અમેરિકાના શિકાગોમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વતનીએ શિકાગોમાં 5 વર્ષની પુત્રીને મળવવાના બહાને પોતાની પત્નીને બોલાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ આરોપી ભારત આવવાના ફિરાકમાં હતો પરંતુ એરપોર્ટ પર જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.
આલ્બની પાર્કમાં રવિવારના રોજ રાતે બે વાગ્યે એક અપાર્ટમેન્ટમાંથી અંકુરની પત્નીની લાશ મળી આવી હતી. પોલીસ ક્રાઈમ સીન પર પહોંચી ત્યાં સુધીમાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો, જોકે પોલીસે નવ કલાકમાં જ તેની એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અંકુરની પત્નીને તેનાથી ઉંમરમાં દસ વર્ષ નાના કોઈ યુવક સાથે અફેર હતું અને તે તેની સાથે ભાગી પણ ગઈ હતી.
અંકુર અને મહિલા લગ્ન થયાના થોડા સમયમાં જ છુટા પડ્યા
મળતી માહિતી પ્રમાણે, 31 વર્ષીય અંકુર પટેલ મહેસાણાના કડી તાલુકાનો વતની છે. થોડા વર્ષો પહેલા તેના એક મહિલા સાથે લગ્ન થયા હતા. જેનાથી તેમને 5 વર્ષની પુત્રી પણ છે. લગ્નના થોડા મહિના બાદ બંને વચ્ચે કંઈ અણબનાવ બનતા મહિલા મે મહિનામાં મહિલા અંકુરને છોડીને તેમની સાથે જ અગાઉ કામ કરતા એક યુવક જોડે સંબંધમાં રહેવા લાગી હતી.
સૂત્રોનું માનીએ તો અંકુરે તેની પત્નીને છોકરીને લઈ જવાનું કહીને તેને ઘરે બોલાવી હતી અને રવિવારે રાતે ગળા પર ચાકૂ મારીને તેની હત્યા કરી નાખી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે પત્નીની હત્યા કરતા પહેલા અંકુર તેની દીકરીને કદાચ ઈન્ડિયા મોકલી ચૂક્યો હતો.
મહિલા પોતાની સાથે કામ કરતાં યુવક સાથે રહેવા લાગી
પરિવારના દબાણ હેઠળ મહિલાએ જુલાઈમાં અંકુર પટેલ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને થોડા સમય માટે તેની સાથે વિસ્કોન્સિનમાં રહેવા પણ ગઈ હતી, પરંતુ થોડા જ સમયમાં તે ફરી અલગ રહેવા લાગી અને તેમની પુત્રી અંકુર પાસે જ રહી. ત્યારબાદ અંકુરે ફોન પર મહિલાને અને તેના નવા સાથીદારને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને પુત્રી સાથે વાત કરવાની પણ મનાઈ કરી દીધી હતી.
અંકુરે પોતાની દીકરીને ભારત માતા-પિતા પાસે મોકલી દીધી
લગભગ બે અઠવાડિયા પહેલાં અંકુર પટેલ શિકાગોમાં પોતાના સગાંઓ સાથે રહેવા ગયો હતો અને પોતાની અલગ રહેતી પત્નીને જાણ કર્યા વગર પુત્રીને પોતાના માતા-પિતા પાસે ભારતમાં મોકલી દીધી હતી. અંકુરને નોર્થ એવર્સ એવન્યૂના 4800 બ્લોકમાં આવેલા તેના એક મિત્રના એપાર્ટમેન્ટની ચાવી પણ આપવામાં આવી હતી, જ્યાં તે પોતાની કેટલીક વસ્તુઓ રાખતો હતો.
અંકુરે પોતાની પત્નીને પુત્રીને મળવાના બહાને બોલાવી
7 ઓગસ્ટે જ્યારે અંકુરે મહિલાનો સંપર્ક કર્યો હતો, તે દરમિયાન મહિલા પોતાના નવા સાથીદાર સાથે લ્યુઇઝિયાનામાં રહેવા ગઈ હતી. ત્યારે અંકુરે પોતાની પત્નીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને તે પ્રમાણે તેણે તેની પત્નીને પુત્રીને લેવા માટે શિકાગો આવવા કહ્યું હતું. જોકે, પુત્રીને ભારત મોકલી દીધી હોવાની જાણ ન હોવાથી મહિલા અને તેનો નવો સાથીદાર બાળકીને લેવા માટે કારમાં શિકાગો આવ્યા હતા.
મહિલાના શરીર પર અનેક ઘા
પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના શરીર પર બચાવ કરવાનો પ્રયાસ કરતી વખતે થયેલા અનેક ઘા હતા, જેમાં ડાબા હાથ પર ઊંડો ચીરો પણ સામેલ હતો. જે બાદ આરોપી અંકુરે લોહીથી ભરાઈ ગયેલી પોતાની પેન્ટ ઉતારીને મહિલાના મૃતદેહ પાસે એપાર્ટમેન્ટમાં જ મૂકી દીધી હતી.