Mon Aug 24 2026

Logo

કેગની ટકોર બાદ રેલવે એક્શનમાં: ૧૦ દિવસમાં સ્ટેશનો પર વોટર કૂલર અને RO પ્લાન્ટની થશે વિશેષ તપાસ

2026-08-24 20:08:41
Author: Mumbai Samachar Team
કેગની ટકોર બાદ રેલવે એક્શનમાં: ૧૦ દિવસમાં સ્ટેશનો પર વોટર કૂલર અને RO પ્લાન્ટની થશે વિશેષ તપાસ

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી/મુંબઈ: રેલવે સ્ટેશનના પરિસરમાં પીવાનું પાણી દૂષિત હોવાના કેગના રિપોર્ટ પછી રેલવે તંત્ર એક્શનમાં આવી ગયું છે. રેલવે મુસાફરો અને કર્મચારીઓને સ્વચ્છ તથા સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તેના માટે રેલવે બોર્ડે દેશભરના રેલવે સ્ટેશનો પર વોટર કૂલર, UV અને RO વોટર પ્યુરિફિકેશન સિસ્ટમની વિશેષ તપાસ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટે તમામ ડિવિઝનલ રેલવે અને ઉત્પાદન કેન્દ્રોને 10 દિવસની વિશેષ તપાસ ઝુંબેશ ચલાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ ઝુંબેશ દરમિયાન સ્ટેશનો પર લગાવવામાં આવેલા વોટર કૂલરની પાણીની ટાંકીઓની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે. ટાંકીમાં કાટ છે કે નહીં, તિરાડ કે પાણી લીક થતું નથી તેની તપાસ કરવામાં આવશે. સાથે જ ટાંકીના ઢાંકણાં અને ગાસ્કેટ યોગ્ય રીતે બંધ થાય છે કે નહીં અને ટાંકી હવાબંધ સ્થિતિમાં છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે.

રેલવે બોર્ડે કૂલર, પાઈપલાઈન અથવા નળમાંથી પાણી લીક થતું જણાય તો તેની તાત્કાલિક મરામત કરવાનો આદેશ આપ્યો છે. પાણી પુરવઠાની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત રહે અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખામીયુક્ત સાધનોની તાત્કાલિક તપાસ અને સમારકામ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ તપાસ અભિયાનમાં વિદ્યુત વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી UV અને RO જળશુદ્ધિકરણ પ્રણાલીની કાર્યક્ષમતા પણ તપાસવામાં આવશે. આ મશીનોની નિયમિત જાળવણી, સર્વિસિંગ અને ઓવરહોલિંગ સમયસર કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત, ફિલ્ટર કૅન્ડલ બદલવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ નથી તેની પણ ખાતરી કરવામાં આવશે.

જો કોઈ UV અથવા RO સિસ્ટમ ખામીયુક્ત જણાશે તો તેને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત જણાય તો જૂની અથવા ખરાબ સિસ્ટમને બદલીને નવી સિસ્ટમ લગાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે પાણી શુદ્ધિકરણની વ્યવસ્થાને યોગ્ય સ્થિતિમાં રાખવી જરૂરી છે.

આ ઉપરાંત, નબળી, ખરાબ અથવા અસ્વચ્છ સ્થિતિમાં રહેલા વોટર કૂલરને તાત્કાલિક સેવામાંથી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ કૂલર લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોય અને તેની મરામત શક્ય ન હોય, તો તેની જગ્યાએ નવો વોટર કૂલર લગાવવાની કાર્યવાહી કરવાની રહેશે. 10 દિવસની આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ સ્ટેશનો પર મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી સતત ઉપલબ્ધ કરાવવાનો છે.