Sun Sep 13 2026

Logo

સમાજસેવાનો આગવો એન્ગલ

2026-09-03 10:18:00
Author: Neela Sanghvi
સમાજસેવાનો આગવો એન્ગલ

નીલા સંઘવી

ઉચ્ચ શિક્ષણ મેળવેલ વૃદ્ધ વ્યક્તિ સમાજ માટે બહુ ઉપયોગી થઈ શકે છે. પોતાના જ્ઞાન, પોતાની સમજ નવી પેઢી સુધી પહોંચાડવાનું પૂણ્યકાર્ય આ લોકો કરી શકે છે. વૃદ્ધો પાસે જ્ઞાન છે અને સૌથી મોટી વાત તેમની પાસે અનુભવનું ભાથું છે. જ્ઞાન પ્લસ અનુભવનો સમન્વય થાય અને તે નવી પેઢી સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તો બે પેઢી વચ્ચે ઘર્ષણને બદલે બે પેઢી વચ્ચે સમજનો સેતુ બંધાય. 

આવો સેતુ બનવાનું કાર્ય કરી રહેલા 78 વર્ષના વડીલ રમેશભાઈને મળીએ... રમેશભાઈ કર્મકાંડી બ્રાહ્મણના પુત્ર, બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન. પિતા બહુ જ મામૂલી રકમમાં સત્ય નારાયણની કથા, લગ્ન, શ્રાદ્ધક્રિયા વગેરે કરાવતા. આપણા વડીલ રમેશભાઈને થયું કર્મકાંડ કરવાને બદલે ઉચ્ચ અભ્યાસ કરું અને તેમણે  એન્જિનિયરની ડિગ્રી હાંસલ કરી. એન્જિનિયર તરીકે નોકરી કરી, પણ રમેશભાઈનું મન આ યાંત્રિક કામમાં ન લાગે  કાંઈક બીજુ કરવું જોઈએ એવો વિચાર સદા મનમાં રમ્યા કરતો હતો. એન્જિનિયર તરીકેની ઉચ્ચ વેતનવાળી નોકરી છોડી દીધી રમેશભાઈએ. એક સ્કૂલની જુનિયર કૉલેજમાં ભણાવવાની તેમની જવાબદારી હતી, પણ રમેશભાઈ 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાની જે પોતાની ફરજ હતી તે બજાવતા, પરંતુ ધોરણ 8-9-10 ગુજરાતી માધ્યમના વર્ગોમાં સ્વેચ્છાએ એક પણ પૈસો વધારાનો લીધા વિના ભણાવતા. શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાન તેમને બે વાર પ્રિન્સિપાલ બનવાની તક મળી હતી, પણ તેમણે એ તક ઠુકરાવી દીધી, કારણ કે રમેશભાઈ કડક શિસ્તમાં માનવાવાળા, જુઠાણું જરાય ચલાવી ન લે. પોતાના આવા સ્વભાવને કારણે રમેશભાઈને લાગતું હતું કે પોતે પ્રિન્સિપાલ બની નહીં શકે.     
 
રમેશભાઈએ પછીથી એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રોફેસર તરીકે નોકરી પણ કરી. પૈસાની સખત જરૂર હતી. લગ્ન થયાં હતાં - બે પુત્ર થયા. દીકરાઓના ઉછેર અને શિક્ષણનો ખર્ચ વધતો જતો હતો. તેથી રમેશભાઈએ ટયુશન પણ કયાર્ં. ઈમાનદારીથી કમાયા છે. 

કામધંધો અને પરિવારની દેખભાળ સાથે રમેશભાઈ સામાજિક કાર્યો પણ કરતા રહેતા. તેમના સમાજ દ્વારા સંચાલિત સિનિયર સિટિઝન મંડળમાં તેમણે વર્ષો સુધી સેવા આપી. રમેશભાઈના જ્ઞાનનો, અનુભવનો લાભ સંસ્થાને મળ્યો. વયસ્કો માટે તેઓ સંગીત, ડાન્સ, વાદ-સંવાદ, ભક્તિસંગીત વગેરે કાર્યક્રમો ગોઠવતા, વૃદ્ધો માટે ખૂબ સરસ કાર્ય કર્યું રમેશભાઈએ.

આજે પણ રમેશભાઈ સોસાયટીના વૉચમૅન, રિક્ષા ડ્રાઇવર, કામ કરનાર બાઈ-નોકર વગેરેનાં દુખ-દર્દ સાંભળે તેમને યોગ્ય સલાહ આપે અને અનેક રીતે મદદ કરે છે. 

રમેશભાઈએ જોયું કે ગઈકાલની અને આજની પેઢી વચ્ચે ખાસ્સો જનરેશન ગૅપ છે. બે પેઢી વચ્ચે જે માનસિક અંતર છે તે કઈ રીતે ઘટાડવું? યુવાનો અને વડીલો વચ્ચે મનદુખ વધતાં જાય છે. લાખો રૂપિયા હોય પણ ઘરમાં સુખશાંતિ ન હોય તો લાખ રૂપિયા ખાખ છે. જનરેશન ગૅપને કારણે વડીલો અને યુવાનો બધાં જ દુખી છે. યુવાનો પાસે જિંદગી જીવવાનો અનુભવ નથી. વડીલો યુવાનો સાથે ઍડ્જસ્ટ થઈ શકતા નથી. આ બે પેઢી વચ્ચે જો સમજણનો સેતુ બાંધવામાં આવે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ સૉલ્વ થઈ શકે છે. આવા બધા વિચારો - પોતાનું જ્ઞાન, પોતાના અનુભવો લોકો સમક્ષ પહોંચાડવાનું નક્કી કર્યું. એ માટે તેમણે મહિનામાં બે વાર યુવાનો અને વડીલોને જોડતું પ્રકાશન શરૂ કર્યું. આ મૅગેઝિન દર પખવાડિયે પ્રકાશિત થતું હતું, પરંતુ પ્રકાશનનો ખર્ચ ન પોષાવાને કારણે રમેશભાઈએ યુવાનો અને વડીલોને જોડતા આ પ્રકાશનને માસિકમાં પરિવર્તિત કર્યું. રમેશભાઈના આ માસિકમાં અનેક સંતો અને તત્ત્વચિંતકોના વિચારો છાપવામાં આવે છે. રમેશભાઈના પોતાના વિચારો તો ખરા જ. યુવાનો અને વડીલોને ધાર્મિક માર્ગદર્શન મળે એવા વિચારોનું સંકલન કરવામાં આવે છે. આ મૅગેઝિન લોકોમાં નિ:શુલ્ક વહેંચવામાં આવે છે. વાચકો તરફથી મળતા ડોનેશન અને જાહેરખબરમાંથી એનો ખર્ચ કાઢવામાં આવે છે. જો પૂરતું ડોનેશન કે જાહેરખબર ન મળે તો વધારાના પૈસા રમેશભાઈ પોતાના ગજવામાંથી કાઢે છે. આ માસિક સિનિયર સિટિઝન મંડળોમાં, બગીચામાં આવતા લોકોને, મંદિરોમાં અને કૉલેજના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય વહેંચવામાં આવે છે. છેલ્લાં પચીસ વર્ષથી રમેશભાઈ આ સેવા કાર્ય કરી રહ્યા છે. જોકે વધતી જતી મોંઘવારીને કારણે રમેશભાઈને આ પ્રકાશન ચાલુ રાખવા માટે બહુ મહેનત કરવી પડે છે તેથી આ ઉંમરે તેઓ થાકી જાય છે અને ઘણીવાર વિચારે છે કે એ આ પ્રકાશન બંધ કરી દઉં. પણ ફરી પાછું થાય કે આવું લોકોપયોગી કાર્ય બંધ શા માટે કરવું જોઈએ? આવી અવઢવ વચ્ચે રમેશભાઈ પોતે આદરેલું કાર્ય કર્યે જ જાય છે. 

આશા છે કે આ કાર્ય રમેશભાઈ જીવનપર્યંત ચાલુ રાખી શકે એ માટે આપણા લોકો આગળ આવશે અને રમેશભાઈએ શરૂ કરેલા જ્ઞાનયજ્ઞમાં પોતાના તરફથી યથાશક્તિ આહુતિ જરૂરથી આપશે.

દિવાળીના સપરમા દિવસે જન્મેલા આ વડીલના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્ર-પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ છે. જે વ્યક્તિ બીજાને પોતાના માસિક દ્વારા જ્ઞાન આપે છે તેના ઘરમાં પોતાની સમજણ અને નવી પેઢી સાથે સમન્વય સાધી શકવાની શક્તિને કારણે સુખશાંતિ છે. તેમણે આપેલા સંસ્કાર તેમના બંને પુત્રો ઉજાળે છે અને પુત્રવધૂઓ સાથે બહુ જ સ્નેહથી રહેવાને કારણે રમેશભાઈ સુખી છે. છતાંયે રમેશભાઈ એક પ્રશ્ર્ન પૂછે છે, ‘મારે યુવાનો અને વડીલો વચ્ચે કડીરૂપ બનેલા મારા મૅગેઝિનને ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ?’