Tue Aug 18 2026

Logo

ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો; અનેક ઈમારતો ધરાશાયી, દરિયામાં સુનામીનું એલર્ટ...

Jakarta   2026-08-15 08:20:00
Author: Vimal Prajapati
Article Image

જકાર્તાઃ ઇન્ડોનેશિયાના કિનારે શનિવારે સવારે ભૂકંપના ભયાનક આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતા ધરાવતા આ આંચકાથી અસંખ્ય ઇમારતો ધ્રૂજી ઊઠી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભૂકંપની ગંભીરતા અને ભયનો માહોલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આટલી તીવ્રતાનો ભૂકંપ ભારે વિનાશ સર્જવા માટે સક્ષમ માનવામાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નુસા તેંગારા પ્રાંતના એન્ડે શહેરથી 68 કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં દરિયામાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.  

સુનામીની ચેતવણી અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

મહત્વની વાત એ છે કે, ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયાની હવામાન અને ભૂભૌતિકી એજન્સીએ સુનામીનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારો અને નદીઓના કિનારેથી દૂર રહેવા માટે લોકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ભૂકંપના આંચકા બાદ ફ્લોરેસ દ્વીપ નજીકના રહેવાસીઓને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચાઈ વાળા સ્થળો પર જવા જણાવવામાં આવ્યું છે.  ઇન્ડોનેશિયા પેસિફિક મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' ક્ષેત્રમાં સ્થિત હોવાથી ત્યાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહે છે

ઇન્ડોનેશિયમાં ત્રણ કલાકમાં ત્રણ વખત ધરા ધ્રૂજી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પહેલો ભૂકંપ ભારતીય સમયપ્રમાણે સવારે 3:28 વાગ્યે અનુભવાયો હતો. ત્યારબાદ, ફ્લોરેસ અને સુલાવેસી ટાપુઓ વચ્ચે સ્થિત ફ્લોરેસ સમુદ્રમાં 63 કિલોમીટરની ઊંડાઈએ 6.3 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ સર્વે અનુસાર, આ ભૂકંપ ભારતીય સમયપ્રમાણે સવારે 3:43 વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ 6.0 ની તીવ્રતાનો ત્રીજો ભૂકંપ આવ્યો; તે ફ્લોરેસ સમુદ્રમાં 42 કિલોમીટરની ઊંડાઈએ 3:58 વાગ્યે (ભારતીય સમયપ્રમાણે ) નોંધાયો હતો. સૌથી મજબૂત ભૂકંપના આંચકા સવારે 5:58 વાગ્યે અનુભવાયા હતા.

 

ઇન્ડોનેશિયા, આશરે 17,000 ટાપુઓનો વિશાળ દ્વીપસમૂહ, પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં 'રિંગ ઓફ ફાયર' ની સાથે સ્થિત હોવાને કારણે ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ માટે સંવેદનશીલ છે. અત્યારે ઇન્ડોનેશિયામાં આવેલા આ શક્તિશાળી ભૂકંપના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ હોવાના પણ અહેવાલો મળી રહ્યાં છે, જો કે, જાનહાનિ અંગે સત્તાવાર રીતે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.