Sun Sep 13 2026

Logo

કચ્છના જુના ખાટીયાના હડપ્પન લોકો કેવો ખોરાક ખાતા? રિસર્ચમાં થયો મોટો ખુલાસો

2026-09-03 11:54:00
Author: Mumbai Samachar Team
કચ્છના જુના ખાટીયાના હડપ્પન લોકો કેવો ખોરાક ખાતા? રિસર્ચમાં થયો મોટો ખુલાસો

ભુજઃ  હડપ્પીય નગરોનો વિકાસ માત્ર લોકોના રહેઠાણ કે કામકાજના સ્થળ પૂરતો સીમિત ન હતો, પરંતુ તેનાથી તેમના ખાનપાન અને રસોઈ શૈલીમાં પણ વ્યાપક પરિવર્તન આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટુકડી  દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.

આ સંશોધન માટે કચ્છ જિલ્લાના જુના ખાટીયા ગામમાંથી મળી આવેલા ૧૨ અને હરિયાણાના રાખિગઢીમાંથી મળી આવેલા ૧૦ એમ કુલ ૨૨ જેટલા હડપ્પીય કાળના માનવ દાંતના નમૂનાઓનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ દાંતના સપાટી પર પડેલા અતિસૂક્ષ્મ ઘસારાની ભાત (માઈક્રોસ્કોપિક વેર પેટર્ન)નો અભ્યાસ કરીને તે સમયના લોકોની આહાર પદ્ધતિ અને બંને વિસ્તારોના લોકોના ખાનપાન વચ્ચેનો તફાવત તારવવાનો પ્રયાસ કર્યો છે.

અભ્યાસના તારણો દર્શાવે છે કે ઈ.સ. પૂર્વે ૩૨૦૦ થી ૨૬૦૦ દરમિયાન કચ્છના  જુના ખાટીયા ખાતે રહેતા લોકો રાખિગઢીના પરિપક્વ હડપ્પીય કાળ (ઈ.સ. પૂર્વે ૨૫૦૦ થી ૧૯૦૦)ના લોકોની તુલનામાં વધુ સખત અને ઓછો પ્રક્રિયા કરેલો ખોરાક આરોગતા હતા. સંશોધકોના મતે આ પરિણામો શહેરીકરણને કારણે રસોઈ બનાવવા અને ખોરાક આરોગવાની પદ્ધતિઓ પર પડેલી અસરો તરફ ઈશારો કરે છે.

રિપોર્ટ અનુસાર, જુના ખાટીયાના દાંત પર અતિસૂક્ષ્મ ઘસારાની જટિલ અને વિવિધતાસભર ભાત જોવા મળી હતી, જે દર્શાવે છે કે તેમના આહારમાં સખત અથવા કાચો ખોરાક સામેલ હતો. તેનાથી વિપરીત, રાખિગઢીના દાંત પર ઓછી જટિલતા જોવા મળી હતી, જે નરમ અને સુપાચ્ય કે યોગ્ય રીતે રાંધેલા ખોરાકનું સેવન દર્શાવે છે.

આ સંશોધન એટલા માટે નોંધપાત્ર છે કારણ કે બંને વિસ્તારના લોકોને લગભગ એકસરખા ખાદ્ય સંસાધનો ઉપલબ્ધ હતા. પુરાતત્વીય પુરાવાઓ અનુસાર હડપ્પીય સમુદાયો બાજરી, ઘઉં, જવ અને ચોખા જેવા અનાજ ઉપરાંત કઠોળ અને અન્ય વનસ્પતિજન્ય ખોરાકની ખેતી કરતા હતા. સાથોસાથ તેઓ પાલતુ પ્રાણીઓ, શિકાર અને માછલીઓનો પણ આહારમાં ઉપયોગ કરતા હતા.

સંશોધકોનું માનવું છે કે વધતા શહેરીકરણ, વ્યાવસાયિક વિશિષ્ટતા અને વસ્તીમાં વધારાના કારણે ખાદ્ય ઉત્પાદન, પ્રોસેસિંગ અને વિતરણની વધુ પ્રમાણભૂત વ્યવસ્થાઓ વિકસી હશે, જેને કારણે લોકોના આહારમાં પરિવર્તન આવ્યું. જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ સૈદ્ધાંતિક દાવો પ્રાથમિક તબક્કાનો છે અને તેને વધુ દ્રઢ કરવા માટે અન્ય પુરાતત્વીય સ્થળો તેમજ મોટા પ્રમાણમાં નમૂનાઓના વધુ અભ્યાસની જરૂર છે.

(ઉત્સવ વૈદ્ય)