Mon Aug 24 2026

Logo

ગીતા મહિમાઃ કરિષ્યે વચનં તવ

2026-08-24 09:53:00
Author: Sarangpreet
Article Image

સારંગપ્રીત

ગત અંકમાં અર્જુનની ભાવનાને સમજયા. હવે ગીતાના અંતે અર્જુનની પ્રતિજ્ઞાને સમજીએ.

ભગવાન કૃષ્ણનો ઉપદેશ પૂર્ણ થયો. હવે અર્જુન કહે છે કે મારો મોહ દૂર થયો, સંશય નાશ પામ્યો અને સાચી સમજ મળી. ‘હવે હે શ્રીકૃષ્ણ! કરિષ્યે વચનં તવ હું દૃઢ નિશ્ચયથી આપનાં વચનનું પાલન કરીશ.’

‘કરિષ્યે વચનં તવ’ આ એક વાક્ય માત્ર નથી, જીવનનો મર્મ છે. આ માત્ર યુદ્ધ માટેની તૈયારી નથી, એ આંતરિક પરિવર્તનનો ક્ષણ છે. સંશયમાંથી નિશ્ચય સુધીની યાત્રા છે.

માનવજીવનનો સૌથી મોટો સંઘર્ષ બહારના યુદ્ધમાં નથી, અંદરના દ્વંદ્વમાં છે. શું કરવું? શું ન કરવું? શું યોગ્ય? શું અયોગ્ય? આ પ્રશ્નોમાં માણસ ગૂંચવાઈ જાય છે. અર્જુન પણ ગૂંચવાયો હતો. જ્ઞાન હતું, શક્તિ હતી, સંજોગો હતા, પણ દિશા નહોતી. ત્યારે કૃષ્ણએ તેને માત્ર ઉપદેશ આપ્યો નહોતો, પરંતુ તેની અંદરની આંખ ખોલી.

અર્જુનનું રૂપ આપણે સામાન્ય યોદ્ધા તરીકે નહીં, પણ એક સાચા મુમુક્ષુ તરીકે જોવું જોઈએ. મુમુક્ષુ એટલે કે જે માત્ર પ્રશ્ન પૂછતો નથી, પણ મુક્તિ માટે તલપાપડ છે. જેને સત્ય જોઈએ છે, ભલે તે તેની માન્યતાઓ તોડી નાખે. સંબંધોનો ભાર, કરુણાનો પ્રવાહ અને કર્તવ્યનો સંઘર્ષ, આ બધાએ તેને અંદરથી હચમચાવી દીધો હતો. એક સમયે તે યુદ્ધમાંથી ભાગવા તૈયાર હતો. આ સ્થિતિમાં સામાન્ય માણસ તો પોતાનો મત જ સાચો માનીને ઊભો રહી જાય. પરંતુ અર્જુન અહીં જુદો પડે છે. કૃષ્ણના પ્રેમ અને મિત્રતાને કારણે તે શરણાગતિ સ્વીકારે છે. તે પોતાના અજ્ઞાનને સ્વીકારી લે છે અને કહે છે, ‘હું તમારો શિષ્ય છું, મને શીખવો.’

આ જ ક્ષણથી તેની મુમુક્ષુતા શરૂ થાય છે. અર્જુન ક્યાંય ઉતાવળ કરતો નથી, વચ્ચે તર્ક કરે છે, પ્રશ્ન પૂછે છે, પરંતુ ભાગતો નથી. અર્જુન આખી ગીતા સાંભળે છે. આ ધીરજ જ તેને આંતરિક પરિવર્તન તરફ લઈ જાય છે.

‘કરિષ્યે વચનં તવ’ એ અંધ અનુસરણ નથી. આ વાક્ય સમજણ પછીનું સમર્પણ છે. આજના યુગમાં સમસ્યા એ નથી કે લોકો સાંભળતા નથી, સમસ્યા એ છે કે લોકો સમજ્યા વિના માનતા નથી અને સમજ્યા પછી પણ કરવાનું ટાળી દે છે. આ વાક્ય એ ગાંઠ ખોલે છે.

લોકો જાણે તો છે પણ અર્જુનની જેમ સત્યને અનુસરવાની અને કર્તવ્ય પાલન કરવાની દૃઢતા નથી રાખી શકતા. રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોમાં પણ આ ભાવ ખૂટે છે. એક વિદ્યાર્થી જાણે છે કે સમયસર અભ્યાસ કરવો જોઈએ, પણ મોબાઇલના આકર્ષણ સામે હારી જાય છે. એક વેપારી જાણે છે કે ઈમાનદારી લાંબા ગાળે ફાયદાકારક છે, છતાં તરત લાભ માટે મૂલ્યો વેચી નાખે છે. જાણવું અને કરવું, આ બે વચ્ચેનો અંતર જ જીવનની સમસ્યાઓનું મૂળ છે.

અહીં ‘કરિષ્યે’ શબ્દ ખૂબ મહત્ત્વનો છે. એ ક્રિયાશીલતા સૂચવે છે. માત્ર વિચાર, ચર્ચા, અથવા પ્રેરણા પૂરતી નથી, અંતે પગલું ભરવું પડે અને વચનં તવ એ માર્ગદર્શક પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે. અહીં જીવનમાં સાચી દિશાની પ્રાપ્તિ છે. શાસ્ત્ર અથવા ગુરુની વાણી દિશા તો આપે છે પણ તેને સ્વીકારીને અમલમાં મૂકવું એ જ આ વાક્યનો સાર છે.

એક સરળ ઉદાહરણથી સમજીએ. એક ડૉક્ટર દર્દીને કહે કે તમારે નિયમિત દવા લેવી પડશે. દર્દી માની લે, પણ દવા સમયસર ન લે, તો શું ફાયદો? જાણવું પૂરતું નથી, કરવું જરૂરી છે. કરિષ્યે વચનં તવ એ દવા નિયમિત લેવાની પ્રતિજ્ઞા છે.

ઘરમાં માતા બાળકને કહે કે સત્ય બોલવું. બાળક સાંભળે, સમજશે પણ જો તે સંજોગોમાં સત્ય બોલવાની હિંમત ન કરે, તો એ શિક્ષણ અધૂરું છે. જ્યારે તે હિંમતથી સત્ય બોલે, ત્યારે તે ‘કરિષ્યે વચનં તવ’ જીવતો બને છે.

આજના યુગમાં માહિતીનો અતિરેક છે, પણ નિશ્ચયનો અભાવ છે. દરેક પાસે જ્ઞાન છે, પણ જીવનમાં તે ઉતારવાની શક્તિ ઓછી છે. ગીતા આ જ શીખવે છે clarity without action is useless. અર્જુને અંતે કોઈ નવી વાત નથી સાંભળી, પરંતુ તે જે સાંભળ્યું હતું તેને હૃદયથી સ્વીકાર્યું અને અમલમાં મૂક્યું.

પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતા કે આ ગીતા વાક્ય આપણને પૂછે છે, તું જાણે છે, પણ શું તું માને છે? જીવનમાં સાચી પ્રગતિ ત્યારે થાય છે જ્યારે જાણેલું મનાય અને જીવનમાં ઉતરે. ‘કરિષ્યે વચનં તવ’ એ માત્ર ગીતાનો અંત નથી, એ જીવનની સાચી શરૂઆત છે.