થાણે: થાણેના વ્યસ્ત ઘોડબંદર રોડ પર હાઉસિંગ સોસાયટી નજીક સોમવારે રાતના ભેખડ ધસી પડી હતી. માટી અને ભારે પથ્થરો રસ્તા પર પડ્યા હતા. નસીબજોગે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
થાણેના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આરડીએમસી)ના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ભાયંદરપાડામાં હાઉસિંગ સોસાયટી નજીક માટી અને ભારે પથ્થરો સાથેનો કાટમાળ મુખ્ય માર્ગ પર ધસી પડ્યો હતો.
ઇમર્જન્સી ક્ધટ્રોલ રૂમને સોમવારે રાતે 8.40 વાગ્યે ભેખડ ધસી પડ્યાની માહિતી મળી હતી, જેને પગલે ઇમર્જન્સી ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને વાહનવ્યવહારને અસર ન થાય એ માટે તકેદારી રાખી હતી.
દરમિયાન રસ્તા પર પડેલી માટી અને ભારે પથ્થરોને હટાવવા માટે મશીનનો ઉપયોગ કરાયો હતો અને થોડા સમય બાદ રસ્તો સાફ કરવામાં આવ્યો હતો. રાહદારીઓ અને મુસાફરોની સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે નજીકના ડુંગરાળ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)