Sun Sep 13 2026

Logo

ગૃહિણીની રસોઈકળાનું ક્લિક

2026-09-03 10:11:00
Author: Kaushik Mehta
ગૃહિણીની રસોઈકળાનું ક્લિક

કૌશિક મહેતા


ડિયર હની,

ગૃહિણી માટે અંગ્રેજીમાં બહુ મજાનો શબ્દ છે : હોમમેકર.    

ઘરને ઘર બનાવે એ છે હોમમેકર. એમાં એની રસોઈ કલા બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ આપણે આ વાતને મહત્ત્વ આપતા નથી. કોઈ પ્રસંગમાં જઈએ અને ત્યાં કોઈ વાનગી સારી બની હોય તો ઘેર આવી એનાં વખાણ કરીએ છીએ. એ જ વાત ઘરમાં કોઈ મહિલા સારી વાનગી બનાવે તો લાગુ પાડતા નથી. દરેક પુરુષને એક પ્રશ્ર્ન પૂછવો જોઈએ કે તમે ઘરમાં મા, બહેન કે પત્ની સારી રસોઈ બનાવે તો કેટલીવાર વખાણ કર્યાં છે કે ‘થૅન્ક યુ’ કહ્યું છે? આ ગણતરી કરવામાં તમારી આંગળીના વેઢાં વધી પડશે.

આ વાતનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે હૈદરાબાદ આપણે બન્ને ગયા ત્યારે પિતરાઈ ભાઈની ઘેર ઊતર્યા હતા અને ત્યાં ‘ક્લિક’ની વાત થયેલી અને એ વાત મારા દિમાગમાં બરાબરની ક્લિક થઈ હતી.

તેલંગણા રાજધાની હૈદરાબાદમાં દર વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા મકરસંક્રાંતિનું પર્વ અલગ રીતે યોજાય છે. કાઇટ અને સ્વીટ ફેસ્ટિવલ યોજાય છે. આ ફેસ્ટિવલનું આયોજન પ્રવાસન વિભાગના  ‘ક્લિક’ ( કલ્ચર લૅન્ગ્વેજ ઇન્ડિયન કનેક્શન) દ્વારા આયોજન થાય છે.

એમાં આખો એક વિભાગ હોમમેકર એટલે કે ગૃહિણીઓ માટે હોય છે. એમાં 500 સ્ટૉલ હોય. દેશ દુનિયામાંથી ગૃહિણીઓ ભાગ લે. સ્ટૉલનો કોઈ ચાર્જ નહીં. સાથે રસોઈ કરવા વીજ કનેક્શન અપાય છે. શરત એટલી જ કે ગૃહિણી ઘેર બધું બનાવે, એનો વીડિયો મોકલે અને ધંધાકીય અભિગમ ન હોય. અહીં જુદા જુદા પ્રદેશોની વાનગીનો સ્વાદ મળે. બહુ સરસ આયોજન હોય છે.

સૌથી વિશેષ વાત એ છે કે ઘેર જે વાનગી ગૃહિણી બનાવે એને અહીં પ્લૅટફૉર્મ મળે છે. ચાર દિવસના આ આયોજનમાં લાખો લોકો આવે છે. ગૃહિણીને એની રસોઈ કલાનું ફળ મળે છે. વાહવાહી થાય અને કમાણી પણ કરે. ભારતમાં કોઈ રાજ્યમાં 
આવું આયોજન થતું નથી. મકરસંક્રાતિ તો દરેક રાજ્યમાં પોતાની રીતે ઊજવાય છે, પણ હૈદરાબાદ જેવું આયોજન થતું નથી. આનંદની વાત એ છે કે સરકાર આ આયોજન કરે છે. પિતરાઈની દીકરી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે અને પિતરાઈની પત્નીએ સ્ટૉલ કરી એમાં ગુજરાતી વાનગી મૂકી હતી. બહુ મજાનો રિસ્પૉન્સ મળ્યો હતો. બંને ઉત્સાહથી વાત કરતાં હતાં. બધી વાત સાંભળી રાજી થઈ જવાયું. એમ પણ થયું કે દરેક રાજ્યમાં આ રીતે આયોજન થવું જોઈએ.

ઘરમાં જેની રસોઈનાં વખાણ ભાગ્યે જ થાય છે એના અહીં બેમોઢે વખાણ થાય. આ વાત દરેક પુરુષે સમજવાની જરૂર છે. આજે ઘણી મહિલાઓ ઘેર વાનગી બનાવી કમાણી પણ કરે છે. આવી મહિલાઓ આપણા કુટુંબો છે, આસપાસમાં પણ છે.

આવા દાખલાઓનો પાર નથી. આપણા પરિવારમાં એક ભાભી છે અને એ વિવિધ નાસ્તા બનાવે છે. એ વિસ્તારમાં લીટરલી મોટાભાગના પરિવારો ઘેર નાસ્તો બનાવતા નથી, ભાભી પાસેથી લઈ જાય છે. ફૈબાની એક દીકરી સિઝનમાં કેટલાંય પ્રકારનાં અથાણાં બનાવે છે, એનીય બહુ ડિમાન્ડ છે. આ મહિલાઓની રસોઈ કળાથી દુનિયા પરિચિત તો થાય છે, સાથે એ ઘરમાં આર્થિક સ્રોત પણ બને છે.

હોટેલમાં તો મોટાભાગે શેફ પુરુષ હોય છે, પણ ઘરનો શેફ હંમેશાં મહિલા હોય છે. હોટેલના શેફને નામ-દામ બંને મળે છે, પણ ઘરના શેફને શું મળે છે? આ પ્રશ્ર્ન પૂછવો જોઈએ અને એનો જવાબ વાજબી મળે એવી સ્થિતિ લાવવી પડશે. કેટલા પુરુષ ઘરના રસોડામાં જાય છે? એને શું શું આવડે છે?  ‘આ તો બાયુનું કામ...’ એવી માનસિકતા બદલવી પડશે.

ઘરની મહિલાની રસોઈ કલાને ઓળખો, એની પ્રશંસા કરો અને પ્રોત્સાહન પણ આપો. તને પણ ઘણા મિત્રો ‘અન્નપૂર્ણા’ કહે છે. તારામાં મને ઘણીવાર મારી માની ઝલક જોવા મળે છે. તને સારું લગાડવા નહીં, પણ દિલથી વાત કરુંં છું. પુરુષપણું અભરાઈએ ચઢાવી ઘરની મહિલાની આ કલાને માથે ચઢાવીએ, આટલું તો આપણે પુરુષો  કરી જ શકીએ...

તારો બન્ની