નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ચીનના સંબંધોને લગતો એક મોટો ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ, પાકિસ્તાન ચીનને મિલિટરી બેઝ (સૈન્ય મથક) આપવા માટે તૈયાર હતું. આ સૈન્ય મથક ગ્વાદર પોર્ટ (બંદર) પર બનવાનું હતું, પરંતુ તેના બદલામાં પાકિસ્તાને ચીન સામે ત્રણ મોટી શરતો મૂકી હતી.
આ ત્રણ શરતોમાંથી બે શરતો સીધી રીતે ભારત સામે સૈન્ય સંતુલન જાળવવા સાથે જોડાયેલી હતી. પાકિસ્તાને ચીન પાસે એક ખાસ હથિયાર પણ માંગ્યું હતું. પરંતુ, ચીને આ શરતો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને બંને દેશો વચ્ચેની આ વાતચીત કડવાશ સાથે પૂરી થઈ ગઈ.
જોકે, ચીને આ શરતો એટલા માટે નહોતી નકારી કે તે ભારતની વિરુદ્ધ જવા નહોતું માંગતું, પરંતુ તેણે આવું પોતાનો બચાવ કરવા માટે કર્યું હતું. અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, જે પાકિસ્તાન વર્ષો સુધી ગ્વાદરને સૈન્ય મથક બનાવવાની ના પાડતું હતું, તે અચાનક આ મથક આપવા માટે તૈયાર કેવી રીતે થઈ ગયું?
ચીનને પહેલા મિલિટ્રી બેઝ કેમ નહોતું આપી રહ્યું પાકિસ્તાન?
એક સમય એવો હતો જ્યારે ચીન પોતે ગ્વાદર પોર્ટને સૈન્ય મથકમાં બદલવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ પાકિસ્તાન સતત તેનાથી બચતું રહ્યું. પાકિસ્તાનને એવો ડર હતો કે જો તે આવું કરશે, તો તેને અમેરિકા અને પશ્ચિમી દેશોની સીધી નારાજગી સહન કરવી પડશે અને તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી જશે.
આ જ કારણે પાકિસ્તાને એક દાયકા (10 વર્ષ) સુધી ચીનની આ માંગણીને ટાળતું રહ્યું અને ગ્વાદરને માત્ર આર્થિક અને વ્યાપારિક પ્રોજેક્ટ તરીકે જ સીમિત રાખ્યું. પરંતુ, ધીમે-ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ.
ચીનને મિલિટ્રી બેઝ આપવા કેમ તૈયાર થયું ?
CPEC અંતર્ગત મોટા-મોટા પ્રોજેક્ટ્સ અટકી પડ્યા, ફંડિંગ ધીમું થઈ ગયું અને ચીનની નારાજગી ખુલ્લેઆમ સામે આવવા લાગી. પાકિસ્તાન પર ચીની કંપનીઓનું દેવું વધતું ગયું અને ચીની નાગરિકો પર હુમલા થવા લાગ્યા. 2024માં તો ચીનના રાજદૂતે જાહેરમાં પાકિસ્તાન સરકાર પર પોતાના નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ જવાનો આરોપ પણ લગાવી દીધો.
બીજી તરફ, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ નબળી પડતી ગઈ. વિદેશી રોકાણ ઘટ્યું, દેવું વધ્યું અને આઈએમએફ (IMF) જેવી સંસ્થાઓ પર તેની નિર્ભરતા વધતી ગઈ. આવી સ્થિતિમાં ઈસ્લામાબાદ પાસે ચીનને ખુશ કરવા સિવાય બહુ વિકલ્પો બચ્યા નહોતા.
અહેવાલ અનુસાર, પાકિસ્તાને ચીનને ખાનગીમાં ખાતરી આપી હતી કે તે ગ્વાદરના ઊંડા સમુદ્રી બંદરને કાયમી ચીની સૈન્ય મથકમાં બદલવાની મંજૂરી આપી શકે છે. ચીનની આ લાંબા સમયથી ચાલી આવતી વ્યૂહાત્મક ઈચ્છા હતી. પરંતુ, તેના બદલામાં પાકિસ્તાને ત્રણ મહત્વની શરતો મૂકી, જેમાંથી બે શરતો તો સીધી રીતે ભારત વિરુદ્ધ હતી.
ચીને કેમ ફગાવી ડીલ?
અહેવાલ મુજબ, ચીને ખાસ કરીને ત્રીજી માંગને ખૂબ જ જોખમી ગણી. બેઇજિંગને લાગ્યું કે જો તે આ માંગ સ્વીકારશે, તો દક્ષિણ એશિયામાં પરમાણુ પ્રસાર (Nuclear Proliferation) માં તેની સીધી ભાગીદારી ગણાશે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. અહેવાલ અનુસાર, ચીને આ માંગણીઓને ‘અયોગ્ય’ ગણાવી અને બંને દેશો વચ્ચેની વાતચીત અહીં જ પૂરી થઈ ગઈ.