Tue Aug 18 2026

Logo

કોંગ્રેસ મુખ્યાલયમાં ‘વંદે માતરમ’ રોકવામાં આવ્યું ? વાયરલ વીડિયો અંગે ભાજપ-કોંગ્રેસ સામસામે, જાણો શું છે સમગ્ર મામલો...

2026-08-15 14:38:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દેશ આજે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ ઐતિહાસિક અવસરે નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ને લઈને એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. વર્ષ 2026માં ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નવા પ્રોટોકોલ મુજબ ‘વંદે માતરમ’ના તમામ છ અંતરા ગાવાનો નિયમ બનાવાયો છે, જેને લઈને કોંગ્રેસ કાર્યાલયમાં ગવાયેલા ગીત પર ભાજપે ગંભીર આક્ષેપો કર્યા છે.

સોનિયા અને રાહુલ ગાંધી પર ભાજપના આકરા પ્રહારો

ભાજપના પ્રવક્તા આર.પી. સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે ‘વંદે માતરમ’ ગવાઈ રહ્યું હતું, ત્યારે કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી કથિત રીતે નારાજ થઈ ગયા હતા અને તેમણે કાર્યકરોને ગીત અધવચ્ચે અટકાવવા માટે કહ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો કે, ‘સોનિયા ગાંધીને વંદે માતરમથી આટલી નફરત કેમ છે?’. આ મુદ્દે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચા ઉગ્ર બની રહી છે. 

રાષ્ટ્રીય ગીત બંધ કરાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ 

આ સાથે જ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ આક્ષેપ કર્યો હતો કે, પ્રથમ કડીઓ ગવાયા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેએ ઈશારા કરીને રાષ્ટ્રીય ગીત બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ લોકો આ વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસને સવાલ કરી રહ્યાં છે કે, આખરે શા માટે ‘વંદે માતરમ’ને અધવચ્ચે બંધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? 

 

ભાજપના આરોપ સામે કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા 

ભાજપના આ આરોપો સામે કોંગ્રેસ નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે અને કોઈ પણ પ્રકારના વિઘ્નનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.  જયરામ રમેશે 1937નો ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું કે, ‘28 ઓક્ટોબર 1937માં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ અને પંડિત નેહરુ જેવા દિગ્ગજો હાજર હતા. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સલાહ મુજબ નિર્ણય લેવાયો હતો કે વંદે માતરમની શરૂઆતની પંક્તિઓ જ અધિવેશનમાં ગવાશે. ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે અને આમાં કોઈ વિવાદ નથી’.

 

પવન ખેડા અને અશોક ગેહલોતે કેવી પ્રતિક્રિયા આપી?

આ સાથે પવન ખેડા અને અશોક ગેહલોતે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પવન ખેડા અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ સ્પષ્ટતા કરી હતી કે, કાર્યક્રમમાં ‘વંદે માતરમ’ દરમિયાન કોઈ વિઘ્ન આવ્યું નહોતું અને ભાજપ બિનજરૂરી રાજકારણ રમી રહ્યું છે. જો કે વીડિયો વાયરલ થયો તેમાં લોકો કોંગ્રેસને ખરીખોટી સંભળાવી રહ્યાં છે, પરંતુ કોંગ્રેસે આ આક્ષેપનો નકારી દીધા છે.