બ્રહ્મોસ મિસાઈલ અને સબમરીનનો ખાતમો કરવાની તાકાત ધરાવતા સ્વદેશી જહાજોની વિશેષતા જાણો
નવી દિલ્હી: ભારતીય નૌકાદળ તેની દરિયાઈ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે એક મોટું અને ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. નૌકાદળ ટૂંક સમયમાં ચાર નવા સ્વદેશી યુદ્ધ જહાજોને કમિશન કરશે, જેમાં સ્ટેલ્થ ફ્રિગેટ 'દૂનાગીરી', સર્વેક્ષણ જહાજ 'સંશોધક' અને બે એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ 'અગ્રય' અને 'માલવણ'નો સમાવેશ થાય છે.
ડ્રેગનની ગતિવિધિઓ પર રહેશે નજર
આ તમામ જહાજો સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવ્યા છે અને આગામી થોડા અઠવાડિયામાં તેમને નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવશે. આ પગલું હિંદ મહાસાગર ક્ષેત્રમાં, ખાસ કરીને ચીનની વધતી જતી દરિયાઈ ગતિવિધિઓ વચ્ચે, ભારતની સંરક્ષણ તાકાતમાં નોંધપાત્ર વધારો કરશે.પ્રોજેક્ટ 17A હેઠળ કોલકાતાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા નિર્મિત 'દૂનાગીરી' નીલગિરી ક્લાસનું પાંચમું ફ્રિગેટ છે. 30 માર્ચ 2026ના રોજ નૌકાદળને સોંપવામાં આવેલું આ યુદ્ધ જહાજ અત્યાધુનિક સ્ટેલ્થ ટેક્નોલોજી, બ્રહ્મોસ મિસાઈલ, MFSTAR રડાર, MRSAM એર ડિફેન્સ સિસ્ટમ અને 76mm તોપથી સજ્જ છે.
નેવીની પ્રહાર ક્ષમતા વધારશે
ઉત્તરાખંડના એક પર્વત પરથી નામ મેળવનાર આ જહાજ 75 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલું છે, જેના નિર્માણથી સેંકડો MSMEsને રોજગારી મળી છે. તે જૂના INS દૂનાગીરીના ગૌરવશાળી વારસાને આગળ ધપાવતા નૌકાદળની પ્રહાર ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.
@indiannavy
'માલવણ' છે 1,100 ટન વજનનું
દરિયાના છીછરા પાણીમાં દુશ્મનની સબમરીન શોધીને તેનો નાશ કરવા માટે 'અગ્રય' અને 'માલવણ' અત્યંત ઉપયોગી સાબિત થશે. GRSE દ્વારા નિર્મિત 77 મીટર લાંબુ ચોથું ASW SWC 'અગ્રય' વોટરજેટ પ્રોપલ્શન, હળવા વજનના ટોર્પિડો અને એડવાન્સ સોનાર સિસ્ટમ ધરાવે છે. જ્યારે મહારાષ્ટ્રના પ્રખ્યાત શહેરના નામ પરથી બનેલું 'માલવણ' કોચીન શિપયાર્ડ દ્વારા બનાવાયેલું બીજું ASW SWC છે, જે 80 મીટર લાંબુ અને 1100 ટન વજન ધરાવે છે. માઈન વોરફેર અને તટીય દેખરેખ માટે ડિઝાઈન કરાયેલા આ બંને જહાજોમાં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દેશની દરિયાઈ સીમા વધુ સુરક્ષિત થશે
આ યાદીમાં ચોથું નામ સર્વેક્ષણ જહાજ 'સંશોધક' (Yard 3028)નું છે. GRSE કોલકાતામાં બનેલું અને 30 માર્ચ 2026ના રોજ ડિલિવર થયેલું આ 110 મીટર લાંબુ અને 3400 ટન વજન ધરાવતું જહાજ ચાર લાર્જ સર્વે વેસલ્સમાં અંતિમ છે. તે હાઈડ્રોગ્રાફિક સર્વે, દરિયાની ઊંડાઈ માપવા અને ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ (AUV) તથા રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (ROV) જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે. આ ચારેય સ્વદેશી જહાજો નૌકાદળમાં સામેલ થવાથી દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા વધુ મજબૂત બનશે અને ભારતીય નૌકાદળ હવે આતુરતાથી તેમની કમિશનિંગની તારીખોની રાહ જોઈ રહ્યું છે.