ડૉ. બળવંત જાની
(ગતાંકથી ચાલુ)
હોલબાઈ કહે છે કે, આખો સંસાર સુખેથી પોત-પોતાના ઘરમાં ભરનીંદરનું સુખ માણતો સૂતો છે. અમારા ભાગ્યમાં ઉજાગરો છે અને મારું હૃદય ફાટીને બળે છે. હોલબાઈ આઈ કહે છે કે, જે બધા વહાલાજનો હતા એ હવે ક્યાંય કળાતા નથી. એટલે હવે આ ઘર અને ઘરવખરી મેલીને મારા કપાળે લખેલી કાંકરીને દુ:ખને સ્વીકારીને, ઈશ્વરની આવી મરજી હશે એમ માનું છું.
હજુ સવાર પડે એ પહેલા તો ગામધણી કાઠી દરબાર સોખડાવાળો આ મરશિયા, હૈયાફાટ રૂદન અને હિબકા સાંભળીને હેબતાઈ ગયો. ભાયાતુ સંગાથે નેસડે આવ્યો અને કહેવરાવ્યું, રાજદરબારનો હુકમ છે કોઈએ રોવાનું નથી મારા રાજમાં ને તો પણ તમે રડો છો, કોણ છો. આજુબાજુના નેસવાળા ચારણોએ કહ્યું બાપુ ચારણ આઈ હોલબાઈ રંડાણા, એનો પતિ રાજદે ચારણ ટૂંકી માંદગીમાં લાંબે ગામતરે હાલી નીકળ્યો અને બાઈથી રોવાણું. એના મરશિયા-રોકકળ અટકતા નથી. સોખડાવાળો પોતાની જાતને રોકી ન શક્યો. એનો કાયદો નથી પાળતા, એનો અહંકાર હવે બોલવા લાગ્યો. બંધ કરો આઈ રોવાનું નથ્ય.
હોલબાઈની આંખો રાતી ચોળ થઈ ગઈ. અંગ ધ્રુંજવા લાગ્યું. માથે કામળી ઓઢી ઊભા થઈ બહાર પરસાળમાં આવી. ઊગી નીકળી રહેલા સૂરજનારાયણને પગે લાગી સોખડાવાળો સાંભળે એમ કહેવા લાગ્યા. બાપ, તમે સૂરજનારાયણના અને અમેય ભાણદેવતાના. આપણો જુગ જુનો નાતો. ગામતરે ગયેલા ચારણનો ખરખરો કરવાને બદલે અમને રોતા રોકો છો. તમને નહીં સમજાય. લ્યો હું દાંત કાઢું, કહીને હસી અને દુહો બોલ્યાં.
હસીને બોલી હોલબાઈ,
તને સોનગની સામી મળે
બોલાયેલ અમણાં બોલ,
તારી છાતી ફાડશે સોખડાં
આવો શાપ દુહામાં દેવાઈ ગયો અને ચારણની અરથી, અગ્નિદાહની વિધિ આરંભાઈ. બીજા દિવસે રાજદેની ટાઢી ઠારી પોતાનો માલઢોર અને દીકરા-દીકરીને લઈ સાંકરોળાના કાંઠાના ગીરના નેસને રામ-રામ કરી વાંકાનેર બાજુ પોતાને વતન જવા ભાઈના ઘર તરફ હાલી નીકળી. ભાઈએ આશરો આપ્યો. હોલબાઈ વાંકાનેર નજીક ગૌચરમાં પોતાનું ઝૂપડું બનાવી ભક્તિ-પૂજા કરતાં-કરતાં બાળકોનો ઉછેર અને ઢોરમાલનું લાલન પાલન કરતાં.
હોલબાઈ આઈ વગડામાં રહે. ભાઈનો ઓથ એટલે કોઈ બીજી ચિંતા ન હતી. આ બાજુ બીજે દિવસે સોખડાવાળાનો એકનો એક દીકરો સોનગ ઘોડા ખેલવી આવતો ત્યાં નદીમાં છીપરા ઉપર ઘોડેથી પડી જતાં માથું ફાટી ગયું. મૃત્યુ પામ્યો. આઈ હોલબાઈનો શાપ સાચો પડયો. કાઠી દરબાર રાજા રડી પડયો. એનો અહં ભાંગી ગયો.
કહેવાય છે કે હોલબાઈ પર કોઈએ કુદૃષ્ટિ કરેલી એને શાપ આપતો એક દુહો પણ રતુદાન રોહડિયાના ઈતિહાસમાં ગ્રંથસ્થ છે.
ભમતો આવેલ ભાટ,
તે દિ પસલીએ પાયેલ પાણી
તે દિની ગળે નૈ વાટ,
કે હેરા આવ્યા હોલને
એવી માન્યતા છે કે હોલબાઈ આવા ઘટના પ્રસંગથી દુ:ખી થઈને કોઈને ફરિયાદ ર્ક્યા વગર ધરતીમાં જ સમાઈ ગયા. આ સ્થળે હોલબાઈ માતાનો મઢ આજે પણ અવલોકવા મળે છે. (સમાપ્ત)