(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પતિ પથારીવશ અને સંતાન વિદેશમાં હોવાથી એકલતા અનુભવતી વૃદ્ધાએ આત્મહત્યાને ઇરાદે ઈમારતના પાંચમા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૉર્નિંગ વૉક પર નીકળેલા પોલીસ અધિકારીની નજર પડતાં તેને બચાવી લેવાઈ હતી.વિક્રોલીમાં રવિવારની સવારે પોલીસ ટીમે કરેલી કામગીરીની માહિતી સાંજે મુંબઈ પોલીસના અધિકૃત એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. સાથે એક વીડિયો પણ પોસ્ટ કરાયો હતો, જેમાં છજા પર બેસેલી 65 વર્ષની સિનિયર સિટીઝનનો જીવ બચાવતા પોલીસ અધિકારી નજરે પડે છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર પવઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (એએસઆઈ) પાનસરેની નજર પાંચમા માળના છજા પર બેસેલી વૃદ્ધા તરફ ગઈ હતી. તેણે તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.માહિતી મળતાં જ વિક્રોલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ગડદે કોન્સ્ટેબલ અને મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ (એમએસએફ)ના જવાન રાઠોડ સાથે સંબંધિત ઈમારત ખાતે પહોંચી ગયા હતા. ગગનચુંબી ઈમારતના પાંચમા માળે આવેલા ફ્લૅટમાં પહોંચેલી પોલીસની ટીમ પણ છજા પર ઊતરી હતી. વૃદ્ધાને સમજાવીને પાછી ફ્લૅટમાં લઈ જવાઈ હતી અને તેનું કાઉન્સેલિંગ કરાયું હતું.
વિક્રોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિક્રમ ચવાણે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનના પતિ બીમાર હોવાથી પથારીવશ છે. સંતાન વિદેશમાં હોવાથી વૃદ્ધા એકલતા અનુભવતી હતી. હતાશામાં અંતિમ પગલું ભરવાના વિચાર તેના મનમાં આવ્યા હતા. જોકે સમયસરની કામગીરીથી તેનો જીવ બચાવી શકાયો હતો.
પ્રતીકાત્મક તસવીર