Thu Nov 19 2026

Logo

અમેરિકી સંસદમાં ટ્રમ્પનું વર્ચસ્વ ઘટ્યું! મિડટર્મમાં હાર થતા વેન્સ સાથે મતભેદની ચર્ચાએ જોર પકડયું

Washington   2026-11-05 09:02:31
Author: Mumbai Samachar Team
અમેરિકી સંસદમાં ટ્રમ્પનું વર્ચસ્વ ઘટ્યું! મિડટર્મમાં હાર થતા વેન્સ સાથે મતભેદની ચર્ચાએ જોર પકડયું

વોશિંગ્ટન: અમેરિકાના રાજકારણમાં મિડટર્મ ચૂંટણીનાં પરિણામો બાદ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસનાં બંને ગૃહોમાં બહુમતી ગુમાવવી પડી છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન યુદ્ધને લઈને અલગ અભિપ્રાય આપ્યો છે. જેના કારણે ટ્રમ્પ અને વેન્સ વચ્ચે મતભેદ હોવાની ચર્ચા શરૂ થઈ છે, પરિણામો બાદ અમેરિકાની રાજનીતિમાં સત્તાનું સમીકરણ બદલાઈ ગયું છે, ઈરાન યુદ્ધ, મોંઘવારી અને ટ્રમ્પ સરકારની કામગીરી સામેની નારાજગી આ પરિણામોમાં મહત્વનાં પરિબળો રહ્યાં છે. 

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસનાં બંને ગૃહોમાં બહુમતી ગુમાવી છે. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીને 228 બેઠકો મળી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીને 139 બેઠકો મળી છે. બીજી તરફ સેનેટમાં ડેમોક્રેટ્સે 54 બેઠકો સાથે બહુમતી મેળવી છે. આ પરિણામો બાદ ટ્રમ્પ માટે પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારવો મુશ્કેલ બની શકે છે. 

ઈરાન યુદ્ધ બન્યું હારનું મોટું કારણ?

ચૂંટણીમાં હાર બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેમાં તેમણે ઈરાન યુદ્ધને પાર્ટીની હારનું એક મોટું કારણ ગણાવ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ઈરાન યુદ્ધ માટે સેનેટમાં આગામી છ વર્ષ સુધી બહુમતી ગુમાવવી યોગ્ય નિર્ણય હતો? તેમના આ નિવેદનથી ટ્રમ્પ સરકારની ઈરાન નીતિ અંગે મતભેદની ચર્ચા શરૂ થઈ છે. 

વેન્સના નિવેદન પર ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે ઈરાન યુદ્ધની ચૂંટણી પર અસર પડશે તેની તેમને જાણ હતી. જોકે, તેમણે ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીનો બચાવ પણ કર્યો હતો. એટલે બંને નેતાઓનાં નિવેદનોમાં અલગ અભિગમ જોવા મળ્યો હતો, મિડટર્મ ચૂંટણીનાં પરિણામોએ અમેરિકાની રાજનીતિમાં નવું સમીકરણ ઊભું કર્યું છે. 

2028ની ચૂંટણી પહેલાં વેન્સના બદલાતાં  તેવર

જેડી વેન્સ અગાઉ પણ લાંબા સમય સુધી ચાલતાં વિદેશી સૈન્ય અભિયાનોની ટીકા કરતા રહ્યા છે. તેઓ ઇરાક યુદ્ધમાં મરીન તરીકે સેવા આપી ચૂક્યા છે. ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ પણ તેમણે ટ્રમ્પની જેમ સૈન્ય કાર્યવાહીની તરફેણ કરી નહોતી. હવે ચૂંટણીની હાર બાદ તેમણે મોંઘવારી, અમેરિકાના હિતોને પ્રાથમિકતા ન આપવી અને ઇઝરાયલ સાથેના સંબંધો જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે. 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં વેન્સના આ નિવેદનોને તેમની રાજકીય રણનીતિ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યાં છે. જોકે, તેમણે ચૂંટણી લડવા અંગે હજુ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. 

કોંગ્રેસનાં બંને ગૃહોમાં ડેમોક્રેટ્સનું નિયંત્રણ આવવાથી ટ્રમ્પ સરકારના નિર્ણયો, નીતિઓ અને વહીવટી કામગીરી પર વધુ તપાસ અને ચર્ચા થઈ શકે છે. બીજી તરફ, વેન્સનાં નિવેદનોએ રિપબ્લિકન પાર્ટીની અંદર ઈરાન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર મતભેદની ચર્ચાને વેગ આપ્યો છે. જોકે, ટ્રમ્પ અને વેન્સ વચ્ચે વ્યક્તિગત સંબંધોમાં ખરેખર તિરાડ પડી છે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી.