Wed Aug 26 2026

Logo

ચિંતનઃ સુનહુ ભરત ભાવિ પ્રબલ

2026-08-24 07:59:00
Author: Hemu Bhikhu
ચિંતનઃ સુનહુ ભરત ભાવિ પ્રબલ


હેમુ ભીખુ

વશિષ્ઠ ઋષિ દશરથ પુત્ર ભરતને સમજાવતાં કહે છે કે ‘ભાવિ’ અતિશય બળવાન છે. આગળ તેઓ જણાવે છે કે હાનિ - લાભ, જીવન - મરણ, જશ - અપજશ આ બધું જ વિધાતાના હાથમાં છે. મહારાજ દશરથના નિધન સમયે વશિષ્ઠ ઋષિ ભરતને એમ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જે કંઈ થઈ રહ્યું છે તેનો દોષ કોઈને પણ ન આપી શકાય, કોઈના ઉપર પણ નાહક ક્રોધ ન કરી શકાય, મહારાજા દશરથ માટે તમારો શોક યોગ્ય છે, પરંતુ તેની માટે કોઈને ‘કારણ’ ન ગણી શકાય.

વાત ગંભીર છે. વશિષ્ઠ ઋષિ દ્વારા જ યોગવાશિષ્ઠમાં જણાવવામાં આવ્યું છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ નામનાં ‘બે બકરાં’ સતત યુદ્ધ કરતાં હોય છે; અહીં જે જીતે તેનું ‘કાયમ’ રહે. જો પુરુષાર્થ પ્રબળ હોય તો પ્રારબ્ધ હાર સ્વીકારી લે અને પ્રારબ્ધ પ્રબળ હોય તો પુરુષાર્થ લાચાર બનીને રહે. તેની અપેક્ષાએ અહીં ભાવિને એટલે કે પ્રારબ્ધને એટલે કે વિધિને એટલે કે નસીબને અતિ પ્રબળ જણાવવામાં આવ્યું છે. કોઈને એમાં પુરુષાર્થની નબળાઈનો સંકેત પ્રતીત પણ થાય, પરંતુ આ યોગ્ય નથી. 

વશિષ્ઠ ઋષિ આ વાત રાજા ભરતને ત્યારે કહે છે કે જ્યારે તેમનાં પિતાનું મૃત્યુ થયું હોય છે. તે સંજોગોમાં પુરુષાર્થ વ્યર્થ બની રહે. અહીં તો વિધાતા દ્વારા સ્થાપિત પરિસ્થિતિનો સ્વીકાર માત્ર કરવાનો હોય. સત્યવાન અને સાવિત્રી કે નચિકેતાનો અપવાદ બાદ કરતાં એ વાત સર્વ સ્થાપિત છે કે મૃત્યુ અફર છે. એટલું જ નહીં તેનો સમય અને પરિસ્થિતિ પણ નિશ્ચિત હોય છે. કોઈપણ પ્રકારનો પુરુષાર્થ અહીં પરિણામ બદલી ન શકે.

એમ કહી શકાય કે ભાવિ ભૂતકાળના કર્મોને આધારિત નક્કી થાય છે. કર્મ અને કર્મફળ વચ્ચેનું સમીકરણ સુદૃઢ તેમજ શાશ્વત હોય છે. અપેક્ષા સહિત જે પણ કર્મ કરવામાં આવે છે તેનું નિશ્ચિત ફળ આવે જ. એ હકીકત છે કે જન્મ અને મૃત્યુ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાનું ક્ષેત્ર નથી. અહીં મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારવી જ પડે. વશિષ્ઠ ઋષિ ભરતને આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીં પુરુષાર્થની કોઈ ભૂમિકા જ નથી અને તેથી તેનો ઉલ્લેખ ન હોય તે સ્વાભાવિક છે. 

અહીં એ વાત પણ સમજવા જેવી છે કે મૃત્યુને કેવી રીતે સમજવું જોઈએ. મૃત્યુને મૃત્યુ તરીકે અને અન્ય જન્મની સંભાવના તરીકે પણ જોઈ શકાય. મૃત્યુને અંત તરીકે જોઈ શકાય અને નવી શરૂઆત તરીકે પણ. મૃત્યુને પૂર્ણાહુતિ ગણી શકાય અને આરંભ પણ. મૃત્યુને અંતિમ પ્રકરણ પણ કહી શકાય અને નવાં પ્રકરણની સંભાવના પણ. ભરતના મનમાં વિસ્મરણ થયેલી આ વાત ફરીથી સ્થાપિત થાય તે માટે વશિષ્ઠ દ્વારા એમ કહેવાયું હશે.

વશિષ્ઠ ઋષિ અહીં મૃત્યુના સંદર્ભમાં ‘ભાવિ’ની આટલી વાત કરીને અટકી નથી જતાં; સાથે હાનિ-લાભ જેવી પરિસ્થિતિની પણ વાત કરે છે. મજાની વાત એ છે કે આ હાનિ-લાભ પણ કરેલાં કર્મના ફળ અનુસારની ઘટના છે. યશ હોય કે અપયશ, સફળતા હોય કે નિષ્ફળતા, પ્રાપ્તિ હોય કે નુકસાન, સિદ્ધિ હોય કે વિફળતા; બધું જ કરેલાં કર્મોને આધારિત હોય છે. કર્મ કરતી વખતે પુરુષાર્થ ભાગ ભજવી શકે પરંતુ કર્મ થઈ ગયાં પછી પ્રારબ્ધનું જ પ્રભુત્વ હોય. 

પ્રારબ્ધનું પ્રભુત્વ ઓછું કરવા માટે પણ ચોક્કસ પ્રકારના શાસ્ત્રીય-કર્મ કરી શકાય. પરંતુ તેનાથી, સામાન્ય પરિસ્થિતિમાં, કર્મફળ થોડું દૂર જાય, નાશ ન પામે; આજના દિવસે સફળતા મળે પણ આવતીકાલે તે જ પરિસ્થિતિ ફરી પાછી સામે આવીને ઊભી રહે. કરાઈ ગયેલાં કર્મનું ફળ સામાન્ય સંજોગોમાં સામાન્ય વ્યક્તિએ ભોગવવું જ પડે. ભાવિ પ્રબલ છે, તે સ્વીકારવું જ પડે. એ પણ સત્ય છે કે સાધનાના અમુક પ્રકારમાં, હકીકતમાં સિદ્ધ હોય તેવાં મહાત્માનાં આશીર્વાદથી તથા ચોક્કસ પ્રકારનાં ક્રિયાકાંડથી કર્મફળનો નાશ થવાની સંભાવના હોય છે. 

ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે કે જ્ઞાનાગ્નિથી કર્મ નાશ પામે છે. પ્રારબ્ધ કાયમી નથી, વિશેષ પ્રકારના પુરુષાર્થથી તેની અસર નાબૂદ કરી શકાય છે. છતાં પણ વશિષ્ઠ ઋષિ જ્યારે આ વાત જણાવે ત્યારે તેની સાંદર્ભિકતા સમજવી પડે. અહીં ચોક્કસ પરિસ્થિતિમાં આ વાત કહેવામાં આવી છે અને તે પરિસ્થિતિ માટે આ વિધાન સર્વથા સત્ય છે.

ક્યારેક પ્રશ્ન થતો હોય છે કે વાસ્તવમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનું સમીકરણ કેવું હોય છે. શું પુરુષાર્થથી પ્રારબ્ધનો કાયમ માટે છેદ ઉડાડી શકાય કે નહીં. કેવાં પ્રકારનો પુરુષાર્થ પ્રારબ્ધને પરાસ્ત કરી શકે. અંતે શેના પર અવલંબન રાખવું, પુરુષાર્થ કે પ્રારબ્ધ. એમ માની શકાય કે પ્રારબ્ધ પર જીત માટેનો પુરુષાર્થ અહંકાર આધારિત રહે, અને આ અહંકાર પ્રારબ્ધને વધુ દૃઢ પણ બનાવી શકે. તેવી પરિસ્થિતિમાં તો પ્રારબ્ધને પરાસ્ત કરવાનો પુરુષાર્થ જ વ્યર્થ બની રહે. કરવું તો કરવું શું. 

ઉકેલ બહુ સરળ છે. કોઈપણ પુરુષાર્થ જ્યારે ફળની આશા સહિતનો હોય ત્યારે તે બંધન ઊભું કરે. પ્રારબ્ધને પરાસ્ત કરવા માટેનો પુરુષાર્થ પણ બંધન ઊભું કરે જ. અગત્યનું એ છે કે માત્ર પુરુષાર્થ કરતાં રહેવાનો, ‘ભાવિ’ પોતાની રીતે સ્થાપિત થશે. જો મુક્તિની સંભાવના ઊભી થતી હશે તો તે મળશે અને બંધનની યોગ્યતા હશે તો બંધન મળશે. આ બાબતો ‘ભાવિ’ પર જ છોડવી પડે. પરિણામ વિશે ક્યારેય આગ્રહ ન રખાય, પછી તે સાત્વિક કેમ ન હોય. આમ અંતે એમ કહી શકાય કે ‘સુનહુ ભરત ભાવિ પ્રબલ’ સર્વથા યોગ્ય છે.