Sun Sep 13 2026

Logo

રવિવારે સેન્ટલ રેલવેમાં આ સ્ટેશનો વચ્ચે રહેશે મેગાબ્લોક

2026-07-18 20:23:20
Author: Sapna Desai
રવિવારે સેન્ટલ રેલવેમાં આ સ્ટેશનો વચ્ચે રહેશે મેગાબ્લોક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રવિવારે મધ્ય રેલવે પર મેગાબ્લોક હોવાથી મુંબઈગરાએ તે મુજબ તેમના પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. આ બ્લોક વિદ્યાવિહારથી થાણે અને થાણેથી વાશી/નેરુલના રૂટ પર રહેશે, તેને કારણે મેઈન લાઈન ફાસ્ટ ટ્રેનો મોડી દોડશે, જ્યારે ટ્રાન્સ હાર્બર રૂટ પર રેલ સેવા રદ કરવામાં આવશે. મુસાફરોએ વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેશે.

મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્ય માટે  મેગા બ્લોક રાખવામાં આવ્યો છે, જેમાં મેઈન લાઇન પર વિદ્યાવિહાર અને થાણે સ્ટેશન વચ્ચે પાંચમા અને છઠ્ઠા ટ્રેક પર સવારે આઠ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ સમયગાળા દરમ્યાન આ ટ્રેક પર અપ અને ડાઉન દિશાઓમાં આવતી બધી ટ્રેનોને ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે. પરિણામે ફાસ્ટ ટ્રેક પર વધારાનો ટ્રેન ટ્રાફિક હોવાથી ત્યાંની લોકલ સેવાઓ અમુક અંશે ખોરવાઈ શકે છે અને ઘણી ટ્રેનો મોડી દોડી શકે છે.

થાણેથી વાશી/નેરુલ સ્ટેશન સુધીની ટ્રાન્સ હાર્બર લાઇન પર સવારે ૧૧.૧૦ વાગ્યાથી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી અપ અને ડાઉન ટ્રેક પર મેગા બ્લોક લેવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન વાશી-નેરુલ-થાણે વચ્ચે બંને દિશામાં લોકલ સેવાઓ સંપૂર્ણપણે રદ રહેશે. આ બ્લોકને કારણે સવારે ૧૦.૩૫ થી સાંજે ૪.૦૭ વાગ્યા સુધી થાણે સ્ટેશનથી વાશી, નેરુલ અને પનવેલ તરફ જતી બધી ડાઉન લોકલ સેવાઓ રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત સવારે ૧૦.૨૫ થી સાંજે ૪.૦૯ વાગ્યા સુધી પનવેલ, નેરુલ અને વાશીથી થાણે તરફ જતી બધી અપ લોકલ સેવાઓ પણ રદ રહેશે. રેલવેએ પ્રવાસીઓને વૈકલ્પિક પરિવહનનો ઉપયોગ કરવાની અથવા બ્લોક અનુસાર તેમના મુસાફરીના સમયપત્રકનું આયોજન કરવાની સલાહ આપી છે. વેસ્ટર્ન રેલવેમાં રવિવારે કોઈ બ્લોક રાખવામાં આવ્યો નથી.