Wed Sep 16 2026

Logo

કૉમનવેલ્થ ગેમ્સઃ માતા બન્યા પછી હવે પીએચડી કરી રહેલી ભારતની સીમાએ `નિષ્ફળતાઓ' વચ્ચે મેળવ્યો ચંદ્રક

Glasgow   2026-07-31 17:24:47
Author: Ajay Motiwala
કૉમનવેલ્થ ગેમ્સઃ માતા બન્યા પછી હવે પીએચડી કરી રહેલી ભારતની સીમાએ `નિષ્ફળતાઓ' વચ્ચે મેળવ્યો ચંદ્રક

ગ્લાસગોઃ ભારતની 27 વર્ષની ડિસ્કસ થ્રોની ઍથ્લીટ સીમા કાલીરમન ગુરુવારે અહીં કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની ડિસ્ક્સ થ્રોમાં ત્રીજા નંબર પર આવીને બ્રૉન્ઝ (Bronze) મેડલ જીતી એ સાથે તેના અંગત જીવનની વાતો વાઇરલ થવા માંડી જેમાં સૌથી મહત્ત્વની બે બાબત એ છે કે તે ચાર વર્ષ પહેલાં પ્રથમ બાળકને જન્મ આપ્યા બાદ ગયા વર્ષે નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી અને હાલમાં તે પીએચડી કરી રહી છે.

હરિયાણા રાજ્યના ભિવાની જિલ્લાની સીમા (Seema) ગુરુવારે કૉમનવેલ્થમાં જે સંઘર્ષ અને નિષ્ફળતાઓની વચ્ચે મેડલ જીતી એની વાત કરતાં પહેલાં આપણે તેના અંગત જીવન વિશે થોડું જાણી લઈએ. તેનો દીકરો ચાર વર્ષનો છે. ચાર વર્ષ પહેલાં તેણે પુત્રને જન્મ આપ્યો એ પહેલાં પ્રેગ્નન્સી દરમ્યાન તેમ જ માતા બન્યા બાદ તેને કેટલીક શારીરિક તકલીફો થઈ હતી. તેને સંધિવાની બીમારી થઈ હતી તેમ જ ઘૂંટણમાં ઈજા પણ થઈ હતી. જોકે તેને પતિ તેમ જ પરિવાર તરફથી બહુ સારો સપોર્ટ મળ્યો હતો જેને કારણે તે કૉમનવેલ્થમાં ચંદ્રક જીતવા સુધીની સફર કરી શકી.

ચશ્માધારી સીમાને ગુરુવારે ડિસ્કસ થ્રોમાં મેડલ જીતવા માટે કુલ છ રાઉન્ડમાંથી ત્રીજા રાઉન્ડના 58.65 મીટરના અંતરે કાંસ્યચંદ્રક અપાવ્યો હતો. ત્રીજા રાઉન્ડ પછીના ત્રણેય રાઉન્ડમાં તેના થ્રોમાં ક્ષતિ હોવાને લીધે એ રાઉન્ડમાં તેણે નિષ્ફળતા જોવી પડી હતી. જોકે 58.65 મીટરના થ્રોએ તેને બ્રૉન્ઝ અપાવ્યો હતો. જમૈકાની સામન્થા હૉલ (61.66 મીટર) ગોલ્ડ મેડલ અને કૅનેડાની જુલિયા ટન્ક્સ (60.67 મીટર) સિલ્વર મેડલ જીતી હતી.

આ જ સ્પર્ધામાં ભારતની નીધિ રાની એક તબક્કે ડિસ્કસને 55.67 મીટર દૂર ફેંકીને ત્રીજા નંબર પર આવી ગઈ હતી, પણ ભારતની જ તેની હરીફ સીમાએ ડિસ્કસ 57.32 મીટર દૂર ફેંકીને તેના હાથમાં ત્રીજું સ્થાન આંચકી લીધું હતું. ભૂતકાળમાં ભારતની સીમા પુનિયા કૉમનવેલ્થમાં ડિસ્કસ થ્રોમાં ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ જીતી હતી. ભારતીયોમાં માત્ર ક્રિષ્ના પુનિયા (2010માં) અને વિકાસ ગોવડા (2014માં) ગોલ્ડ મેડલ જીત્યા છે.