Fri Sep 04 2026

Logo

ભુજમાં હમીરસરને કાંઠે સાતમ-આઠમના લોકમેળાનો આજથી પ્રારંભ

2026-09-03 11:51:00
Author: Mumbai Samachar Team
ભુજમાં હમીરસરને કાંઠે સાતમ-આઠમના લોકમેળાનો આજથી પ્રારંભ

 ભુજઃ દુષ્કાળની આહટ વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં બે દિવસના પરંપરાગત જન્માષ્ટમી પર્વની ઉજવણી આજથી શરૂ થઇ છે અને ભુજમાં બે દિવસના સાતમ-આઠમના લોકમેળાનો આરંભ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ભુજમાં યોજાતો આ મેળો રાજ્યના સૌથી નયનરમ્ય લેન્ડસ્કેપ વચ્ચે યોજાય છે.ઐતિહાસિક મહાદેવનાકુ,આલમપનાહ ગઢ, ઓલ્ફ્રેડ હાઈસ્કુલ,કચ્છ સંગ્રહાલય જેવી હેરિટેજ ઇમારતો અને હમીરસર તળાવના કિનારે રાજાશાહીના જમાનાથી યોજાઈ રહેલા આ લોકમેળામાં મેળામાં આલમપનાહ ગઢથી શરૂ કરીને છેક ખેંગારપાર્ક અને ઉમેદનગર સુધીના વિસ્તારમાં બંને તરફ ફાળવવામાં આવેલા પ્લોટ પર રમકડાં, અલગ અલગ રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ લાગી ચુક્યા છે. 

જો કે મોરબીમાં ધરાશાયી થયેલા ઝૂલતા પૂલની દુર્ઘટના પરથી દાખલો લઈને ભુજના પણ રાજાશાહી જમાનાના જર્જરિત થઇ ગયેલા, ઓગન અને હમીરસર તળાવ વચ્ચેના કૃષ્ણાજી પુલને  લોકોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે અને ત્યાં આડશો મૂકી દેવાઈ છે જેથી રામધૂનથી શરૂ કરીને કૃષ્ણાજી પુલ સુધીના લગભગ ૩૦૦ મીટરના વિસ્તારમાં લોકોની ભારે ભીડ થવાનો ડર ઉભો થવા પામ્યો છે. 

આ મેળામાં ભુજ ઉપરાંત આસપાસના ગામો જેવાં કે, માધાપર, મીરજાપર, માનકુવા,કુકમા,ધાણેટી,પધ્ધર,લાખોંદના લોકો પણ મેળાના સ્થળે પહોંચી રહ્યા છે. જન્માષ્ટમીના આ મેળામાં રમકડાં મોંઘા મળતા હોવાની માન્યતાને પગલે લોકોએ શહેરની મુખ્ય બજારોમાં આવેલી રમકડાંની વિવિધ દુકાનોમાંથી ખરીદી કરવાનું પસંદ કર્યું હતું. 

પલટાયેલા જમાનાને પગલે એલઇડી લાઈટ, રિમોટ કંટ્રોલથી ચાલતાં રમકડાં તેમજ ચંદ્રયાન અને મંગળયાન, ડ્રેક્યુલા, રંગબેરંગી જોકર, વિવિધ પ્રકારના કાર્ટૂન કેરેક્ટર્સના રમ્કડાંઓની બોલબાલા વધશે. ભુજ સહીત કચ્છભરની બજારોમાં પણ જન્માષ્ટમીની રોનક જોવા મળી રહી છે. અંજારમાં જેસલ-તોરલની સમાધિ તેમજ અજેપાળ મંદિરની આસપાસના મેદાનમાં પણ સાતમ-આઠમના મેળાનો પ્રારંભ થયો છે.ભુજ ઉપરાંત મુંદરા, ગાંધીધામ, નલિયા તેમજ રાપર જેવા શહેરોમાં પણ તહેવાર પૂર્વેની રોનક વર્તાઈ રહી છે.

દરમ્યાન, શીતળા સાતમની પરંપરાગત ઉજવણી થઇ રહી છે અને ભુજના પ્રાચીન કલ્યાણેશ્વર મહાદેવ પરિસરમાં આવેલા અને રાજમાર્ગ તરીકે ઓળખાતા ઉપલીપાળ રોડ પરના શીતળા માતાના મંદિરોએ તેમજ રાપરના પ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. 

સૌરાષ્ટ્ર,ગુજરાત,મુંબઈ તેમજ દુબઇ-મસ્ક્તથી મૂળ ભુજના પરંતુ બહાર સ્થિત થયેલા પરિવારો ખાસ ભુજ આવે છે. આ ઉપરાંત વાગડ વિસ્તારના એકમાત્ર પૌરાણિક કાળના નાગાસર તળાવના કિનારે સ્થિત સદીઓ જુના શીતળા માતાના મંદિર પાસે યોજાયેલા ભાતીગળ મેળામાં જનમેદની ઉમટી પડી હતી.

આ વખતે ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં અપૂરતા વરસાદને લઈને હમીરસર તળાવ ખાલી ભાસે છે જે દ્રશ્ય મેળા દરમ્યાન લોકોને આંખમાં કણાની માફક ખૂંચશે.

(ઉત્સવ વૈદ્ય)