Thu Jul 09 2026

Logo

સિયા ગોયલે ફિયાન્સેની હત્યા કર્યા પછી ગુજરાતમાં શરૂ થયો કયો નવો ટ્રેન્ડ ?

2026-07-09 10:44:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ પુણેના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની તેની ફિયાન્સી સિયા ગોયલ અને પ્રેમીએ લોહગઢ કિલ્લા પરથી ફેંકીને હત્યા કરી હતી. આ ઘટના બાદ ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદ સહિત રાજ્યમાં પરિવારોને લગ્ન સંબંધો નક્કી કરતા પહેલા વધુ સાવચેતી રાખી રહ્યા છે. જેના કારણે મેરેજ બ્યુરો, જાસૂસો પાસે સંભવિત વર વધુના સંબંધો, લાઈફ સ્ટાઈટલ, સોશિયલ મીડિયા એક્ટિવિટી ગતિવિધિમાં ઉછાળો આવ્યો છે.

શું કહે છે જાસૂસો અને મેરેજ કન્સલ્ટન્ટ

જાસૂસો અને મેરેજ કન્સલ્ટન્ટ્સ મુજબ, પુણેનો કેસ સામે આવ્યા બાદ સંભવિત વર-વધૂની સંપૂર્ણ બેકગ્રાઉન્ડ તપાસ માટેની વિનંતીઓમાં તીવ્ર વધારો થયો છે. પરિવારો હવે જાસૂસોને સંભવિત જીવનસાથીના પાછલા છ મહિનાના જીવનની બારીકાઈથી તપાસ કરવા માટે કહી રહ્યા છે, જેમાં તાજેતરના સંબંધો, ભૂતપૂર્વ ભાગીદારો સાથે ચાલુ સંપર્ક, મિત્ર વર્તુળ, નાણાકીય વર્તણૂક, નોકરીનો ઇતિહાસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનો સમાવેશ થાય છે.

 મધ્યમ વર્ગના પરિવારોમાં પણ ઈન્કવાયરીનું વધ્યું પ્રમાણ

શહેરના એક ખાનગી જાસૂસે જણાવ્યું કે, અગાઉ, મોટાભાગના ગ્રાહકો સ્થિર નોકરી,  કૌટુંબિક પૃષ્ઠભૂમિ અને ગુનાહિત રેકોર્ડ ન હોવાની ખાતરી ઈચ્છતા હતા. હવે, પહેલો પ્રશ્ન છેલ્લા છ મહિના વિશે હોય છે. તેઓ જાણવા માંગે છે કે શું તાજેતરમાં કોઈ સંબંધ હતો, શું તે સાચે જ પૂરો થઈ ગયો છે, અને શું હજી પણ કોઈ સંપર્ક છે કે નહીં. આવી પૂછપરછો, જે ક્યારેક માત્ર શ્રીમંત પરિવારો પૂરતી મર્યાદિત હતી, તે હવે મધ્યમ વર્ગના પરિવારોમાં પણ સામાન્ય બની ગઈ છે. તેમણે કહ્યું કે, લોકો ઈચ્છે છે કે અમે જીવનશૈલી, મિત્ર વર્તુળ, નાણાકીય આદતો, સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અને વર્તનમાં આવેલા કોઈ મોટા ફેરફારોની ચકાસણી કરીએ. તેઓ આવો મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા મનની શાંતિ ઈચ્છે છે.

ઑફલાઇન મેચમેકિંગનું વધી રહ્યું છે પ્રમાણ

મેરેજ બ્યુરો સંચાલકોના કહેવા પ્રમાણે, ઘણા લોકો હવે એક જ શહેર અથવા રાજ્યમાં સંબંધ કરવાનું પસંદ કરે છે. લોકલ રેફરન્સ બેકગ્રાઉન્ડની ચકાસણી સરળ બનાવે છે. ઑફલાઇન મેચમેકિંગ  તરફ પણ સ્પષ્ટ ઝુકાવ જોવા મળી રહ્યો છે, જેમાં પરિવારો આગળ વધતા પહેલા વ્યક્તિના પરિવાર, વ્યવસાય, જીવનશૈલી અને તાજેતરના ભૂતકાળની સંપૂર્ણ તપાસ કરવાનો આગ્રહ રાખે છે.

જાસૂસો સ્વીકારે છે કે બેકગ્રાઉન્ડની તપાસ લગ્નની સફળતાની ગેરંટી આપી શકતી નથી, પરંતુ આ વધી રહેલી માંગ દર્શાવે છે કે પરિવારો હવે નસીબના ભરોસે કશું જ છોડવા માંગતા નથી. ટૂંકમાં લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે, પણ હાલ તેની ખાનગી જાસૂસો દ્વારા તેની ચકાસણી થાય છે.