મુકેશ પંડ્યા
આજે વળી પાછો શ્રાવણિયો સોમવાર. શિવમંદિરોમાં જળાભિષેક માટે પડાપડી થશે.
સનાતન ધર્મની પૂજા પદ્ધતિમાં પાણીનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે કારણ કે શુધ્ધીકરણ અને પવિત્રતા પ્રાપ્ત કરવા માટે પાણી એ અનિવાર્ય પર્યાય છે. શરીરને સ્વચ્છ રાખવા પાણીથી સ્નાન કરવું જોઈએ એમ આજનું વિજ્ઞાન પણ કહે છે.
જોકે પાણીમાં સ્વચ્છતા અને શુદ્ધતા ઉપરાંત શીતળતા આપવાનો પણ અદ્ભુત ગુણ છે. જો તમારા શરીરનું કોઈ અંગ દાઝી ગયું હોય તો પ્રાથમિક ઉપચાર તરીકે તેના પર શીતળ પાણીની ધાર રેડતા ઘણી રાહત થાય છે. આવો અનુભવ તો બધાએ જ કર્યો હશે. બસ, ભગવાન શંકરે પણ પૂરા જગતના કલ્યાણ માટે જ્યારે વિષપાન કર્યું હતું ત્યારે તેમના અંગેઅંગમાં બળતરા થઈ હતી અને તેમને શીતળતા પ્રદાન કરવા જળાભિષેક કરવામાં આવ્યો હતો.
જળ ઉપરાંત દૂધ, દહીં, ધી, મધ અને શેરડીના રસ જેવા અમૃત તત્ત્વો વડે પણ ભગવાન શિવ પર અભિષેક કરવામાં આવે છે જે તેમની શક્તિમાં વધારો કરે છે. ભગવાન વિષ્ણુને માથે સૃષ્ટિના પાલનની જવાબદારી છે તો શિવને માથે સૃષ્ટિનાં નિયંત્રણની જવાબદારી છે. આ કાર્ય પાર પાડવા માટે તેમનો સ્વભાવ ઉગ્ર અને સ્વરૂપ રૌદ્ર બની જાય એ સ્વાભાવિક છે. આ રૌદ્ર રૂપને શાંત રાખવા જ રૂદ્રાભિષેકનું પ્રાવધાન વેદો દ્વારા કરવામાં આવ્યું હશે.
શિવલિંગ પર અનેક ભક્તો જળાભિષેક કરે એમાં કંઈ ખોટું નથી, પરંતુ એનાથી ગંદકી ન ફેલાય કે પૂજા સામગ્રીનો વેડફાટ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાણી એ એક એવું તત્ત્વ છે જે સ્વચ્છતા પ્રદાન કરી શકે છે તો સાથે સાથે ગંદકી પણ ફેલાવી શકે છે.
દરેક મંદિરોમાં પાણી, દૂધ કે અન્ય પૂજા સામગ્રીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. જે મંદિરો કે ધર્મસ્થાનકો અસ્વચ્છ હોય, મલિન તત્ત્વોથી ઘેરાયેલા હોય, દુર્ગંધ ફેલાવતા હોય ત્યાં ઈશ્વર કેવી રીતે વસી શકે?
આપણા યુવાનો કે Gen z હિંદુ ધર્મથી વિમુખ થતા હશે તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ આ પણ હશે. આપણા ધર્મ સ્થાનકોમાં ફેલાતી ગંદકી.
શ્રાવણ મહિનામાં અને તેમાંય સોમવાર કે તહેવારોના દિવસોમાં પૂરતી સ્વચ્છતા જળવાય તેનો ખ્યાલ મંદિરોના અધિકારીઓએ રાખવો જ જોઈએ. વધુ અભિષેક કરવાથી વધુ ફળ પ્રાપ્ત થશે એવી માન્યતામાંથી ભક્તોએ પણ બહાર નીકળવું પડશે. જ્યારે વધુ ગીરદી હોય ત્યારે ભગવાન ને ચઢાવાતા જળ કે દૂધના જથ્થામાં સ્વૈચ્છિક કાપ મૂકવો જરૂરી છે.
હવે આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક કાર્ય પાર પાડવાનો ખર્ચ રૂપિયા દસ હજાર આવે છે. હવે આ ખર્ચ કરનાર એક જ જણ હોય તો પૂરા દસ હજાર તેણે એકલાએ જ કાઢવા પડશે,પરંતુ એ જ કાર્ય પાર પાડવા દસ જણા તૈયાર થાય તો દરેકને ફાળે માત્ર હજાર હજાર રૂપિયા જ આવે. ભક્તો વધી જાય તે દિવસે શિવને ચઢાવાતી સામગ્રી પર નિયંત્રણ હોવું જ જોઈએ. બીજું એક દૃષ્ટાંત પણ સમજી લઈએ.
શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો ત્યારે બીજા અનેક ગામવાસીઓએ પોતપોતાની લાકડીઓ વડે પર્વતને ટેકો આપ્યો હતો. આ લાકડીઓનો ટેકો ન મળત તો પણ શક્તિશાળી પરમાત્માને કોઈ વાંધો ન આવત. પણ હા તેમને એ વાતનો પાક્કો ખ્યાલ આવી ગયો કે કોણ મારા ભાવક છે. કોણ મારા ચાહક છે.
શિવ ભગવાન પણ પ્રેમભાવના ભૂખ્યા છે. તેમને મળેલી બળતરાને શાતા આપવા કોણ પ્રેમપૂર્વક આવે છે એ જ મહત્ત્વનું છે. તેઓ કેટલા જથ્થામાં પાણી કે દૂધ લાવ્યા એ બાબત ગૌણ બની જાય છે. માટે જે મંદિરોમાં ભક્તોની ગિર્દી વધુ હોય ત્યાં પાણી કે દૂધનો ખપપૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. વેડફાટ ટાળવો જોઈએ.
‘સ્વ’ ને પણ અભિષેક કરો
અત્રે એક મહત્ત્વની વાત આજના સપરમા દિવસે સહુએ યાદ રાખવી જોઈએ. ઈશ્વર ફક્ત મંદિરોમાં જ નથી વિરાજતો એ તો આપણા હૈયાની અંદર પણ વસે છે. શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે જે બ્રહ્માંડમાં છે એ જ આપણા પોતાના પિંડમાં પણ છે. શિવતત્ત્વ આપણા શરીરની અંદર પણ વિરાજમાન છે એટલે માત્ર મૂર્તિ કે શિવલિંગને જ નહીં, પરંતુ એમાંથી થોડું જળ કે દૂધ બચાવી લઈ આપણે પણ સ્નાન કરવું જોઈએ. સ્નાનથી માત્ર તન જ શીતળ કે શુદ્ધ નથી થતું, પરંતુ મનનું પણ શુદ્ધિકરણ થાય છે.
તમે કામ કે ક્રોધથી પીડાતા હો તો તુરંત શીતળ પાણીનું સ્નાન કરજો. મસ્તક પર ઠંડા પાણીથી અભિષેક કરજો. તમારા આવેગને શાંત કરવામાં એ મહત્ત્વનો ભાગ ભજવશે. અદેખાઈની આગમાં બળી રહ્યા હોવ કે અહંકારથી દિમાગની ગરમી વધી ગઈ હોય. શીતળ જળનું માથાબોળ સ્નાન તમને આ દુર્ગુણોથી બચાવશે. તમારી અંદર બેઠેલું શિવતત્ત્વ પણ પ્રસન્ન રહેશે. તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિમાં પણ વધારો થશે.
મોટા મોટા ઘડા ભરીને પાણી કે દૂધનો અભિષેક કરી પ્રદર્શન કરવાની જરૂર નથી, પરંતુ એ જ પદાર્થો વડે શરીર અને મનનાં મલિન તત્ત્વોને ધોઈને અંદર બેઠેલા ભગવાનના દર્શન કરવાની પણ એટલી જ જરૂર છે. જો સનાતન ધર્મની પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વચ્છતાને મહત્ત્વ અપાય તો આજ નો યુવા વર્ગ પણ વધુ આકર્ષિત થાય. ગંગા -યમુના જેવી નદીની પવિત્રતાની વાતો સાંભળીને આપણે ત્યાં જઈએ અને પછી ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે તો આપણા મનમાં જ આપણા ધર્મ કે આપણી સંસ્કૃતિ પ્રત્યે અહોભાવ ન જાગે.
ભારતમાં જે દિવસે મંદિરો અને નદી ઘાટના તીર્થસ્થળો સ્વચ્છતા, શુદ્ધતા અને પવિત્રતાના પર્યાય બનશે એ દિવસે સનાતન ધર્મનો સુવર્ણ સમય પણ પાછો ફરશે. જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે. સનાતન ધર્મ કેવી રીતે પર્યાવરણ પૂરક છે, પર્યાવરણ રક્ષક છે તેની ચર્ચા આપણે આ જ કોલમમાં અગાઉનાં પ્રકરણોમાં વિસ્તારપૂર્વક કરી ગયા છીએ. હવે તે પર્યાવરણ ભક્ષક ન બને એ જોવાની જવાબદારી ભક્તોની છે. પાણીથી કોઈ વસ્તુ સ્વચ્છ પણ બની શકે અને કાદવ કીચડ પણ ઉત્પન્ન થઈ શકે. તમારે શું કરવું છે તેનો સંકલ્પ આ શ્રાવણ મહિનામાં કરી લેજો.