મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનના ટ્રેન અને સિગ્નલ સિસ્ટમની જાળવણી માટે દર રવિવારની જેમ આવતીકાલે પણ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જો તમે પણ હોળીની ખરીદી માટે કે મુંબઈ દર્શન માટે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે.
મળતી માહિતી પ્રમાણે પહેલી માર્ચ, 2026ના રોજ રેલવેની ત્રણેય લાઈન પર 'મેગા બ્લોક' હાથ ધરવામાં આવશે, જેને કારણે રવિવારે રજાના દિવસે પણ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે ફરવા કે કામ માટે બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો જેથી તમારે હાલાકીનો સામનો ના કરવો પડે.
મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકને કારણે માટુંગા અને મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. જેને કારણે લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પડશે.
હાર્બર લાઈન પર સવારે 11:10 વાગ્યાથી બપોરે 4:10 વાગ્યા સુધી પનવેલ-વાશી વચ્ચે અપ અને ડાઉન લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે સીએસએમટી- બેલાપુર, પનવેલ વચ્ચે અને પનવેલ, બેલાપુર-સીએસએમટી વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રવાસીઓની સુવિધા માટે સીએસએમટી-વાશી અને થાણે-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવેમાં સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બોરીવલી અને ભાયંદર સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોક દરમિયાન તમામ ફાસ્ટ ટ્રેનો સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો 15થી 20 મિનિટ મોડી દોડશે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ બ્લોકના સમયને ધ્યાનમાં રાખીને જ પ્રવાસનું આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે. બ્લોક દરમિયાન સ્ટેશનો પર ભીડ વધી શકે છે, તેથી શક્ય હોય તો બિનજરૂરી પ્રવાસ ટાળવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા (બસ કે મેટ્રો)નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.