Mon Sep 14 2026

Logo

સરકારી ગ્રાન્ટ મેળવતી શાળામાં એડ્મિશન માટે લાંચ લેનારી મહિલા સહિત બેની ધરપકડ

2026-06-30 16:41:12
Author: Yogesh C. Patel
સરકારી ગ્રાન્ટ મેળવતી શાળામાં એડ્મિશન માટે લાંચ લેનારી મહિલા સહિત બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સરકારી ગ્રાન્ટ મેળવતી શાળામાં દીકરીને છઠ્ઠા ધોરણમાં અડ્મિશન અપાવવાને નામે 1.20 લાખ રૂપિયાની લાંચ માગનારી મહિલા સહિત બેની એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી. એસીબીના જણાવ્યા અનુસાર 32 વર્ષની મહિલાની ફરિયાદને આધારે સોમવારની સાંજે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રકરણે થાણેના રાબોડી પરિસરમાં રહેતી ફાતિમા તાહીર અન્સારી (35) અને ચૈતન્ય પ્રદીપ પ્રધાન વિરુદ્ધ રાબોડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીની દીકરીને રાબોડી પરિસરમાં આવેલી સરકારી ગ્રાન્ટ મેળવતી શાળામાં એડ્મિશન જોઈતું હતું. છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે ફાતિમાએ ફરિયાદી પાસેથી 1.20 લાખ રૂપિયાની માગણી કરી હતી. સ્થાનિક પરિસરમાં રહેતા ચૈતન્યની શાળાની પ્રિન્સિપાલ સાથે ઓળખ હોવાથી તેની મદદથી એડ્મિશન કરાવવાની ખાતરી ફાતિમાએ આપી હતી. તડજોડ બાદ એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી 17 જૂને એસીબીમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદની ખાતરી કરી એસીબીએ સોમવારે સ્કૂલ બહાર છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીએ શાળામાં ફીના 22,700 રૂપિયા ભરવાના હતા. બાકીના 77,300 રૂપિયાની લાંચ ફાતિમાને આપવાની હતી. લાંચની રકમ સ્વીકારનારાં ફાતિમા અને ચૈતન્યને અધિકારીઓએ રંગેહાથ પકડી પાડ્યાં હતાં.