Tue Aug 18 2026

Logo

ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં આગળ ધપતો સુધારો, બૅન્ચમાર્ક ત્રણ સપ્તાહની ટોચે

2026-07-31 20:05:14
Author: Ramesh Gohil
Article Image

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 277.48 કરોડની અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 2260.37 કરોડની લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને બજાર ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વમાં અનુક્રમે આઠ ટકા અને છ ટકા જેટલો ઉછાળો આવવાની સાથે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, રિલાયન્સ, ટાટા સ્ટીલ જેવા ઈન્ડેક્સ હેવી વેઈટ શૅરોમાં લેવાલી રહેતાં સતત ત્રીજા સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હતી અને બૅન્ચમાર્ક ઈન્ડેક્સ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.

જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 166.95 પૉઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 66.45 પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 19,045.51 કરોડની ખરીદી સામે રૂ. 18,768.03 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 277.48 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. તેમ જ આજે સંસ્થાકીય રોકાણકારોની રૂ. 19,885.80 કરોડની ખરીદી સામે રૂ. 17,625.43 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 2260.37 કરોડની ચોખ્ખી ખરીદીનો પણ બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 77,928.15ના બંધ સામે સુધારા સાથે 77,998.66ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 77,809.93 અને ઉપરમાં 78,272.25ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે  0.21 ટકા અથવા તો 166.95 પૉઈન્ટ વધીને 78,094.64ના મથાળે બંધ રહ્યો હતો.

તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 24,317.15ના બંધ સામે સુધારાના અન્ડરટોને 24,361.45ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 24,299.70 અને ઉપરમાં 24,429.40ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.27 ટકા અથવા તો 66.45 પૉઈન્ટ વધીને 24,383.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 2.67 ટકા અથવા તો 2034.87 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 2.59 ટકા અથવા તો 616.15 પૉઈન્ટનો સુધારો આવ્યો છે. 

એકંદરે વૈશ્વિક સ્તરે જોખમી પરિબળોમાં થઈ રહેલા ઘટાડા અને તાજેતરમાં જાહેર થઈ રહેલા કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક આવ્યા હોવાથી બજારમાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાની તેમ જ ક્રૂડતેલના ભાવમાં વધારાની ચિંતા સપાટી પર હોવાથી ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળતા સુધારો મર્યાદિત રહ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

વધુમાં ઓનલાઈન વેલ્થ ટેક કંપની એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવનની ચિંતા કોરાણે મૂકીને બજારે પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોને આવકાર્યા હતા અને વધુમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીનો પણ ટેકો મળતાં બજારમાં સુધારાને ટેકો મળ્યો હતો. 

આજે બીએસઈ ખાતે કુલ 4425 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2522 શૅરના ભાવ વધીને, 1722 શૅરના ભાવ ઘટીને અને 181 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 128 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 82 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે બંધ રહ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 18 શૅરના ભાવ વધીને અને 12 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 8.11 ટકાનો વધારો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો.

ત્યાર બાદ અનુક્રમે બજાજ ફિનસર્વમાં 6.30 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 3.58 ટકાનો, અદાણી પોર્ટસમાં 2.12 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.52 ટકાનો અને રિલાયન્સમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 2.73 ટકાનો ઘટાડો ટીસીએસમાં જોવા મળ્યો હતો. આ સિવાય ઈટર્નલમાં 2.72 ટકાનો, ઈન્ફોસિસમાં 2.26 ટકાનો, આઈટીસીમાં 1.51 ટકાનો, ઈન્ડિગોમાં 1.17 ટકાનો અને એચડીએફસી બૅન્કમાં 1.09 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

આજે બીએસઈ મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.66 ટકાનો સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.48 ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં બીએસઈ ઑટો ઈન્ડેક્સમાં 1.99 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.78 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.26 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 1.01 ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 0.83 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 0.67 ટકાનો અને સર્વિસીસ ઈન્ડેક્સમાં 0.66 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સૌથી વધુ 1.39 ટકાનો ઘટાડો આઈટી ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 1.21 ટકાનો, એફએમસીજી ઈન્ડેક્સમાં 0.90 ટકાનો, હોસ્પિટલ ઈન્ડેક્સમાં 0.78 ટકાનો અને પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 0.20 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

આજે એશિયન બજારમાં ખાસ કરીને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 17.91 ટકાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્, અને હૉંગકૉંગનો હૅંગસૅંગ સુધારા સાથે બંધ રહ્યો હતો અને યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન સુધારાતરફી વલણ રહ્યું હતું.