દિલ્હી: રાજધાનીમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. હવાની ગુણવત્તા સુધારવા માટે હવે તંત્રએ નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સામાન્ય રીતે ટ્રાફિકના નિયમો તોડવા બદલ વાહનચાલકોના ચલણ કપાતાં હોય છે, પરંતુ દિલ્હીમાં આ વખતે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વખતે ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકો નહીં, પરંતુ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે ચલણ કાપવામાં આવ્યાં છે. બુધવારે માત્ર રોહિણી ઝોનમાં જ એક દિવસમાં 303 ચલણ કાપવામાં આવ્યાં હતાં.
દિલ્હીમાં પ્રદૂષણ વધવાનું એક મોટું કારણ બાંધકામ દરમિયાન ફેલાતી ધૂળ અને કચરો સળગાવવાની ઘટનાઓ છે. MCD દ્વારા આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે, ખુલ્લામાં કચરો સળગાવવો, બાંધકામ સ્થળે ધૂળ નિયંત્રણના નિયમોનું પાલન ન કરવું, તોડકામ દરમિયાન ધૂળ ફેલાતી રોકવા જરૂરી વ્યવસ્થા ન કરવી, બાંધકામનો કચરો યોગ્ય રીતે ન હટાવવો અને જાહેર સ્થળોએ કચરો અને ધૂળ ફેલાવવા બદલ ચલણ કપાઈ શકે છે.
ખુલ્લામાં કચરો સળગાવવાથી નીકળતો ધુમાડો હવાની ગુણવત્તાને વધુ ખરાબ કરે છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં પ્રદૂષણની સમસ્યા વધુ ગંભીર બનતી હોય છે. આવી સ્થિતિમાં કચરો સળગાવવાની ઘટનાઓ રોકવી તંત્ર માટે મહત્વપૂર્ણ બની છે તેમજ બાંધકામ અને તોડકામ દરમિયાન ફેલાતી ધૂળ હવાના પ્રદૂષણમાં વધારો કરે છે. તેથી બાંધકામ સાથે જોડાયેલા લોકો અને કોન્ટ્રાક્ટરોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે. બાંધકામ સ્થળે ધૂળ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી, કાટમાળનો યોગ્ય નિકાલ કરવો અને આસપાસના વિસ્તારમાં ગંદકી ન ફેલાય તેની કાળજી રાખવી જરૂરી છે.
દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને MCD દ્વારા તપાસ અને કાર્યવાહી તેજ કરવામાં આવી છે, તેથી બાંધકામ સાથે જોડાયેલા લોકો, કોન્ટ્રાક્ટરો અને સામાન્ય નાગરિકોએ પણ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખુલ્લામાં કચરો સળગાવવો કે બાંધકામની ધૂળ ફેલાવવી જેવી ભૂલો હવે ભારે પડી શકે છે.