Sun Mar 08 2026

Logo

શરદ જોશી સ્પીકિંગઃ દુબઇ રિટર્નની દાસ્તાન...

3 days ago
Author: Mumbai Samachar Team
Article Image

સંજય છેલ

આજકાલ જે રીતે આરબ દેશોમાં યુદ્ધ પ્રસરી રહ્યું છે એથી લાગે છે કે ભારતીયો માટે આરબ દેશમાં નોકરી, મજૂરી કરીને કમાવાનો સુવર્ણ યુગ હવે ગયો. હવે તો પહેરેલાં કપડે ઘરે પાછા આવવાના દિવસો આવી ગયા છે. જે કરવું હતું એ બધું કરી લીધું અને જે થવાનું હતું એ થઈ ગયું.   

આપણે ભારતીયો આરબ દેશોમાં બહુ પહેલા જ્યારે ત્યાં કંઈ નહોતું ત્યારના પહોંચી ગયા હતા અને ખૂબ કમાવા લાગ્યા હતા. હવે આરબ લોકોનું નસીબ એમના સુધી પહોંચી ગયું છે. એટલે આપણા લોકોની કમાણી ઓછી થવા માંડી અને નવી નોકરીઓ નથી મળતી. હવે સમય આવી ગયો છે કે આપણે સસ્તામાંના કોટ-પેન્ટ ખરીદી લઈએ, શાર્પનું ટુ-ઈન-વન હાથમાં લઈને, સ્પેનિશ ધાબળાઓને પ્લાસ્ટિકની સાદડીમાં લપેટીને અને એક જાડા તળિયાંવાળા મોંઘા જૂતા ખરીદીને ભારત તરફ પાછી ચાલતી પકડીએ. આ જ જાડા તળિયાંવાળા જૂતા તમને ભારતમાં નોકરી શોધતી વખતે ભારતીય રસ્તા પર કામ આવશે. આ જાડા તળિયાંવાળા જૂતા બહુ જરૂરી છે, કારણ કે આગળ ચાલીને એ બહુ ઘસાવાના છે.

દુબઇ ગયેલાને એક પત્ર લખવાનું મન થાય કે- ‘દેશને તો તારી જરૂર છે નહીં એટલે તું આવે તો પણ સારું અને ન આવે તો બહું જ સારું! તારો આરબ દેશમાં જવાનો અર્થ એ જ કે અમારા માટે ત્યાંથી મનીઓર્ડર આવે. તમે કેરલાથી ગયા છો કે ઉત્તરપ્રદેશથી અમને તારી યાદ નથી આવતી. અહીં વસતિ વધારો થયો છે અને બેરોજગારી પણ વધી છે. અમે તો વિચારી રહ્યા હતા કે થોડા બીજા લોકો અખાતના દેશોમાં જાય અને ત્યાંથી જ મનીઓર્ડર મોકલે. 

આ જે પૈસા આવી રહ્યા હતા એમાંથી આપણે એક અર્થ- વ્યવસ્થા બનાવી લીધી હતી. આ પૈસાને એક યોજના સાથે જોડી લીધી હતી. એવું માનીને કે તું મરી જશે ત્યાં સુધી આરબ દેશોમાં જ રહેશે. છેલ્લી ઘડી સુધી ઘરના લોકોને મનીઓર્ડર મોકલવાની સાથે સાથે આ દેશની મૂડી વધારતો રહીશ. આ દેશને એમના બહાર ગયેલા વૈજ્ઞાનિકોને પાછા બોલાવવાની ઇચ્છા થાય છે, મજૂરોને નહીં! પહેલેથી જ ઘણા મજૂરો છે જે બિનજરૂરી આ દેશમાં વધી રહ્યા છે.

પાછો આવી જા દોસ્ત, આ તારી મજબૂરી છે. અમે તો કહીએ કે પાછો ન આવ કારણ કે અમને તારી યાદ નથી આવતી. અમે ગામમાં તારા એક મનીઓર્ડરથી બીજા મનીઓર્ડર આવે એની વચ્ચેનો સમય બેસીને પસાર કરીએ છીએ. ઘરમાં એક માણસ મહેનત કરે છે, બાકી બધાં બેસીને ખાય છે. એ મહેનત કરવાવાળો ગામમાં ખેતી કરે કે પછી કાનપુરમાં રિક્ષા ચલાવે કે પછી દિલ્હીમાં બાંધકામમાં મજૂરી કરતો હોય કે પછી પંજાબમાં પાકની લણણી કરે કે પછી મુંબઈમાં કેન લઈને દૂધ વેચવા જાય કે પછી ખાડીના કોઈ પણ દેશમાં જતો રહે. 

વિદેશ એટલે વિદેશ. એ જ માણસ જીવે છે એની ખબર જે એ પૈસા મોકલે છે એનાથી થાય છે. મરી ના જાય તો એટલા દિવસ સુધી પત્ની ને ભાઈ રાહ જુએ...પરંતુ તું એ પહેલાં જ પાછો આવી રહ્યો છે. અહિંયા જમીન ખરીદવા, હોટેલ કે દુકાન ખોલીને ધંધો કરવા, લગ્ન કરવા, બેંકમાંથી લોન લેવા વગેરે માટે તું પાછો આવી જ ગયો. તારું નસીબ તારી પાછળ પાછળ આવી અને તને આ દેશમાં પાછું લઈ જ આવ્યું. પાછી એ જ ધરતી, પાછા એ જ ઢસરડા, પાછું એનું એ જ જીવન. ખાડીના દેશમાંથી કાઢી મૂક્યો અને ગામનાં કૂવા પર આવીને બેસી ગયો. 
તારું સ્વાગત છે પણ રાષ્ટ્રીય અભિપ્રાય એ છે કે તું ન આવતે તો જ સારું હોત. અરે હાં! તું ત્યાંથી બીજા કોઈ દેશમાં ના જઈ શકે? પ્રયત્ન તો કર!’