મહેશકુમાર મકવાણા
આનંદઘડી હેતે ભજવા હરિ, મારા સંતો.
સોહાગી મળિયા આનંદઘડી.
પ્રેમનો પિયાલો મારા ગુરુજીએ પાયો,
નૂરતે ને સૂરતે મેં તો નીરખ્યા હરિ. મારા સંતો.
સત્ રે શબ્દ મારા ગુરુએ સુણાવ્યો,
જોત રે જોતાં અમને વસ્તુ જડી. મારા સંતો.
રૂદિયા-કમળમાં, હુવા અજવાળાં,
ત્રિવેણીના તીરની ઉપર જ્યોત ખડી. મારા સંતો.
કહે ‘રવિરામ’ સંતો, ભાણને પ્રતાપે,
અગમ-આસન પર મારી સુરતા ચડી. મારા સંતો.
- રવિસાહેબ
રવિભાણ સંપ્રદાયના આદ્ય સ્થાપક રવિસાહેબ. એમની વાણીમાં જ્ઞાન છે, યોગ છે અને એ બધાની ભીતર પ્રેમ છે. વાણીની પહેલી જ પંક્તિમાં આનંદ છે. પણ આનંદ એકલો નથી. આનંદની ઘડી છે. ઘડી એટલે સમયનો નાનો ટુકડો. ઘડિયાળમાં આવતી ને જતી પળ. અહીં એવી વાત નથી. ભક્તના જીવનમાં કેટલીક પળો આવે છે ત્યારે સમય જાણે થંભી જાય. હરિનું સ્મરણ થાય અને જે હતું તે બધું હરિમય થઈ જાય. એ જ આનંદઘડી.
હરિને ભજવાના છે. પણ કેવી રીતે? હેતે. ભક્તિમાં ક્રિયા કરતાં હેત મોટું. હોઠ નામ બોલે અને હૃદય ક્યાંક બીજે ભટકે તો એ ભજન કેવું? રવિસાહેબ સંતોને કહે છે, હેતથી ભજો. મારા સંતો એવો ટેકનો ઉદ્ધાર છે. અહીં સંતો માત્ર સાંભળનારા નથી. સહયાત્રી છે. આનંદ એકલા ભોગવવાની વસ્તુ નથી. જે મળ્યું છે એ વહેંચવું. એટલે દરેક કડી પાછી સંતો પાસે આવે છે.
ટેક ફરી ફરીને આવે છે એટલે ભજન માત્ર સંતકવિનું નિવેદન રહેતું નથી. તે સમૂહનો સ્વર બને છે. એક ગાય અને અનેક ઝીલે. ભક્તિમાં ‘હું’નો ભાર આમ હળવો થાય છે. અવાજો જુદા હોય તોય નામ એક. હૃદય જુદાં હોય તોય આનંદ એક. અહીં સંગીત સાધના બને છે અને સાધના સહભાગિતા. રવિસાહેબની વાણી તેથી માત્ર વાંચવાની ઓછી અને અંતરમાં ઉતારીને ગાવાની વધારે છે.
કહે છે સોહાગી મળિયા આનંદઘડી. સોહાગી એ ભાગ્યશાળી પણ છે અને પ્રિયતમને પામેલી નારી પણ. સંતવાણીમાં જીવ ઘણી વાર વધૂ છે અને હરિ વર છે. મિલન થાય ત્યારે જ સોહાગ પૂર્ણ. પણ આ મિલન બહારનું નથી. હૃદયની તૈયારી થાય, ગુરુની કૃપા થાય અને અંતરનું દ્વાર ઊઘડે ત્યારે પ્રિયતમ તો ત્યાં જ બેઠેલો દેખાય.
ગુરુજીએ પ્રેમનો પિયાલો પાયો. પ્રેમ અહીં માપી તોળીને પીવાનું કોઈ પ્રવાહી નથી. પિયાલો છે. એક વાર પીધો પછી જૂનું ભાન રહે નહીં. સંસારનો નશો માણસને પોતાની જાતથી દૂર લઈ જાય. પ્રેમનો નશો પોતાની ભીતર લઈ જાય. પિયાલો શિષ્યે જાતે ભર્યો નથી. ગુરુએ પાયો છે. ભક્તિમાર્ગમાં પુરુષાર્થ છે, પણ કૃપા વિના પુરુષાર્થને પણ પૂર્ણતા ક્યાંથી?
નૂરતે ને સૂરતે હરિને નીરખ્યા. નૂર એટલે અજવાળું. સુરત એટલે ચેતના, ધ્યાનની એકાગ્ર ધાર. બહારની આંખ આકાર જુએ છે. સુરતની આંખ સત્તા જુએ છે. પ્રકાશ પણ અંદરનો અને જોનાર પણ અંદરનો. ત્યારે હરિ કોઈ પ્રતિમામાં બંધાયેલા નથી રહેતા. જે નજર શુદ્ધ થઈ એ નજરને જ્યાં જુએ ત્યાં હરિ. નીરખવું એટલે ઉપરછલ્લું જોવું એમ નહીં. પ્રેમથી, એકાગ્રતાથી, પોતાને ભૂલીને જોવું.
ગુરુએ સત્ શબ્દ સુણાવ્યો. શબ્દ તો રોજ કેટકેટલા સાંભળીએ છીએ. બધા શબ્દો કાન સુધી આવે છે. સત્ શબ્દ હૃદય સુધી જાય છે. એ કોઈ માહિતી નથી આપતો, રૂપાંતર કરે છે. ગુરુનો શબ્દ સાંભળ્યો અને વસ્તુ જડી. વસ્તુ કહેતાં અહીં કોઈ પકડી શકાય એવી ચીજ નથી. એ તો આત્મતત્ત્વ. જે હંમેશાં પાસે હતું પણ અજ્ઞાનને કારણે મળ્યું નહોતું. જોતાં જોતાં જડી ગયું. શોધ લાંબી હોય, ઓળખની ક્ષણ ટૂંકી.
હવે રૂદિયા-કમળમાં અજવાળાં થાય છે. હૃદયને કમળ કહ્યું છે. કમળ કાદવમાં ઊગે પણ કાદવને ઓઢતું નથી. તેમ જીવ સંસારમાં રહે, પણ સંસારનો મેલ અંતરમાં ન રહે. પ્રકાશ બહારથી લાવવામાં આવ્યો નથી. કમળ ખીલ્યું એટલે અંદરનું અજવાળું પ્રગટ્યું. ભક્તિમાં અંધકાર સામે લડવાનું ઓછું છે; દીવો પ્રગટાવવાનો વધારે છે.
ત્રિવેણીનું તીર પણ ભીતર છે. ઇડા, પિંગલા અને સુષુમ્નાનો સંગમ. શ્વાસ, ચેતના અને સાધનાની ધારાઓ જ્યાં મળે ત્યાં જ્યોત ખડી થાય છે. ‘ખડી’ શબ્દમાં સ્થિરતા છે. જ્યોત ડગમગતી નથી. મનના પવન શાંત થયા છે. આ કોઈ ભૌગોલિક તીર્થ માત્ર નથી. દેહ જ ધામ અને હૃદય જ તીર્થ.
છેલ્લે સુરતા અગમ-આસન પર ચડે છે. જ્યાં મનની ગતિ ન પહોંચે તે અગમ. ત્યાં પગથી ન જવાય. સુરતથી જવાય. આ ચડવું અહંકારનું ઊંચે ચડવું નથી. અહંકાર ઊતરે ત્યારે સુરતા ચડે અને આ સિદ્ધિનો યશ પણ રવિસાહેબ પોતાને આપતા નથી. કહે છે, ભાણના પ્રતાપે. ગુરુના પ્રતાપથી જે મળ્યું તે ગુરુને જ અર્પણ.
આખું ભજન એક આંતરયાત્રા છે. હેતથી શરૂઆત, પ્રેમનો પિયાલો, સત્ શબ્દનું શ્રવણ, હૃદયમાં પ્રકાશ અને અંતે અગમમાં આરોહણ. શબ્દો થોડા, અનુભવ વિશાળ. આનંદઘડી એક વાર આવીને ચાલી જતી ઘડી નથી. હરિને હેતે ભજીએ તો પ્રત્યેક ઘડી આનંદઘડી થઈ શકે.