મુંબઈ: જો તમે પણ 'સચિવ જી'ની સાદગી અને ફુલેરા ગામના શાંત વાતાવરણને મિસ કરી રહ્યા છો, તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. દેશના સૌથી લોકપ્રિય ગ્રામીણ ડ્રામા 'પંચાયત'ની પાંચમી સિઝન ટૂંક સમયમાં દસ્તક દેવા જઈ રહી છે. સિઝન 4ની અભૂતપૂર્વ સફળતા બાદ હવે ચાહકો જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુવીર યાદવને ફરી પડદા પર જોવા માટે આતુર છે. સીઝન 5 સાથે ફૂલેરાની વાર્તામાં એક નવો વળાંક આવવાની તૈયારી છે, જેની સત્તાવાર હિલચાલ તેજ થઈ ગઈ છે.
'પંચાયત સિઝન 5' પર કામ શરૂ થઈ ગયું છે. રિન્કીનું પાત્ર ભજવતી અભિનેત્રી સંવિકાએ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સિઝનનું રાઈટિંગ કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ થઈ જશે. જો બધું આયોજન મુજબ ચાલશે, તો વર્ષ 2026ના મે અથવા જૂન મહિનામાં આ સિઝન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ શકે છે. પંચાયતનો દરેક ભાગ હંમેશાં ચોક્કસ અંતરાલ પછી આવે છે, જે ઓડિયન્સમાં તેની ઉત્સુકતા જાળવી રાખવામાં મદદ કરે છે.
પંચાયતની પાછલા સિઝન્સની વાત કરીએ તો વર્ષ 2020થી શરૂ થયેલી આ સફર સિઝન 4 સુધી પહોંચતા વૈશ્વિકસ્તરે લોકપ્રિય બની છે. સીઝન 4 જૂન 2025 માં લોન્ચ થઈ હતી અને તેણે 180થી વધુ દેશમાં વ્યૂઅરશિપના રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના ડાયરેક્ટર મનીષ મેનઘાણીએ પણ શોની ઇન્ટરનેશનલ અપીલની પ્રશંસા કરી છે. TVFના પ્રેસિડન્ટ વિજય કોશીના મતે આ શોની શક્તિ તેની સાદગી અને માનવીય સંબંધોમાં રહેલી છે.
સિઝન પાંચની સ્ટોરી રોમાંચક છે. અગાઉની ચોથી સિઝનના અંતે જોવા મળ્યું હતું કે ક્રાંતિ દેવીએ મંજુ દેવીને હરાવીને ફૂલેરાના નવા પ્રધાન તરીકે સત્તા મેળવી છે. આ રાજકીય ઉલટફેર સીઝન 5નો મુખ્ય આધાર રહેશે. નવા પ્રધાન અને સચિવ જી વચ્ચેની ખેંચતાણ, રાજકીય દુશ્મની અને ગ્રામીણ જીવનની મનોરંજક ઘટનાઓ દર્શકોને ખડખડાટ હસાવશે. સચિવ જીની અંગત મુશ્કેલીઓ અને ગામની બદલાયેલી રાજનીતિ આ વખતે કેન્દ્રસ્થાને હશે.