Thu Sep 10 2026

Logo

સ્વતંત્રતા પછી કોણ હતા ભારતના પ્રથમ ક્રિકેટ-કૅપ્ટન? ભારતને પ્રથમ ટેસ્ટ-વિજય ક્યારે મળ્યો?

2026-08-15 18:08:28
Author: Ajay Motiwala
સ્વતંત્રતા પછી કોણ હતા ભારતના પ્રથમ ક્રિકેટ-કૅપ્ટન? ભારતને પ્રથમ ટેસ્ટ-વિજય ક્યારે મળ્યો?

નવી દિલ્હીઃ ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મન્સૂર અલી ખાન પટૌડી, કપિલ દેવ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી, એમએસ ધોની, અનિલ કુંબલે, વિરાટ, રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત ઘણા સફળ કૅપ્ટનો મળ્યા છે, પરંતુ 1947માં ભારતે બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી આઝાદી મેળવી ત્યાર પછીની ભારતીય ક્રિકેટ ટીમના પ્રથમ કૅપ્ટન કોણ હતા એ વિશે શનિવારના 80મા આઝાદી દિન નિમિત્તે થોડું જાણી લઈએ.

ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1877માં થઈ હતી, પરંતુ ભારતે આ ફૉર્મેટમાં રમવાની શરૂઆત 1932માં કરી હતી. ત્યારે કર્નલ સી. કે. નાયુડુ ભારતીય ટીમના સૌપ્રથમ કૅપ્ટન બન્યા હતા. ત્યાર પછી મહારાજકુમાર ઑફ વિઝિયાનગરમ અને ત્યાર બાદ ઇફ્તિખાર અલી ખાન પટૌડી ભારતના સુકાની હતા. 1947માં ભારતે આઝાદી મેળવી ત્યાર પછી ભારતીય ટેસ્ટ ટીમના નેતૃત્વની જવાબદારી લાલા અમરનાથ (Lala Amarnath)ને સોંપવામાં આવી હતી. બીજી રીતે કહીએ તો લાલા અમરનાથ આઝાદ ભારતના પ્રથમ કૅપ્ટન હતા. તેમણે 1947થી 1952 સુધીમાં 15 ટેસ્ટમાં ભારતનું સુકાન સંભાળ્યું હતું.

ક્રિકેટમાં ભારતને શરૂઆતના તબક્કામાં જે સ્ટાર ખેલાડીઓ મળ્યા હતા એમાં લાલા અમરનાથનું નામ અચૂક લેવાય છે. તેઓ પેસ બોલિંગ ઑલરાઉન્ડર હતા. તેમણે 1933માં બૉમ્બે (હવે મુંબઈ)માં ઇંગ્લૅન્ડ સામે રમીને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. એ ડેબ્યૂ ટેસ્ટમાં તેઓ ડગ્લાસ જાર્ડિનના નેતૃત્વમાં ભારત આવેલી બ્રિટિશ ટીમ સામે સેન્ચુરી (118 રન, 185 મિનિટ, 21 ચોગ્ગા) ફટકારીને ક્રિકેટ જગતમાં છવાઈ ગયા હતા.

તેઓ ભારત વતી ટેસ્ટ સેન્ચુરી (Century) ફટકારનારા પ્રથમ ખેલાડી બન્યા હતા. એટલું જ નહીં, ભારતે ટેસ્ટ મૅચમાં તેમની હાજરીમાં જ પહેલી વખત વિજય મેળવ્યો હતો. એ વિજય 1952માં મદ્રાસમાં ઇંગ્લૅન્ડ સામે એક દાવથી મળ્યો હતો. વિજય હઝારે એ મૅચમાં ભારતના કૅપ્ટન હતા. ટૂંકમાં, ભારતે 1932માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા પછી પ્રથમ ટેસ્ટ-વિજય મેળવવા 20 વર્ષ સુધી (1952 સુધી) રાહ જોવી પડી હતી. જોકે બીજા વિશ્વયુદ્ધને કારણે થોડા વર્ષો સુધી ક્રિકેટ રમાઈ જ નહોતી.

લાલા અમરનાથે 24 ટેસ્ટમાં એક સેન્ચુરીની મદદથી કુલ 878 રન બનાવ્યા હતા તથા 45 વિકેટ લીધી હતી. જોકે પ્રથમ કક્ષાની મૅચોમાં તેમનો પર્ફોર્મન્સ અસાધારણ હતો. તેમણે 186 મૅચમાં કુલ 10,426 રન બનાવ્યા હતા અને 463 વિકેટ લીધી હતી.