Sun Sep 13 2026

Logo

વોટ્સએપ યુઝર્સ સાવધાન! હવે ચેનલમાં દેખાશે 'AI કન્ટેન્ટ લેબલ', iPhone યુઝર્સ માટે શરૂ થયું રોલઆઉટ

2026-09-03 10:20:00
Author: Darshana Visaria
વોટ્સએપ યુઝર્સ સાવધાન! હવે ચેનલમાં દેખાશે 'AI કન્ટેન્ટ લેબલ', iPhone યુઝર્સ માટે શરૂ થયું રોલઆઉટ

મેટા (Meta)ની માલિકીનું લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પોતાના યુઝર એક્સપીરિયન્સ અને કન્ટેન્ટ પારદર્શિતાને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. આ ક્રમમાં કંપની હવે iPhone (iOS) યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ફીચર રજૂ કરવા જઈ રહી છે. આ નવા ફીચરની મદદથી ચેનલ એડમિન (Channel Admin) એ સ્પષ્ટ કરવું પડશે કે તેમની પોસ્ટમાં શેર કરાયેલો ફોટો, વીડિયો કે અન્ય મીડિયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી બનાવવામાં આવ્યો છે કે એડિટ કરાયો છે. આ નવું 'AI Content Label' ફીચર હાલ પસંદગીના iOS બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

કેવી રીતે કામ કરશે વોટ્સએપનું 'AI Content Label' ફીચર?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, WhatsApp iOS બીટા વર્ઝન 26.34.10.70 દ્વારા TestFlight યુઝર્સ સુધી આ ફીચર પહોંચાડી રહ્યું છે. અગાઉ તેનું એન્ડ્રોઇડ વર્ઝન પર પણ પરીક્ષણ શરૂ કરાયું હતું. ચેનલ એડમિન જ્યારે કોઈ AI જનરેટેડ પોસ્ટ મુકશે ત્યારે Context Menu માં જઈને 'AI Content Label' સિલેક્ટ કરી શકશે. એડમિને લેબલ કન્ફર્મ કરવું પડશે. એકવાર પોસ્ટ સાથે AI લેબલ જોડાઈ જાય તે પછી તેને રિમૂવ કે એડિટ કરવાનો કોઈ વિકલ્પ મળશે નહીં.

કેમ જરૂરી બન્યું આ ફીચર?
સોશિયલ મીડિયા પર AI જનરેટેડ તસવીરો અને ડીપફેક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સામાન્ય યુઝર્સ અસલી અને નકલી કન્ટેન્ટ વચ્ચે ભેદ ઓળખી શકે તે માટે આ લેબલિંગ ખૂબ જરૂરી બની ગયું છે. કેટલાક દેશોમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર AI કન્ટેન્ટની જાહેરાત કરવી કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવી રહી છે. આવા કિસ્સાઓમાં WhatsApp ચેનલ ઇન્ટરફેસ પર બેનર બતાવીને એડમિનને આ નિયમ વિશે એલર્ટ પણ કરશે.

ક્યારે મળશે તમામ સામાન્ય યુઝર્સને?
હાલ આ ફીચર મર્યાદિત iOS બીટા યુઝર્સ માટે ટેસ્ટિંગ ફેઝમાં છે. જો તમારા iPhone પર હાલ આ ઓપ્શન ન દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી; તમામ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ WhatsApp ટૂંક સમયમાં તેને ગ્લોબલી તમામ સ્ટેબલ યુઝર્સ માટે તબક્કાવાર રોલઆઉટ કરશે.