પુણે: પુણેમાં પિંપરી-ચિંચવડ ખાતેના પ્રખ્યાત ફર્નિચર મૉલ પર ગોળીબાર કરવાના કેસમાં પોલીસ કુખ્યાત લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા ત્રણને ઉત્તરાખંડમાં પકડી પાડ્યા હતા. ખંડણીની રકમ ન આપનારા મૉલના માલિકને ડરાવવાને ઇરાદે આ ગોળીબાર કરાયો હોવાનું તપાસમાં જણાયું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પ્રવીણ રામનિવાસ (22), પંકજ કુલદીપ (21) અને સાગર અજયપાલ (21) તરીકે થઈ હતી. હરિયાણાના જજ્જર, રોહતક અને સોનીપત પરિસરમાં રહેતા ત્રણેયને હરિદ્વારથી તાબામાં લેવાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર બિઝનેસમેન જગદીશ ભેરારામ બિશ્ર્નોઈ અને તેના પાર્ટનર અશોક કુમાર બિશ્ર્નોઈને સાતમી મેના ઈન્ટરનૅશનલ નંબર પરથી વૉટ્સઍપ કૉલ આવ્યા હતા. બિશ્ર્નોઈ ગૅન્ગને નામે કૉલ કરનારા શખસે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને રૂપિયા ન ચૂકવે તો જાનથી મારવાની ધમકી આપી હતી. જોકે બન્ને બિઝનેસમેને ગૅન્ગસ્ટરને નાણાં આપ્યાં નહોતાં.
આખરે 15 મેની રાતે નવ વાગ્યાની આસપાસ બાઈકસવાર બે હુમલાખોરે પુણેના રવેત પરિસરમાં આવેલા એ. જે. ફર્નિચર મૉલ પર ગોળીબાર કર્યો હતો. બન્નેએ પોતાની પિસ્તોલમાંથી પાંચથી છ રાઉન્ડ ફાયર કર્યા હતા. ગોળીબાર પછી બન્ને હુમલાખોર બાઈક પર ફરાર થઈ ગયા હતા.
ગોળીબાર પ્રકરણે રવેત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ પિંપરી-ચિંચવડના પોલીસ કમિશનર વિનય કુમાર ચૌબેની સીધી દેખરેખમાં હાથ ધરાઈ હતી. તપાસ માટે અધિકારીઓની સાત ટીમ બનાવવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસે 350થી 400 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. એ સિવાય આરોપીઓ રહેવાની શક્યતાવાળી અનેક લૉજમાં તપાસ કરાઈ હતી. આરોપીઓની ઓળખ થતાં જ પોલીસે ટેક્નિકલ એનાલિસીસ અને સ્થાનિક માહિતીને આધારે તેમને ટ્રેસ કર્યા હતા.
આરોપીઓ હરિયાણાના હોવાનું જાણવા મળતાં પોલીસની એક ટીમ રોહતક ગઈ હતી. જોકે આરોપી હરિદ્વારમાં હોવાની માહિતી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્રણેયને તાબામાં લીધા હતા. પૂછપરછમાં ત્રણેયે ગોળીબારમાં સંડોવણીની કબૂલાત કરી હતી. કોર્ટે ત્રણેયને 28 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે આરોપીએ બિશ્ર્નોઈ ગૅન્ગના આરઝૂ બિશ્ર્નોઈ, શુભમ લોણકર અને કુલદીપ ઉર્ફે કશિશને ઇશારે આ ગોળીબાર કર્યો હતો. કુલદીપ ઉર્ફે કશિશ પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યાના કેસનો આરોપી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)