(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસોમાં ત્રણ જીવલેણ ઘટનાઓ અને ચોતરફથી થઈ રહેલી ટીકાઓને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ જોખમી વૃક્ષો અને ડાળીઓ દૂર કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. પાલિકાના ડેટા અનુસાર ૨૨ જૂનથી ૧૭ જુલાઈ દરમ્યાન પાલિકાએ મુંબઈમાં જાહેર જગ્યાઓ અને ખાનગી જગ્યાઓમાંથી ૩,૮૪૧ જોખમી વૃક્ષો અને ડાળીઓ દૂર કરી હતી, જ્યારે બાકીનાં ૫૪૨ સ્થળોએ કામ ચાલુ છે
પાલિકાના જણાવ્યા મુજબ ૨૨ જૂનથી ૧૭ જુલાઈ દરમ્યાન મુંબઈમાં જાહેર જગ્યાઓ, હાઉસિંગ સોસાયટીઓ, કોલોનીઓ અને અન્ય ખાનગી મિલકતોમાં કુલ ૯૦૨ વૃક્ષો ઊખડી ગયાં હતાં અને ૧,૨૫૧ ડાળીઓ તૂટી પડી ગઈ હતી. આ ઘટનાઓ બાદ પાલિકાના ગાર્ડન વિભાગે પાલિકા અને ખાનગી મિલકતો પર રહેલાં ઝાડોનું ઈન્સ્પેકશન કર્યું હતું અને ઝાડ હટાવવાનું કામ હાથ ધર્યું હતું.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ કેટલાંક સ્થળોએ, સ્થળની સ્થિતિ, હવામાન, સલામતીની ચિંતાઓ અને જરૂરી પરવાનગીઓની જરૂરિયાતને કારણે તબક્કાવાર રીતે પડી ગયેલાં વૃક્ષો અને ડાળીઓને દૂર કરવામાં આવી રહી છે. વિભાગનો કંટ્રોલ રૂમ, વોર્ડ ઓફિસો અને કટોકટી ટીમો ચોવીસ કલાક કાર્યરત રહે છે. આવી ઘટનાઓનો સામનો કરવા માટે ચોમાસા દરમિયાન પૂરતા માનવબળ, સાધનો અને મશીનરી સ્ટેન્ડબાય રહે છે. તૂટી પડેલાં વૃક્ષો અને ડાળીઓને દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં જાહેર સલામતીને પ્રાથમિકતા આપવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે ૨૨ જૂનથી ૧૭ જુલાઈ, ૨૦૨૬ સુધીના ડેટા અનુસાર પાલિકાની હદમાં આવતા વિસ્તારોમાં કુલ ૩૬૭ વૃક્ષો ઊખડી ગયાં હતાં, જેમાંથી ૩૫૯ દૂર કરવામાં આવ્યા હતા અને આઠ સ્થળોએ કામ ચાલી રહ્યું છે. ખાનગી જગ્યાએ ૫૨૪ વૃક્ષો પડી ગયાં હતાં, જેમાંથી ૪૫૨ વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતાં અને ૭૨ સ્થળોએ કાર્યવાહી બાકી હતી. આ જ સમયગાળા દરમ્યાન પાલિકાની હદમાં આવતા વિસ્તારોમાં ૫૫૨ વૃક્ષો પડયાં હતાં, જેમાંથી ૫૪૧ વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતાં અને ૧૧ સ્થળોએ કામગીરી ચાલુ હતી.
ખાનગી જગ્યાઓ પર, ૭૨૩ શાખાઓ તૂટી પડી હતી, જેમાંથી ૬૩૨ વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતાં અને ૯૧ સ્થળોએ કાર્યવાહી બાકી હતી.
આ ઉપરાંત, ૨,૨૦૬ બિનવારસી સ્થળોએ વૃક્ષ કાપણી જરૂરી હતી. ૧,૮૫૭ સ્થળોએ કામ પૂર્ણ થયું છે અને બાકીનાં ૩૬૦ સ્થળોએ કામ ચાલુ છે. પાલિકાના ગાર્ડન વિભાગે નાગરિકોને ભારે વરસાદ અથવા ભારે પવન દરમિયાન ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવા વિનંતી કરી છે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જો તેઓ કોઈ પડ્યું વૃક્ષ, પડવાનું જોખમ ધરાવતું વૃક્ષ અથવા ડાળી પડેલી દેખાય તો તાત્કાલિક ૧૯૧૬ પર હેલ્પલાઇનનો સંપર્ક કરવો.
આ ચોમાસામાં જીવલેણ વૃક્ષ પડવાની ઘટના
૩૦ જૂનના ચેમ્બુરમાં રસ્તાની બાજુમાં એક વૃક્ષ ઊખડીને તેની સ્કૂલ બસ પર અથડાતાં અગિયાર વર્ષીય વિહાન શ્રીવાસ્તવનું મૃત્યુ થયું હતું . પાંચ જુલાઈના આરે કોલોનીમાં અઢાર વર્ષીય હસન રઝા જહાંગીર આલમ સૈયદનું મોટરસાઇકલ પર ઝાડની ડાળી પડતાં મૃત્યુ થયું હતું. છ જુલાઈના કુર્લા પશ્ર્ચિમમાં ૬૩ વર્ષીય યુનુસ કુંડાવાલાનું મૃત્યુ થયું જ્યારે એક ઝાડ દુકાન પર પડી ગયું જ્યાં તે હાજર હતો.