેશ મહેતાને મહામંત્રીપદેથી સસ્પેન્ડ કર્યા હતા. નાણાકીય ગેરવ્યવસ્થાનો તેમના પર આક્ષેપ હતો, પરંતુ કમલેશ મહેતા આ મુદ્દો દિલ્હી હાઈ કોર્ટમાં લઈ ગયા હતા અને એ અદાલતે કમલેશ મહેતાનું સસ્પેન્શન રદ કરવાનો આદેશ ફેડરેશનને આપ્યો હતો.
મનિકા બત્રાની બાદબાકીનો પણ વિવાદ
થોડા મહિના પૂર્વે ફેડરેશને દેશની ટોચની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને એશિયન ગેમ્સ માટેના સ્ક્વૉડની બહાર રાખી હતી. ડોમેસ્ટિક સ્તરે જરૂરત કરતાં ઓછું રમ્યાનો તેની સામે આક્ષેપ હતો. બત્રાએ જાહેરમાં આ નિર્ણયને વખોડ્યો હતો અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ((SPORTS MINISTRY)નો હસ્તક્ષેપ માગ્યો હતો. ફેડરેશનની સિલેક્શનને લગતી પ્રક્રિયા શંકાસ્પદ અને અવ્યવહારું હોવાનું બત્રાએ જણાવ્યું હતું. ફેડરેશને આ સહિતના તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને ફેડરેશનને કારણદર્શક નોટિસ મોકલી હતી જેનો એના તરફથી સંતોષકારક જવાબ નહોતો મળ્યો. ગયા વર્ષે નૅશનલ ચૅમ્પિયનશિપ યોજવામાં જે વિલંબ થયો હતો એ ઉદાહરણને ધ્યાનમાં રાખીને મંત્રાલયે જણાવ્યું હતું કે ટીટીએફઆઇ ઍથ્લીટોના કલ્યાણ વિશે તકેદારી રાખવામાં ફરજ ચૂકી ગયું છે. બીજું, આ વર્ષે ચૂંટણી યોજવાનો ફેડરેશનને આદેશ અપાયો હતો છતાં એની પ્રક્રિયા ક્યારે શરૂ થશે એ વિશે મંત્રાલયને ફેડરેશન તરફથી હજી સુધી એક શબ્દ પણ નથી જણાવવામાં આવ્યો.