Mon Oct 05 2026

Logo

મધ્ય પ્રદેશની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનો આપઘાત કેસઃ પંજાબી બોયફ્રેન્ડ અંગે મૃતકની માતાએ કર્યાં ચોંકાવનારા ખુલાસા

2026-09-28 19:07:38
Author: Devayat Khatana
મધ્ય પ્રદેશની સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરનો આપઘાત કેસઃ પંજાબી બોયફ્રેન્ડ અંગે મૃતકની માતાએ કર્યાં ચોંકાવનારા ખુલાસા

ભોપાલ: મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર નિધિ તિવારીની આત્મહત્યાના કેસમાં દરરોજ ચોંકાવનારા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસ તપાસની તેના કથિત પ્રેમી સોનુ સિંહ તરફ વળી છે. પંજાબનો વતની સોનુ હાલ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને અચાનક ગાયબ થઈ ગયો છે, જેના કારણે પોલીસની શંકા વધુ ઘેરી બની છે. મૃતક યુવતીના પરિવારે પણ આ ફરાર યુવક પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તેને જ નિધિના મોતના મુખ્ય જવાબદાર તરીકે ગણાવ્યો છે.

નિધિની માતા હેમલતા તિવારીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેની મોટી દીકરી નિધિ આખા ઘરની આર્થિક જવાબદારી ઉપાડતી હતી. તે હોટેલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. અહીં જ તેની મુલાકાત એક કંપનીમાં આઉટસોર્સિંગ એન્જિનિયર તરીકે કામ કરતા પંજાબના સોનુ સિંહ સાથે થઈ હતી. 

પહેલેથી જ પરિણીત અને બે બાળકોના પિતા હોવા છતાં, સોનુએ નિધિ સાથે નજીકપણું વધાર્યું હતું. પરિવારના સખત વિરોધ છતાં બંને સંપર્કમાં રહ્યા હતા. સોનુ તેના પર સતત નજર રાખતો અને ઘરે મહેમાન આવે તો પણ ખોટી શંકા કરતો હોવાથી નિધિ હંમેશાં બ્લૂટૂથ દ્વારા તેની સાથે ઓનલાઈન જોડાયેલી રહેતી હતી.

પિતાએ વર્ષો પહેલા ટ્રાન્સફર થયા બાદ પરિવારનો સાથ છોડી દીધો હતો, ત્યારથી માતાએ જ દીકરીઓનો ઉછેર કર્યો હતો અને નિધિ ઘરનો મુખ્ય આધાર હતી. આત્મહત્યાના દિવસે નિધિ નીચે પૂજા-પાઠ કરીને પોતાના રૂમમાં ગઈ હતી અને કાનમાં બ્લૂટૂથ લગાવેલું હતું. 

થોડી જ વારમાં સોનુએ નિધિની માતાને ફોન કરીને ગભરામણમાં કહ્યું કે, "આન્ટી જલ્દી ઉપર જાઓ, નિધિ ફાંસો ખાઈ રહી છે." પરિવારજનોએ દોડીને રૂમનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતા દરવાજો તોડી નાખ્યો. અંદર જોયું તો નિધિએ આપઘાત કરી લીધો હતો, આથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ સમગ્ર ઘટનામાં નિધિએ મૃત્યુ પહેલા મૂકેલું સોશિયલ મીડિયા સ્ટેટસ પોલીસ અને તેના હજારો ફોલોઅર્સ માટે તપાસની એક ખૂબ જ મહત્વની કડી બની ગયું છે. તેણે પોતાની છેલ્લી વાયરલ પોસ્ટમાં લખ્યું હતું કે, "આ અધૂરા દિલને કોઈએ પૂરું ન કર્યું, મેં જાતે જ પૂરું કરી લીધું. 

એટલે જ કહેવાય છે કે પોતાનાથી પ્રેમ કરો, બીજા કોઈથી નહીં. પોતાની જાતને પોતાનામાં જ શોધો, બીજામાં ક્યાં સુધી શોધતા રહેશો..." આ દર્દનાક પંક્તિઓ સ્પષ્ટપણે સંકેત આપે છે કે તે આ સંબંધમાં ભાવનાત્મક રીતે અત્યંત આહત હતી અને ભયંકર એકલતા અનુભવી રહી હતી.