Tue Sep 29 2026

Logo

ચોરીના ડરથી ગજબનો જુગાડ! વિદેશ જતા પહેલાં ક્રેનથી ઘરની છત પાર્ક કરી દીધી સ્કોર્પિયો

2026-09-05 18:12:39
Author: Mumbai Samachar Team
ચોરીના ડરથી ગજબનો જુગાડ! વિદેશ જતા પહેલાં ક્રેનથી ઘરની છત પાર્ક કરી દીધી સ્કોર્પિયો

પટણાઃ સોશિયલ મીડિયા પર દરરોજ હજારોની સંખ્યામાં વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો એવા હોય છે જેની ચર્ચા વાયરલ થવા કરતા પણ વધારે થતી હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો  જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.  જેમાં એક સ્કોર્પિયો કારને ક્રેઈનની મદદથી પાર્ક કરવામાં આવી રહી છે. વિદેશ જતા હોવ અને મોંઘી કારના પાર્કિંગનો પ્રશ્ન સતાવે એ સ્વાભાવિક છે. ઘણા પરિવારો ઘરના પાર્કિગમાં પણ વધારાની જગ્યા કરીને મોંઘી કારને પાર્ક કરી દે છે. પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કાર માલિકે એક એવો રસ્તો પસંદ કર્યો જેને જોઈને દરેક યુઝર્સ એવું કહી રહ્યા છે કે, આ કાર માલિકે તો પાર્કિંગની પરિભાષા જ બદલી નાંખી. 

ઘરની ઉપર કાર પાર્ક કરવામાં આવી
વાયરલ થયેલા વીડિયોમાં એક મહિન્દ્ર સ્કોર્પિયો કારને ક્રેઈનની મદદથી ઘરની ઉપર પાર્ક કરવામાં આવી રહી છે. ઘરના ધાબા પર કારને પાર્ક કરવામાં આવી રહી છે. આ માટે કારને ઘરના ધાબા સુધી લઈ જવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાડીના માલિકને કાર ચોરી થઈ જવાનો ડર હતો અને કારનો માલિક વિદેશ જઈ રહ્યો હતો. માલિક કામ હેતુ વિદેશમાં જઈ રહ્યા હતા અને કારની સુરક્ષાનો સવાલ હતો. પણ કારને પાર્ક કરવા માટે જે આઈડિયા અપનાવ્યો એ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કારને બીજી જગ્યાએ પાર્ક કરવાના બદલે ઘરના ધાબે પાર્ક કરી દીધી હતી. કારણ કે માલિકને એવી ચિંતા હતી કે, ઘરની બાહર પાર્ક કરવામાં આવશે તો કોઈ ચોર કાર ચોરીને લઈ જશે. કોઈ બીજી જગ્યાએ પાર્ક કરવાના બદલે માલિકે કારને પોતાના ઘરના ધાબે જ પાર્ક કરી દીધી હતી. આ માટે તેણે ક્રેઈન મેનેજ કરનારને વધારાના પૈસા આપ્યા હોવાનું પણ કહેવામાં આવે છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ
આશ્ચર્ય થાય એવો સીન તો એ રહ્યો કે, જ્યારે કારને હવામાં બેલ્ટના સહારે ખેંચવામાં આવી ત્યારે તે હવામાં ઝૂલતી દેખાઈ હતી. આસપાસના લોકો પણ આ કામને જોઈ રહ્યા હતા અને વીડિયો પણ બનાવી રહ્યા હતા. ક્રેઈન ઓપરેટર કારને ધીમે ધીમે ઉપર શિફ્ટ કરી રહ્યો છે. ગણતરીની મિનિટમાં કાર ઘરના ધાબા સુધી પહોંચી જાય છે અને સેફ્ટિ સાથે પાર્ક પણ થઈ જાય છે. સામાન્ય રીતે ઘરના ધાબા પર સોલાર પેનલ, પાણીની ટાંકી અથવા બીજો કોઈ સામાન જોવા મળે છે. આ વીડિયોમાં ધાબા પર સ્કોર્પિયો જોવા મળી.આ વીડિયો સોશિયલ મીડિયા સુધી પહોંચ્યા બાદ લોકો તેને અલગ અલગ નામ આપી રહ્યા છે.

હવે ચર્ચા એવી થઈ રહી છે કે, ઘરના ધાબા પર આવી રીતે કાર પાર્ક કરવી ઘર માટે સુરક્ષિત છે કે નહીં? આ ઉપરાંત જમીન પરથી આટલી ઊંચાઈ પર કારને શિફ્ટ કરવી કાર માટે કેટલું જોખમી પુરવાર થઈ શકે છે. આ વીડિયો બિહારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગાડીનો માલિક કોણ અને ક્યા દેશમાં તે જઈ રહ્યો છે તે અંગે વિગત સામે આવી નથી.ખરેખર ચોરી થવાના ડરથી આવું કર્યું કે બીજા કારણથી એ વાત સાબિત થઈ નથી. આ વીડિયો અનેક સોશિયલ મીડિયા યુઝર્સને આકર્ષિત કરી રહ્યો છે અને યુઝર્સ આને પાર્કિગની નવી સ્ટાઈલ ગણાવી રહ્યા છે.