નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં ગુજરાત ટાઈટન્સનો ઓપનર સાઈ સુદર્શન સળંગ બીજી વાર હીટ વિકેટ થયો હતો. આ સાથે તેણે અણગમતા રેકોર્ડની બરાબરી કરી હતી. સાઈ સુદર્શન આઈપીએલમાં ત્રણ વખત હીટ વિકેટ થનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. પુરુષોની T20માં અત્યાર સુધીમાં આંદ્રે રસેલ અને શોએબ મલિક ત્રણ-ત્રણ વખત હીટ વિકેટ થયા હતા. ગઈકાલે સુદર્શન પણ હીટ વિકેટ થવાની સાથે આ અણગમતા લિસ્ટમાં સામેલ થઈ ગયો હતો.
કેવી રીતે હીટ વિકેટ થયો સાઈ સુદર્શન
સાઈ સુદર્શન ગુજરાત ટાઈટન્સની 13મી ઓવરમાં આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી બ્રજેશ શર્મા બોલિંગ કરતો હતો. પ્રથમ બોલ લૉ ફૂલટૉસ હતો. જેના પર સુદર્શને ચોગ્ગો માર્યો હતો. બીજા બોલ પર એક રન લીધો હતો. ત્રીજા બોલ પર ગિલે ચોગ્ગો માર્યો અને ચોથા બોલ પર એક રન લીધો હતો. પાંચમો બોલ પણ બાઉન્ડ્રી પાર કરી ગયો હતો પરંતુ આ દરમિયાન સાઈ સુદર્શનના હાથમાંથી બેટ છટક્યું અને સીધું સ્ટંપ પર પડ્યું હતું. આ રીતે તે હીટ વિકેટ આઉટ થયો હતો. સ્ટેડિયમમાં હાજર ફેન્સ પણ આ રીતે તેને આઉટ થતો જોઈને દંગ રહી હયા હતા. જ્યારે કેપ્ટન ગિલ પણ નિરાશ થયો હતો.
સળંગ બીજી વાર હીટ વિકેટ થયેલા સાઈ સુદર્શને શું કહ્યું ?
સળંગ બીજી વાર હીટ વિકેટ થયેલા સાઈ સુદર્શને મેચ બાદ કહ્યું, મને લાગે છે કે મારે કેટલીક વસ્તુઓ અજમાવવી જોઈએ. હવે હું બેટની ગ્રીપ માટે કોઈ નવી ટેકનિક અજમાવવાનો છું અને થોડા બોલ રમીને જોઈશે કે તે કેવું રહે છે. પરંતુ સળંગ બીજી વખત આ કેવી રીતે થયું તેનો મારી પાસે જવાબ નથી.
THE RAREST OF RARE DISMISSALS!
— IndianPremierLeague (@IPL) May 29, 2026
TWICE IN TWO INNINGS 😯😯
Sai Sudharsan's bat fell onto his own stumps 🫣
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/htGSYpu3YH
સાંઈ સુદર્શન પહેલીવાર બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે હીટ-વિકેટ આઉટ થયો હતો. જે બાદ RCB સામેની ક્વોલિફાયર 1 માં જેકબ ડફીના બોલ પર બાઉન્ડ્રી તરફ કટ મારતી વખતે તેણે બેટ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. બોલ બાઉન્ડ્રી લાઇન પાર કરે તે પહેલાં જ તેનું બેટ ઉછળીને લેગ સ્ટમ્પ પર જઈને વાગ્યું હતું. ગઈકાલે ત્રીજી વખત પણ તે હીટ વિકેટ થયો હતો.
શુભમન ગિલ પણ આશ્ચર્યચકિત
સાઈ સુદર્શન અને ગિલે 167 રનની ભાગીદારી કરીને ગુજરાત ટાઇટન્સ માટે 215 રનનો ટાર્ગેટ સરળ બનાવી દીધો હતો. ગિલે સ્વીકાર્યું કે જે કંઈપણ બન્યું તે પચાવવું તેના માટે પણ મુશ્કેલ હતું. ગિલે કહ્યું, મેં ક્યારેય આના જેવું કંઈ જોયું નથી. બે મેચ, અને તે પણ સતત બે મેચમાં તે જે રીતે આઉટ થયો તે આશ્ચર્યજનક છે. મેં સોશિયલ મીડિયા પર કોઈ વીડિયો જોયો હતો જેમાં તે કદાચ તેના હાથ પર ટેપ લગાવી રહ્યો હતો. મારે આગામી મેચમાં પણ એવું જ કરવું પડશે.
ગિલ-સુદર્શનની પાર્ટનરશિપ ફરી એકવાર ગુજરાત ટાઈટન્સની સીઝનની સૌથી મોટી તાકાત બની રહી છે. આઈપીએલ 2026 માં હવે તેમની 4 સદીની ભાગીદારી થઈ ગઈ છે, તેમજ બંને બેટ્સમેનોએ 700 રનનો આંકડો પાર કર્યો છે. તેમની ભાગીદારી આટલી સફળ કેમ છે તે અંગે પૂછવામાં આવતા ગિલે કહ્યું, મને લાગે છે કે અમે એકબીજાના પૂરક છીએ. અમે એકબીજાની રમતને બહુ સારી રીતે સમજીએ છીએ. જ્યારે અમે ત્યાં બેટિંગ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે અમારું કોમ્યુનિકેશન ખૂબ સારું હોય છે. અમે જાણીએ છીએ કે અમારામાંથી કોઈ એકે કોઈ એક બોલર સામે આક્રમણ કરવું પડશે. કયો બેટ્સમેન કયા બોલર સામે આક્રમણ કરશે તે નક્કી કરીએ છીએ.
સાઈ સુદર્શને ગિલ સાથે પોતાની રમત કેવી રીતે નિખારી તે અંગે વાત કરતાં કહ્યું, ગિલ સાથેની આ ભાગીદારી ચોક્કસપણે વર્ષોની સાથે વધુ મજબૂત બની છે. ગુજરાત ટાઈટન્સની ટીમ સાથેના શરૂઆતના થોડા વર્ષોમાં મને સારો અનુભવ મળ્યો, જેનાથી મને ખબર પડી કે મારે કઈ બાબતોમાં સુધારો કરવાની જરૂર છે.