Thu Nov 19 2026

Logo

દિવાળી પહેલાં મોંઘવારીનો માર: અદાણી CNG રૂ.100ને પાર,  જાણો હવે કેટલો ચૂકવવો પડશે ભાવ

2026-11-05 09:08:00
Author: Mumbai Samachar Team
દિવાળી પહેલાં મોંઘવારીનો માર: અદાણી CNG રૂ.100ને પાર,  જાણો હવે કેટલો ચૂકવવો પડશે ભાવ

 

અમદાવાદ: દિવાળીના તહેવારો વચ્ચે વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક બોજો પડ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચથી પરેશાન લોકો માટે CNG પણ હવે મોંઘો બની ગયો છે. અદાણી CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રૂ.100થી ઓછા ભાવે મળતો CNG હવે 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ખાસ કરીને રોજ વાહન લઈને કામધંધા પર જતા લોકો, રિક્ષાચાલકો અને CNG કારનો ઉપયોગ કરતા પરિવારોના માસિક બજેટ પર આ ભાવવધારાની અસર પડી શકે છે. 

દિવાળીના તહેવાર દરમિયાન લોકો ખરીદી, મુસાફરી અને પરિવાર સાથે બહાર જવા માટે વધુ ખર્ચ કરતા હોય છે. આવી સ્થિતિમાં CNGના ભાવમાં વધારો થતાં વાહનચાલકોના બજેટ પર વધારાનો બોજો પડશે. ખાસ કરીને મોટા શહેરોમાં દરરોજ નોકરી, ધંધા કે અન્ય કામ માટે વાહનનો ઉપયોગ કરતા લોકો માટે ઇંધણનો ખર્ચ મહત્વનો હોય છે. હવે CNGના ભાવમાં વધારો થતાં દર મહિને વાહન પાછળ થતો ખર્ચ પણ વધી શકે છે, મોટી સંખ્યામાં રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો CNG વાહનોનો ઉપયોગ કરે છે. તેમના માટે CNG રોજિંદા વ્યવસાયનો મહત્વનો ખર્ચ છે. ભાવમાં પ્રતિ કિલો રૂ.2.30નો વધારો થતાં તેમની આવક અને ખર્ચ વચ્ચેનું ગણિત બદલાઈ શકે છે.

આ ભાવવધારા બાદ અદાણી CNGનો નવો ભાવ રૂ.100.77 પ્રતિ કિલો થયો છે. અગાઉ વાહનચાલકોને એક કિલો CNG માટે રૂ.98.47 ચૂકવવા પડતા હતા. જોકે, હવે ભાવમાં વધારો થતાં CNGનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. દિવાળી જેવા મોટા તહેવાર પહેલાં થયેલા આ ભાવવધારાથી વાહનચાલકોમાં ચિંતા વધી શકે છે. કારણ કે, CNGનો ઉપયોગ માત્ર ખાનગી કારમાં જ નહીં, પરંતુ રિક્ષા, ટેક્સી અને અન્ય વ્યવસાયિક વાહનોમાં પણ મોટા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને રોજિંદા જીવનમાં વાહનનો ઉપયોગ કરતા મધ્યમ વર્ગના પરિવારો, રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો માટે આ ભાવવધારો ચિંતાનો વિષય બની શકે છે. હવે વાહનચાલકોએ પોતાના માસિક બજેટમાં ઇંધણ પાછળના વધારાના ખર્ચને પણ ધ્યાનમાં રાખવો પડશે.