Sun Jul 19 2026

Logo

અંડર કન્સ્ટ્રકશન રહેલા તમામ એસટીપી  નક્કી કરેલી મુદતમાં પૂરા થશે: કમિશનરનો દાવો

2026-07-19 08:57:37
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
દરિયાના પાણીની ગુણવત્તા સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા  મુંબઈમાં બનાવવામાં આવી રહેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ના કામ નક્કી કરેલી મુદતમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પ્લાન્ટની પાણી પર પ્રક્રિયા કરવાની ક્ષમતા પ્રતિ દિનની ૨,૪૬૪ મિલ્યન લિટરની છે. કામ ઝડપથી પૂર્ણ કરીને તેને તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ પણ પાલિકા કમિશનરે આપ્યો હતો.



મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં વરલી, ધારાવી, બાન્દ્રા, ઘાટકોપર, ભાંડુપ, વેસાવે (વર્સોવા) અને મલાડમાં સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ સાત નિર્માણધીન પ્રોજેક્ટની પાણી પર પ્રક્રિયા કરવાની કુલ ક્ષમતા ૨,૪૬૪ મિલ્યન લિટર પ્રતિ દિવસની છે. કોલાબામાં ૩૭ મિલ્યન લિટર પ્રતિદિનની ક્ષમતાનું સ્યુએજ સેન્ટર બાંધીને તેને એપ્રિલ ૨૦૨૦માં શરૂ કરવામાં આવ્યું હતું. બાકીના તમામ અંડર ક્ધસ્ટ્રકશન રહેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ સમયસર પૂર્ણ કરીને તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ શનિવારે મલાડના એસટીપી પ્લાન્ટના ઈન્સ્પેકશન દરમ્યાન કમિશનરે આપ્યો હતો.



મલાડના એસટીપીની ક્ષમતા પ્રતિદિનની ૪૫૪ મિલ્યન લિટર, વરલીની ૫૦૦ મિલ્યન લિટર, ભાંડુપની ૨૧૫ મિલ્યન લિટર, બાન્દ્રાની ૩૬૦ મિલ્યન લિટર, ધારાવીની ૪૧૮ મિલ્યન લિટર, ઘાટકોપરની ૩૩૭ મિલ્યન લિટર, વર્સોવાની ૧૮૦ મિલ્યન લિટર, કોલાબાની  ૩૭ મિલ્યન લિટર એમ કુલ તમામ એસટીપીની ક્ષમતા ૨,૫૦૧ મિલ્યન લિટર પ્રતિદિનની છે.

મલાડના એસટીપીનું કામ ૨૦૨૨ની સાલથી હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં સિક્વેન્શ્યિલ બૅચ રિએક્ટર ટેક્નોલોજી પ્રસ્તાવિત છે. આ પ્લાન્ટમાં દરરોજ ૪૫૪ મિલ્યન લિટર ગંદા પાણી પર દ્વિતીય સ્તરની પ્રક્રિયા કરવામાં આવશે, તેમાંથી ૨૨૭ મિલ્યન લિટર ગંદા પાણી પર દરરોજ ત્રીજા સ્તરી પ્રક્રિયા કરવામાં આવશે.  હાલ મલાડમાં રહેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણી પર સ્ક્રીનિંગ અને ડિગ્રિટિંગની પ્રાથમિક પ્રક્રિયા કરીને તેને ખાડીમાં છોડવામાં આવે છે. નવા પ્લાન્ટ શરૂ થયા બાદ પ્રક્રિયા દરમ્યાન નીકળનારા બાયોગૅસમાંથી વીજ ઉત્પાદનનું પણ કામ કરવામાં આવવાનું છે. આ પ્રોજેક્ટ માટે મેનગ્રોવ્ઝ કાઢવા સહિતની અન્ય મંજૂરીઓ મળી ગઈ છે. નવો એસટીપી શરૂ થયા બાદ દરિયાના પાણીની ગુણવત્તા અને સાગરી જીવનમાં સુધારો થશે.