Sat Aug 22 2026

Logo

વૉર્નરની ચાલાકી ન ચાલી, ડ્રિન્ક-ઍન્ડ ડ્રાઇવ કેસમાં કસૂરવાર ઠર્યો

Sydney   2026-08-18 18:15:19
Author: Ajay Motiwala
Article Image

સિડનીઃ એક તરફ સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નર (Warner) ભારતના ઑલરાઉન્ડ-લેજન્ડ યુવરાજ સિંહ તેમ જ સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સ સાથે આગામી ઑક્ટોબરની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)માં રમતો જોવા મળશે ત્યાં મંગળવારે સમાચાર મળ્યા હતા કે વૉર્નરને સાડાચાર મહિના પહેલાંના ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ (Drink and Drive) કિસ્સામાં ગુનેગાર ઠરાવવામાં આવ્યો છે અને તેને 1,500 ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે એક લાખ રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. દરમ્યાન આગામી બિગ બૅશ લીગમાં સિડની થન્ડરની વૉર્નરની કૅપ્ટન્સીને વિપરીત અસર થવાની સંભાવના છે.

વૉર્નરે કેમ આ ખાસ ડિવાઇસ બેસાડવું પડશે?

39 વર્ષના ક્રિકેટર વૉર્નરે પોતાની કાર ફરી ચલાવતાં પહેલાં એમાં ઇન્ટરલૉક ડિવાઇસ બેસાડવું પડશે, એવું અદાલતે ઠરાવ્યું છે. આ એવું ડિવાઇસ છે જે કારમાં બેસાડવામાં આવતાં ડ્રાઇવરે દારૂ પીને કાર ચલાવવાની તૈયારી કરી લીધી હોવાનું જો ડ્રાઇવરની સિસ્ટમમાં આવી જાય તો એ કાર ચાલુ જ ન થાય.

વૉર્નરની કઈ ચાલાકી પકડાઈ ગઈ?

વૉર્નરે રવિવાર, પાંચમી એપ્રિલે બનેલી ઘટનામાં એક ચાલાકી કરી હતી જેને પોલીસે પકડી પાડી હતી. તેણે મર્યાદાની બહાર દારૂ પીને કાર ચલાવી હતી. એક રસ્તા પર પોલીસે જ્યારે તેની કાર અટકાવી એની થોડી વાર પહેલાં તેણે જે તરકીબ અજમાવી એમાં તે સફળ નહોતો થયો. ટ્રાફિક પોલીસના કર્ચમારીઓ દૂર ઊભા હોવાની જાણ થતાં જ વૉર્નરે તેની કારમાં બેઠેલી મહિલા સાથે સીટ બદલવાની કોશિશ કરી હતી. જોકે પોલીસે તેની ચાલાકી પકડી પાડી હતી અને તે જ કાર ચલાવી રહ્યો હોવાનું કહ્યું હતું. વૉર્નરે પછીથી ગુનો કબૂલ્યો હતો.

વકીલની કઈ વાત અદાલતને ગળે ઊતરી?

જોકે વૉર્નરની એ ઘટનાની વિશ્વભરમાં ચકચાર થઈ હતી. તેની ધરપકડ સહિતની વિગતોની અખબારી યાદી બહાર પાડવામાં આવી હતી જેને પગલે વૉર્નરના વકીલ અવૈસ અહમદે અદાલતમાં એવી દલીલ કરી હતી કે `મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં વૉર્નરની આ ઘટના ખૂબ ચર્ચાસ્પદ થઈ જેને પગલે વૉર્નરના કેટલાક કમર્શિયલ કૉન્ટ્રૅક્ટોને વિપરીત અસર થઈ તેમ જ ભારત તથા બાંગ્લાદેશમાં ટી-20 લીગ રમવા સંબંધમાં પણ તેને જે તકો મળી શકે એમ હતી એ નહોતી મળી શકી. આ બધુ જોતાં વૉર્નરને કોઈ પણ પ્રકારની સજા ન થવી જોઈએ.' અદાલતે પછીથી સમર્થન આપતા જણાવ્યું હતું કે `આ ઘટના ચકચારમય થતાં વૉર્નર અને તેની પત્ની કૅન્ડિસે સોશ્યલ મીડિયામાં ક્રૂર અને ઘૃણાસ્પદ ચર્ચાના શિકાર થવું પડ્યું હતું જેના પુરાવા પણ છે.'