ઉમેશ ત્રિવેદી
અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને દેવપોઢી એકાદશીથી ભગવાન વિષ્ણુ પોઢી જાય છે એટલે વિશ્વનું સંચાલન ભગવાન શંકરને સોંપાય છે એટલે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ શંકરની પૂજા અર્ચના કરવામાં આવે છે, આ લોકવાયકા છે.
આજે આપણે મુંબઇના સૌથી જૂનાં શિવ મંદિર બાબુલનાથ વિશે જાણીશું. મુંબઇની ગીરગાંવ ચોપાટી નજીક આવેલું અને અત્યારે જે મંદિર છે એ 1890માં બનાવવામાં આવ્યું છે અને એક સમયે આ મંદિર એ મુંબઇમાં સૌથી ઊંચી ઇમારત ગણાતું હતું. એક તો ટેકરી પર આવેલું આ ધર્મસ્થાનક છે અને તેમાંય લગભગ 150 વર્ષ અગાઉ તેની રચના કરવામાં આવી છે એમ કહેવાય છે.
જોકે, ઘણા એમ પણ કહે છે કે, બાબુલનાથ મંદિરનો ઇતિહાસ 12મી સદી સુધીનો છે. તે સમયે સોલંકી રાજાઓએ આ મંદિર બંધાવ્યું હતું. રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન અહીં સૌ પ્રથમ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. સમય જતાં મોગલોના આક્રમણને પગલે આ મંદિર નષ્ટ કરવામાં આવ્યું, પણ શિવલિંગ જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું.
પ્રચલિત લોકવાયકા મુજબ, પાંડુરંગ નામના સોની ને જમીનમાલિકની ગાયો અહીં ચરવા માટે આવતી હતી. બાબુલ નામનો ગોવાળ, આ પાંડુરંગ શેઠની ગાયો અહીં ચરાવવા આવતો હતો. ગાયોના ધણમાં ‘કપિલા’ નામની એક ગાય હતી. તેણે અચાનક દૂધ આપવાનું બંધ કરી નાખ્યું તેથી પાંડુરંગ શેઠ ઊંચા-નીચા થવા લાગ્યા હતા. તેમણે આ અંગે બાબુલ ગોવાળિયાને પૂછ્યું તો બાબુલ જે વાત કહી તેનાં પર તેને વિશ્વાસ બેઠો નહીં.
બાબુલે કહ્યું કે, ‘કપિલા ગાય દરરોજ એક ચોક્કસ જગ્યાએ જઇને ઊભી રહે છે અને ત્યારે તેનાં આંચળમાંથી આપોઆપ દૂધ નીકળવા લાગે છે.’ પાંડુરંગને આ વાત સાચી ન લાગી, તેથી તેઓ બાબુલ ભેગા જવા લાગ્યા. તેમણે નજરોનજર આ જોયું કે કપિલા ચોક્કસ જગ્યાએ ઊભી રહી તેનાં આંચળમાંથી દૂધની ધાર થવા લાગે છે.
પાંડુરંગે તે જગ્યાએ ખોદકામ કરાવ્યું તો ત્યાંથી મસમોટું શિવલિંગ મળી આવ્યું. બાબુલ ગોવાળિયાને કારણે આ શિવલિંગ મળ્યું હતું એટલે આ સ્થળનું નામ ‘બાબુલનાથ’ રાખવામાં આવ્યું, અને પાંડુરંગે ત્યાં મંદિર બાંધવાનો નિર્ણય કર્યો હતો. શિવલિંગ મળી આવ્યું હોવાથી ગુજરાતી બ્રાહ્મણોએ ત્યાં પૂજા અર્ચના શરૂ કરી હતી. એ દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ જમીન ખરીદવાની વાત કરી, પણ ઇન્કાર કરી ત્યાં મંદિર ઊભું કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
સન 1790માં અહીં નાનકડું દેવાલય હતું, જે અહીં રહેનારા ગુજરાતીઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. અહીં શિખરબદ્ધ મંદિર બાંધવાનો નિર્ણય લેવાયો. 1836માં આ નાનકડા મંદિરનો ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો. બાબુલનાથના હાલના મંદિરમાં પાર્વતી, ગણપતિ, હનુમાન, લક્ષ્મીનારાયણ, ગરૂડજી, કાશી વિશ્વનાથ, દત્તાત્રેય, ગાયત્રી માતા, શીતળામાતા, નાગદેવ વગરેની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.
સન 1890માં અહીંના ગુજરાતી વેપારી સમુદાય અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સહયોગથી આ વિશાળ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. આ મંદિરે પહોંચવા માટે કુલ 110 પગથિયા બનાવવામાં આવ્યાં છે. જોકે, સમયાંતરે તેમાં ફેરફાર થતાં અત્યારે વડીલો માટે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગચાર માળની ઊંચાઇએ આવેલાં આ મંદિરમાં શ્રાવણ મહિનાના દરેક સોમવારે માનવમહેરામણ ઊમટી પડે છે.
આ મંદિરના બાંધકામમાં ચૂનાના પથ્થર અને રાજસ્થાનથી ખાસ મંગાવવામાં આવેલા આરસપહાણ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના સ્તંભ અને છત પર હિન્દુ પૌરાણિક કથાઓ અને આકૃતિઓની સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિરના પરિસરમાં અનેક બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સનાતન હિન્દુ ધર્મની ક્રિયાઓ સમજાવવામાં આવી છે. સન 2022માં અનંત મુકેશ અંબાણીના હાથે ‘અનંત ભવન’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વિશાળ હોલમાં અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે.
બાબુલનાથ મંદિરના શિખરને સુવર્ણથી મઢવામાં આવ્યું છે. આ મંદિરના ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ અને સામાજિક સેવામાં યોગદાન આપવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય તહેવાર ‘મહાશિવરાત્રિ’ છે, જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને પવિત્ર શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે અહીં લોકો હજારોની સંખ્યામાં ઊમટી પડે છે.
બાબુલનાથ મંદિરમાં આવેલું શિવલિંગ ખાસ્સું મોટું છે, પણ આજ સુધી તે કેટલા ફૂટનું છે એ માપવાની કોશિશ કરવામાં આવી નથી. આ શિવલિંગ સ્વયંભૂ છે એમ કહેવાય છે અને તે શિવલિંગ પાંડુરંગ નામના શ્રીમંત વેપારીએ ખોદીને બહાર કાઢ્યું હતું એવો ઉલ્લેખ જોવા મળે છે.
આ મંદિર પરિસરમાંના બાંધકામ પણ જૂનાં સમયનાં જ હોય એવા રાખવામાં આવ્યા છે, તેમાં કોઇ જ જાતના ફેરફાર કરવામાં આવ્યા નથી. અહીં પૂજારી અને બીજાં કેટલાક લોકો રહે છે. મંદિરનાં 110 પગથિયાં સુધી પહોંચવા માટે ઢોળાવ ચઢવો પડે છે અને ઓ ઢોળાવની આસપાસ થોડીક દુકાનો આવી છે. બાબુલનાથ મંદિરમાં દર્શન કરીને ભક્તો અનેરી અનુભૂતિ મેળવે છે.