Tue Aug 18 2026

Logo

પીએમ મોદીના ભાષણ સામે આ વિપક્ષના આકરા પ્રહાર! આ નેતાઓએ નોંધાવ્યો વિરોધ, જાણો શું કહ્યું...

2026-08-15 11:59:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશ સમક્ષ 2047ના 'વિકસિત ભારત'નો રોડમેપ રજૂ કર્યો છે. પીએમ મોદીએ દેશના યુવાનો પર ભરોસો વ્યક્ત કરતાં ભારતના વિકાસને નવી દિશા આપવા માટે ‘સપ્તધારા’ શક્તિઓનું એલાન કર્યું છે. 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના આ ફ્યુચર પ્લાન સામે હવે વિપક્ષના નેતાઓએ પણ પોતાની તીખી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટે પીએમ મોદીને શું કહ્યું?

વડાપ્રધાનના ભાષણ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટે જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસનો આ પવિત્ર અવસર ભવિષ્યની ચિંતાઓ અને પડકારોનો સામનો કરવા માટે એકજૂથ થવાનો છે.  તેમણે ઉમેર્યું કે, આજે તમામ લોકોએ ધર્મ, જાતિ, આસ્થા અને સમુદાયના ભેદભાવ ભૂલીને દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા મહાનુભાવોને યાદ કરવા જોઈએ.  આ દિવસે કોઈના પર આરોપ-પ્રત્યારોપ કરવા કે કોઈના ચરિત્ર પર સવાલો ઉઠાવવા યોગ્ય નથી. આજના દિવસે પોતાના જ લોકો પર સવાલ ઉઠાવવાને બદલે એકતા સાથે આગળ વધવાની વાત થવી જોઈએ.  

રજની પાટીલ અને જેબી માથેર: "મહિલા અનામત અને સીમાંકન પર ઘેરાવ"

કોંગ્રેસ સાંસદ રજની પાટીલે પીએમ મોદીના ભાષણ પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશના યુવાનો અને ખેડૂટો હવે વર્તમાન સરકારની નીતિઓની વિરુદ્ધ થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલા અનામતની શરૂઆત રાજીવ ગાંધીની દેન હતી અને અનામતની આડમાં કરવામાં આવી રહેલા સીમાંકનનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે.  આ સાથે જ કોંગ્રેસના અન્ય એક સાંસદ જેબી માથેરે પણ સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા છે.

સાંસદ જેબી માથેરે પણ વિરોધ કર્યો

સાંસદ જેબી માથેરે કહ્યું કે, આ એવો સમય છે જ્યારે આપણે તમામ જ્ઞાત-અજ્ઞાત શહીદોને નમન કરીને બંધારણના રક્ષણનો સંકલ્પ લેવો જોઈએ. જો સરકાર મહિલા અનામત પ્રત્યે ગંભીર હોત તો તેને અત્યાર સુધીમાં અમલી બનાવી દેવામાં આવ્યું હોત. પરંતુ ભાજપ સરકાર મહિલા અનામતનો શ્રેય લેવા માંગે છે અને તેની આડમાં સીમાંકન કરાવીને પોતાના વોટ વધારવાનો પ્રયાસ કરી રહી છે, જે બિલકુલ યોગ્ય નથી.