શિવસેના શિંદે જૂથ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે, શિંદેના નજીકના નેતાના નિવેદન પછી થાણેમાં રાજકીય વાતાવરણ ગરમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક તરફ, શિવસેના શિંદે જૂથ અને ભાજપ વચ્ચે વિધાન પરિષદની ચૂંટણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ, રાજકીય વર્તુળમાંથી બીજા મોટા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આ સમાચારને રાજ્યમાં મહાયુતિમાં ભંગાણ પડવાના એંધાણ તરીકે જોવામાં આવે છે. થાણે જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં શિવસેના ભાજપ સાથે છેડો ફાડી શકે એવા સંકેત મળી રહ્યા છે.
વિધાન પરિષદની ચૂંટણીને લઈને ભાજપ-શિવસેના એકબીજાની સામે આવી ગયા છે. બંને પક્ષોએ જળગાંવ વિધાન પરિષદની બેઠક પર દાવો માંડ્યો છે. શિવસેના શિંદે જૂથના નેતા કિશોર પાટીલે જળગાંવ વિધાન પરિષદની બેઠક પર વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમનું વલણ એવું છે કે શિવસેનાને આ બેઠક મળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે જો મહાયુતિમાં શિવસેનાને આ બેઠક ન મળે તો અહીં મૈત્રીપૂર્ણ લડાઈ થવી જોઈએ. ત્યારે બીજી તરફ, શિવસેના શિંદે જૂથના સાંસદ અને એકનાથ શિંદેના અત્યંત નજીકના મનાતા નરેશ મ્હસ્કેએ જિલ્લા પરિષદની ચૂંટણીઓ અંગે વાત કરતા એક મોટું નિવેદન કર્યું છે, જેનાથી રાજકીય વર્તુળમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
યુતિ હોય કે ન હોય, શિવસેના આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભગવો ઝંડો ફરકાવવા માટે તૈયાર છે.
યુતિ હોય કે ન હોય, શિવસેના આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભગવો ઝંડો ફરકાવવા માટે તૈયાર છે. શિવસેનાના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે વાતચીત કરવા માટે આયોજિત શિવ સંવાદ યાત્રા સાંસદ શ્રીકાંત શિંદે દ્વારા યોજવામાં આવી હતી એવી માહિતી આપતાં મ્હસ્કેએ કહ્યું હતું કે કાર્યકરો અને પદાધિકારીઓનો આ મેળાવડો શાહપુર અને મુરબાડ મતવિસ્તારમાં યોજાયો હતો.
ઓપરેશન ટાઈગર પર શું કહ્યું?
આ દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી શિવસેના શિંદે જૂથના ઓપરેશન ટાઈગર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, મ્હસ્કેને જ્યારે આ બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદે સાહેબ પોતે એક ટાઈગર છે, ડોક્ટર (શ્રીકાંત શિંદે) બીજા ટાઈગર! તેથી, ઓપરેશન ટાઈગરની હવે કોઈ જરૂર નથી.