Tue Aug 18 2026

Logo

સોનામાં રૂ. 708ની અને ચાંદીમાં રૂ. 386ની પીછેહઠ

2026-08-14 19:46:51
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકાનાં જુલાઈ મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થતાં આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં સોનાના ભાવ બે મહિનાની ટોચે પહોંચ્યા બાદ ગઈકાલે નફારૂપી વેચવાલી જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો.

જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં સાધારણ પીછેહઠ જોવા મળી હતી, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 705થી 708 અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 386 ઘટી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 386ના ઘટાડા સાથે રૂ. 2,33,842ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે આજે સોનામાં રોકાણલક્ષી માગનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 705 ઘટીને રૂ. 1,51,753 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 708 ઘટીને રૂ. 1,52,363ના મથાળે રહ્યા હતા. 

ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં 1.3 ટકાનો ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં સત્રના આરંભે ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 4351.45 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને 4407.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 64.66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્વિક ભાવ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈકાલે ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં સાપ્તાહિક ધોરણે ભાવમાં વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતા બાયબીટનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન તૅને વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હાલમાં બજાર વર્તુળોની નજર ક્રૂડતેલના ભાવ પર મંડાયેલી છે તેમ જ આગામી સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર પણ બજારની મીટ છે. મિનિટ્સના સંકેતો અને ક્રૂડતેલના ભાવની વધઘટને કારણે સોના અને ચાંદીના ભાવમાં ચંચળતા જોવા મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં અમેરિકાનાં જુલાઈ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં સ્થિર વલણ જોવા મળ્યું હોવાથી ગઈકાલે સીએમઈ ફેડ વૉચ ટૂલ બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 31 ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા, જે અગાઉ 44 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી. વધુમાં તાજેતરમાં સોનાના વૈશ્વિક ભાવ વધી આવતા સ્થાનિક સ્તરે પણ ભાવમાં તેજીનું વલણ રહેતાં માગ નબળી પડતાં ભારત ખાતે ડીલરો દ્વારા ઑફર કરવામાં આવતા સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.