(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત જુલાઈ મહિનામાં દેશમાં વનસ્પતિ તેલની આયાત જુલાઈ, 2025નાં 16,47,554 ટન સામે સાત ટકા ઘટીને 15,25,434 ટનની સપાટીએ રહી હતી. જોકે, તેમાં ખાદ્યતેલની આયાત જુલાઈ, 2025ના 16,16,554 ટન સામે આઠ ટકાના ઘટાડા સાથે 14,81,485 ટનની સપાટીએ રહી હતી, જ્યારે અખાદ્યતેલની આયાત જુલાઈ, 2025ના 31,000 ટન સામે વધીને 43,949 ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગના સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બર, 2025થી શરૂ થયેલી વર્તમાન તેલ મોસમમાં ગત નવેમ્બરથી જુલાઈ સુધીના નવ માસના સમયગાળામાં કુલ વનસ્પતિ તેલની આયાત આગલી મોસમના સમાનગાળાના 1,16,02,917 ટન સામે પાંચ ટકાના વધારા સાથે 1,21,50,511 ટનના સ્તરે રહી હતી. જેમાં ખાદ્યતેલની આયાત આગલી મોસમના 1,13,45,915 ટન સામે વધીને 1,19,23,425 ટનની સપાટીએ અને અખાદ્યતેલની આયાત આગલી મોસમના 2,57,002 ટન સામે ઘટીને 2,27,086 ટનના સ્તરે રહી હોવાનું માહિતીમાં ઉમેર્યું હતું.
એસોસિયેશનના જણાવ્યાનુસાર ખાદ્યતેલની આયાતના બાસ્કેટમાં રિફાઈન્ડતેલની આયાતની સરાસરી જે 14 ટકા હતી તે ઘટીને ચાર ટકાની થઈ હતી, જ્યારે ક્રૂડતેલની આયાતની સરાસરી જે 86 ટકા હતી તે વધીને 96 ટકા થઈ હતી. ગત નવેમ્બરથી જુલાઈ સુધીના સમયગાળામાં દેશમાં થયેલી કુલ 1,19,23,425 ટન ખાદ્યતેલની આયાત પૈકી રિફાઈન્ડતેલની આયાત જે ગત મોસમના સમાનગાળામાં 15,71,827 ટન હતી તે ઘટીને 4,34,164 ટનની સપાટીએ રહી હતી, જ્યારે ક્રૂડતેલની આયાત આગલી મોસમના સમાનગાળાના 97,74,088 ટન સામે વધીને 1,14,89,261 ટનની સપાટીએ રહી હતી.
એસોસિયેશનનાં જણાવ્યાનુસાર ગત પહેલી ઑગસ્ટના રોજ દેશમાં 20,19,000 ટન ખાદ્યતેલનો સ્ટોક હતો, જેમાં બંદરો પર 11,31,000 અને પાઈપલાઈનમાં 8,88,000 ટન સ્ટોકનો સમાવેશ થતો હતો.
Chat GPT Generated Image