Mon Sep 14 2026

Logo

ભાડૂઆત કે મકાન માલિક, કોઈ સાથે નહીં થાય અન્યાય: ગુજરાત સરકારની મોટી તૈયારી

2026-09-03 11:24:00
Author: Mayur Patel
ભાડૂઆત કે મકાન માલિક, કોઈ સાથે નહીં થાય અન્યાય: ગુજરાત સરકારની મોટી તૈયારી

Image Credit : The Economic Times


અમદાવાદઃ ગુજરાત સરકાર મકાન માલિક અને ભાડૂઆત બંનેના હિતોનું રક્ષણ કરતો નવો ભાડા કાયદો લાવશે. જેના કારણે કબજો ગુમાવી દેવાના ડરથી લાંબા સમયથી પોતાની મિલકતો ખાલી રાખતા મકાનમાલિકો હવે નિશ્ચિંત બનીને મકાન ભાડે આપી શકશે. આ કાયદો અમલમાં આવ્યા બાદ લેખિત કરાર વિના કોઈપણ મકાન કે જગ્યા ભાડે આપી કે રાખી શકાશે નહીં. મકાનમાલિક અને ભાડૂઆતે નિયત નમૂનામાં કરારની સંયુક્ત જાણ બે મહિનાની અંદર 'રેન્ટ ઓથોરિટી'ને કરવાની રહેશે, જેના માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવશે. ભાડા સંબંધી વિવાદોના ઝડપી નિકાલ અને ન્યાય માટે બિલમાં રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઈ છે.

આ સંજોગોમાં મકાન માલિક મિલકત ખાલી નહીં કરાવી શકે

જો કરાર પૂરો થયા બાદ રિન્યૂ કર્યા વિના ભાડૂઆત મિલકતનો કબજો ચાલુ રાખશે, તો તેણે બમણું માસિક ભાડું ચૂકવવું પડશે. જોકે, યુદ્ધ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આફતોના કિસ્સામાં આફત શમ્યા પછી ભાડૂઆતને એક મહિના સુધી કબજો રાખવાની છૂટ મળશે. પૂરક કરાર દ્વારા મંજૂરી વિના ભાડૂઆત સમગ્ર કે આંશિક મિલકત અન્ય કોઈને પેટા-ભાડે આપી શકશે નહીં. સિક્યોરિટી ડિપોઝિટ વધુમાં વધુ ત્રણ મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મકાનમાલિક કે પ્રોપર્ટી મેનેજરે ભાડે આપેલી જગ્યામાં પ્રવેશતા પહેલા પૂર્વ નોટિસ આપવી પડશે અને સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી પ્રવેશવાની મંજૂરી રહેશે નહીં.

મકાનમાલિકોની જવાબદારીઓ

* સ્ટ્રક્ચરલ રિપેરિંગ: બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ રિપેરિંગ (ભાડૂઆત દ્વારા થયેલા નુકસાન સિવાય), કલરકામ, વ્હાઇટવોશિંગ, દરવાજા-બારીઓનો કલર, નળ અને પાઈપનું જરૂરી સમારકામ તેમજ આંતરિક અને બાહ્ય ઇલેક્ટ્રિકલ વાયરિંગની જાળવણી.

* પ્રવેશ અને સુવિધાઓ: પ્રવેશતાં પહેલાં પૂર્વ નોટિસ આપવી પડશે અને પાણી-વીજળી જેવી આવશ્યક સેવાઓ કાપી શકાશે નહીં.

સિક્યોરિટી ડિપોઝિટ: ત્રણ મહિનાથી વધુ ભાડા જેટલી ડિપોઝિટ માંગી શકાશે નહીં.

ભાડૂઆતની જવાબદારીઓ

* રૂટિન રિપેરિંગ: નળ અને તેના વોશર બદલવા, ડ્રેનેજની સફાઈ, ટોઇલેટ, વૉશ બેસિન, બાથટબ અને ગીઝરનું સમારકામ તેમજ સ્વિચ, સોકેટ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોની નિયમિત જાળવણી.

* ફિટિંગ્સ અને જાળવણી: રસોડાના ફિટિંગ્સ, દરવાજા-બારીઓના હેન્ડલ અને લોક, કાચની પેનલો તેમજ ભાડે રાખેલા બગીચા કે ખુલ્લી જગ્યાની જાળવણી.

ભાડું અને સબલેટિંગ: મંજૂરી વગર પેટા-ભાડે આપી શકાશે નહીં; કરાર પૂર્ણ થયા બાદ રિન્યૂ કર્યા વગર રહેવા પર બમણું ભાડું ચૂકવવું પડશે.

મકાન માલિકો ભાડૂઆતની આવશ્યક સેવાઓ કે પુરવઠો બંધ કરી શકશે નહીં. ચોક્કસ સંજોગોમાં ફક્ત ભાડું ન ચૂકવવાના કારણે તરત જ ખાલી કરાવી શકાશે નહીં; પરંતુ જો સતત બે મહિના સુધી ભાડું ન ચૂકવાય તો ખાલી કરાવવાની પ્રક્રિયા થઈ શકે છે. ખાલી જમીન ધરાવતી ભાડાની જગ્યાઓ માટે પણ વિશેષ જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે.

શહેરી વિકાસ વિભાગ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આ બિલ રજૂ કરશે. કેન્દ્ર સરકારના  મૉડેલ ટેનન્સી એક્ટ, 2021 પર આધારિત આ પ્રસ્તાવિત કાયદાનો હેતુ લેખિત ભાડા કરારો ફરજિયાત બનાવવાનો, વિવાદોનો ઝડપી ઉકેલ લાવવાનો અને બંને પક્ષોની જવાબદારીઓમાં વધુ સ્પષ્ટતા લાવવાનો છે.