Thu Nov 19 2026

Logo

દીવાઓના અજવાળે ઝળહળશે રામનગરી, અયોધ્યામાં આજથી પાંચ દિવસીય દીપોત્સવનો રંગારંગ પ્રારંભ

2026-11-05 07:35:29
Author: Mumbai Samachar Team
દીવાઓના અજવાળે ઝળહળશે રામનગરી, અયોધ્યામાં આજથી પાંચ દિવસીય દીપોત્સવનો રંગારંગ પ્રારંભ

આ દીપોત્સવ ભારતીય પરંપરા અને ભગવાન શ્રીરામના આદર્શોને જાણવાનો એક વિશેષ અવસર 

ઉતરપ્રદેશ: જ્યાં નજર કરો ત્યાં દીવાઓની ઝગમગાટ, વાતાવરણમાં ગુંજતા જય શ્રીરામના નાદ અને ચારે તરફ ભક્તિનો માહોલ... ભગવાન શ્રીરામની પાવન નગરી અયોધ્યા ફરી એકવાર ભવ્ય દીપોત્સવ માટે સજીધજીને તૈયાર થઈ ગઈ છે. આજથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય દીપોત્સવમાં 30 લાખ દીવાઓના અજવાળાની સાથે દેશ-વિદેશની સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. પાંચ દેશોની રામલીલા મંડળીઓથી લઈને લેસર શો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી અયોધ્યામાં આ વખતે ઉત્સવની રોનક કંઈક અલગ જ જોવા મળશે. શહેરનાં મંદિરો, રસ્તાઓ અને મુખ્ય સ્થળોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યાં છે. દરેક જગ્યાએ ભક્તિ, ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે.

પાંચ દેશોની રામલીલા મંડળીઓ કરશે પ્રસ્તુતિ

આ વર્ષના દીપોત્સવનું ખાસ આકર્ષણ પાંચ દેશોની રામલીલા મંડળીઓ રહેશે. આ મંડળીઓ ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલા પ્રસંગોનું મંચન કરશે. આ ઉપરાંત દેશનાં વિવિધ રાજ્યોના કલાકારો પોતાની લોકસંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને સંગીત દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો પરિચય કરાવશે.

56 ઘાટ પર પ્રગટશે 30 લાખ દીવાઓ

દીપોત્સવના મુખ્ય આયોજન માટે રામ કી પૈડીના 56 ઘાટ પર અંદાજે 30 લાખ દીવાઓ સજાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને કર્મચારીઓ દીવા ગોઠવવાની કામગીરીમાં જોડાયા છે. 7 નવેમ્બરના રોજ મુખ્ય દીપોત્સવ યોજાશે. આ દિવસે લાખો દીવાઓના પ્રકાશથી સરયુ નદીના ઘાટો ઝળહળી ઊઠશે.

લેસર શો અને પ્રોજેક્શન મેપિંગ પણ બનશે આકર્ષણ

દીપોત્સવ દરમિયાન પરંપરાગત કાર્યક્રમોની સાથે આધુનિક ટેક્નોલોજીનો પણ સુંદર સમન્વય જોવા મળશે. લેસર શો, પ્રોજેક્શન મેપિંગ, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અયોધ્યાના ઇતિહાસ અને ભગવાન શ્રીરામની ગાથાને રજૂ કરવામાં આવશે, બીજી તરફ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ મંદિરના નિર્માણમાં સહયોગ આપનારા રામભક્તોને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આમ, પાંચ દિવસ સુધી અયોધ્યા ભક્તિ, સંસ્કૃતિ, સંગીત અને દીવાઓના અજવાળાથી ઝળહળશે. દેશ-વિદેશના લોકો માટે આ દીપોત્સવ ભારતીય પરંપરા અને ભગવાન શ્રીરામના આદર્શોને જાણવાનો એક વિશેષ અવસર બનશે.