વોશિંગ્ટન ડી.સી.: ટ્રમ્પ અથવા તેમના સલાહકારો દ્વારા વર્ષ 2026 ના શરૂઆતના ત્રણ મહિનામાં જ 3,700 થી વધુ સ્ટોક ટ્રેડ (શેરબજારના સોદા) કરવામાં આવ્યા છે અને આના કારણે જ તેઓ તપાસના દાયરામાં છે. આ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ બજારના દિગ્ગજો માટે પણ ચોંકાવનારી છે.
ટ્રમ્પે રોજ કર્યા 40 સોદા
આ વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં અમેરિકાની કેટલીક સૌથી મોટી આઈટી-ટેક (IT-Tech), ફાઇનાન્સ, એરોસ્પેસ અને મીડિયા કંપનીઓમાં કરોડો ડોલરના સોદા થયા છે. આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થયેલા આ સોદાઓમાં ટ્રમ્પે સરેરાશ દરરોજ 40 થી વધુ સોદા કર્યા હતા.
અહેવાલમાં થયેલા ખુલાસામાં બહાર આવ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ અથવા તેમના સલાહકારોએ આ ત્રણ મહિનામાં જ 3,700થી વધુ સ્ટોક ટ્રેડ (શેરબજારના સોદા) કર્યા છે. આ અગાઉના ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) ની સરખામણીમાં એક નાટકીય ઉછાળો હતો, જ્યારે 2025 ના છેલ્લા ત્રણ મહિના દરમિયાન માત્ર 380 સોદા સામે આવ્યા હતા.
આ મોટી કંપનીમાં ટ્રાન્ઝેક્શન્સ
ખુલાસાઓ પરથી જાણવા મળ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતના ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) દરમિયાન NVIDIA, Oracle, Microsoft, Boeing અને Costco સહિત અન્ય કંપનીઓમાં પ્રત્યેકમાં ઓછામાં ઓછા 1 મિલિયન ડોલર (10 લાખ ડોલર)ની કિંમતના શેર ખરીદ્યા હતા.
આ પ્રકારના ખુલાસાઓએ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તેમના વ્યાપારિક કરારોને લઈને લાંબા સમયથી ચાલી આવતી ટીકાઓએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જે કંપનીઓના સ્ટોક ટ્રેડ (સોદા) થયા છે, તેમાંથી ઘણી કંપનીઓ એવા સેક્ટર્સ (ક્ષેત્રો) માં કામ કરે છે જે સીધી રીતે અમેરિકન સરકારની નીતિઓ, નિયમો અને જીઓ-પોલિટિકલ (ભૂ-રાજકીય) નિર્ણયોથી પ્રભાવિત થાય છે.
ક્રૂડની કિંમત અને સોદાનો કેસ
આ તાજેતરના નાણાકીય ખુલાસા તેલ (ઓઇલ) અને સ્ટોક ફ્યુચર્સ માર્કેટમાં અસામાન્ય ટ્રેડિંગ પ્રવૃત્તિના થોડા મહિનાઓ પછી જ સામે આવ્યા છે. આ પહેલા અમેરિકન ટ્રેડર્સે કથિત રીતે ઘટતી ઓઇલની કિંમતો અને વધતા અમેરિકન શેરબજાર પર મોટો દાવ લગાવ્યો હતો, બરાબર એ જ સમયે જ્યારે ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ વાટાઘાટોમાં પ્રગતિના સંકેત આપતા નિવેદનો આપ્યા હતા. જેના તુરંત બાદ ઓઇલની કિંમતો ક્રેશ થઈ ગઈ (ગગડી ગઈ) હતી અને યુએસ સ્ટોક માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
વ્હાઇટ હાઉસે આરોપો ફગાવ્યા
જોકે, આ પ્રકારના ખુલાસાઓને લઈને અમેરિકી વ્હાઇટ હાઉસે કોઈપણ પ્રકારની ગેરરીતિના આરોપોને ફગાવી દીધા છે.