નવી દિલ્હી: દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 પેપર લીક વિવાદના કારણે રદ થયા બાદ હવે આ મામલો ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક તરફ ફરીથી પરીક્ષા (Re-exam) યોજવા માટે નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે, તો બીજી તરફ નીટ પરીક્ષા પ્રણાલીમાં ફેરફારો કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વની અરજી દાખલ કરવામાં આવી છે.
કોણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી?
આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ સત્યમ સિંહ રાજપૂત મારફતે આરજેડી સાંસદ સુધાકર સિંહ, સામાજિક કાર્યકર્તા અનુભવ ગર્ગ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. ધ્રુવ ચૌહાણ અને રાજકીય નેતા હરિશરણ દેવગન દ્વારા દાખલ કરવામાં આવી છે. આ લોકોએ NEET-UG ની વર્તમાન 'પેન-એન્ડ-પેપર' (ઓફલાઇન) પરીક્ષા પદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને તાત્કાલિક કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT - Computer Based Test) મોડમાં બદલવા માંગ કરી છે.
ઓફલાઇન મોડના બદલે CBT મોડમાં પરીક્ષા લેવાશે?
આ અરજીમાં સુપ્રીમ કોર્ટને આગ્રહ કરવામાં આવ્યો છે કે, 21મી જૂન 2026 ના રોજ યોજાનારી નીટની પુનઃ પરીક્ષા પારંપરિક ઓફલાઇન મોડના બદલે CBT મોડમાં જ આયોજિત કરવાનો નિર્દેશ આપવામાં આવે. આ સાથે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓને NEET-UG ને સંપૂર્ણ ડિજિટલ પરીક્ષા પ્રણાલીમાં બદલવા માટે સમયબદ્ધ રોડમેપ રજૂ કરવા આદેશ કરાય, જેમાં સાયબર સુરક્ષા અને પરીક્ષા કેન્દ્રોની પૂરતી તૈયારીઓ સામેલ હોય! પ્રશ્ન એ છે કે, શું કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે વિચાર કરવામાં આવશે કે કેમ? શિક્ષણ પ્રધાને આવી તો જાહેરાત કરી હતી કે, NEET-UGની પરીક્ષા CBTમાં લેવામાં આવશે પરંતુ 21મી જૂને જે પરીક્ષા છે તેને તો પેન એન્ડ પેપર મોડ પર જ લેવામાં આવશે.
NTA ને હટાવવાની અને નવી ઓથોરિટી બનાવવાની માંગ
આ સાથે અરજીમાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે NTA (National Testing Agency) ની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી તેને હટાવવાની માંગ કરવામાં આવી છે. તેની જગ્યાએ એક નવી, સ્વતંત્ર અને પારદર્શક 'નેશનલ એક્ઝામિનેશન ઓથોરિટી' ની સ્થાપના કરવાની અપીલ કરાઈ છે, જે કાનૂની જવાબદારી અને ન્યાયિક દેખરેખ હેઠળ કામ કરે! આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, શિક્ષણવિદો, મનોવૈજ્ઞાનિકો, સાયબર સુરક્ષા નિષ્ણાતો અને ફોરેન્સિક નિષ્ણાતોની એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ સુરક્ષિત કરવા માટે માળખાકીય સુધારાઓ સૂચવી શકે.
રાધાકૃષ્ણન સમિતિની ભલામણોને લાગુ કરવા માંગ
પેપર લીકની ઘટનાઓ પર કાયમી બ્રેક લગાવવા માટે અરજીમાં રાધાકૃષ્ણન સમિતિની ભલામણોને સખત રીતે લાગુ કરવાનો આગ્રહ પણ કરવામાં આવ્યો છે. દેશની તમામ મોટી પરીક્ષાઓમાં એન્ક્રિપ્ટેડ ડિજિટલ પેપર ટ્રાન્સમિશન (Encrypted Digital Paper Transmission), બાયોમેટ્રિક વેરિફિકેશન અને AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને પ્રશ્નપત્રોનું ડિજિટલ લોકિંગ અને CBT મોડલ જેવા કડક નિયમો ફરજિયાત હોવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.