Thu Jul 23 2026

Logo

મુંબઈને ડૂબતી બચાવશે ૧૬ નાના-મોટા  પપિંગ અને ૫૫૦ ડી-વોટરિંગ પંપ

2026-05-20 08:53:00
Author: Sapna Desai
Article Image

નાગરિકોને મળશે ૪૮ કલાક પહેલા ભારે વરસાદનું અલર્ટ 
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  ચોમાસાની તૈયારીરૂપે  ૧૫ મેથી જ મુંબઈમાં છ મોટા અને ૧૦ નાના પપિંગ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. તો ૫૫૦થી વધુ ડી-વૉટરિંગ પંપ તહેનાત કરવામાં આવવાના હોવાની જાહેરાત પાલિકા પ્રશાસને કરી છે. આ દરમ્યાન આ વર્ષથી નાગરિકોને ૪૮ કલાક પહેલા જ ભારે વરસાદ માટેની ચેતવણી નાગરિકોને આપવામાં આવવાની છે, તેથી અતિવૃષ્ટિ સમયે નાગરિકોને ઘરની બહાર નીકળવાનું જોખમ ટાળે.

ચોમાસું નજીક છે અને અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ નાળાસફાઈના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ નાળાસફાઈ આ વર્ષે મોડેથી હાથ ધરવામાં આવી છે, તેમાં પણ અનેક જગ્યાએ કૉન્ટ્રેક્ટર કામ કરવા આગળ નહીં આવતા શરતોમાં અનેક છૂટછાટ આપવામાં આવ્યા બાદ નાળાઓની સાથે જ મીઠી નદીની સફાઈ માટે કૉન્ટ્રેક્ટર આગળ આવ્યા છે. તેથી યોગ્ય નાળાસફાઈને અભાવે ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે એવા ડર પાલિકા પ્રશાસનને સતાવી રહ્યો છે. તેથી જ  ચોમાસા પહેલાની તૈયારીરૂપે પાલિકાએ વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપની સંખ્યા વધારીને ૫૫૦થી વધુ કરી નાખી છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ શહેરના છ મુખ્ય ઈર્લા, હાજી અલી, લવ્હગ્રોવ, ક્લિવલેન્ડ, બ્રિટાનિયા, ગઝધરબંધને ૧૫મેથી શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમ જ શહેરમાં ૫૫૦થી વધુ ડી-વોટરિંગ પંપ તહેનાત  કરી દેવામાં આવ્યા છે.

ચોમાસામાં ભારે વરસાદ દરમ્યાન પાણી ભરાઈ જવાની સાથે ટ્રેનથી લઈને વાહનવ્યહાર ઠપ્પ થઈ જતો હોય છ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગ અને પાલિકા પ્રશાસન યોગ્ય સમયે નાગરિકોને અલર્ટ કરી શકતી નથી. જોકે હવે આ વર્ષે  પાલિકાએ આઈઆઈટી મુંબઈ સાથે ભાગીદારી કરીને અર્લી વૉર્નિંગ સિસ્ટમ શરૂ કરી છે, તેથી આ વખતે ત્રણથી ચાર કલાક પહેલા અતિૃષ્ટિની ચેતવણી  ૪૮ કલાક પહેલા નાગરિકોને મળી જશે. તેથી આ ચેતવણીને આધારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળશે.

આઈઆઈટીની મદદ લેવાશે
ભૌગોલિક રચનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ જતા વરસાદના પાણીનો ઝડપી અને પરિણામકારક નિકાલ કરવા માટે પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માટે મોકલ્યો છે.