Thu May 28 2026

Logo

હોટેલના રસોઈયાનું ચીતરી ચડાવતું કૃત્ય: ભઠ્ઠીમાં ગરમ કરતાં પહેલાં રોટી પર થૂંક્યો

2026-05-28 18:17:50
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: ગોરેગામની એક હોટેલનો રસોઈયો લોકોને ચીતરી ચડે એવું કૃત્ય કરતો વીડિયોમાં ઝડપાઈ ગયો હતો. આ રસોઈયો ભઠ્ઠીમાં ગરમ કરવા મૂકતાં પહેલાં દરેક રોટી પર થૂંકતો હતો. વાયરલ થયેલા વીડિયોની નોંધ લઈ પોલીસે રસોઈયા સાથે હોેટેલના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.
ગોરેગામ પૂર્વના સંતોષનગર ખાતેની બીએમસી કોલોનીમાં રહેતા યુવાનની ફરિયાદને આધારે દિંડોશી પોલીસે મંગળવારે હોટેલ માલિક ફૈય્યાઝ અહમદ શેખ અને તંદૂરી રોટી બનાવનારા કૌશાર ગફાર શેખ (53) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 271, 275 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


પોલીસ ફરિયાદ અનુસાર ઘરે રસોઈ કરનારું કોઈ ન હોવાથી ફરિયાદી રોજ હોટેલમાં જ જમતો હોય છે. હંમેશ મુજબ તે શનિવારની રાતે 10.30 વાગ્યાની આસપાસ ઘર પાસેની હોટેલમાં જમવા ગયો ત્યારે ત્યાં ગ્રાહકોની ભીડ હતી. પરિણામે ફરિયાદી બીજી હોટેલમાં જઈ રહ્યો હતો ત્યારે તેણે આંચકાજનક દૃશ્ય જોયું હતું.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સંતોષનગરની ફિશ કોલીવાડા હોટેલમાં કૌશાર તંદૂરી રોટી બનાવતો હતો. રોટી બનાવ્યા પછી તે ભઠ્ઠીમાં ગરમ કરવા મૂકતાં પહેલાં બધી રોટી પર થૂંકતો હતો. આ દૃશ્ય જોઈ ફરિયાદીને આંચકો લાગ્યો હતો. તેણે કૌશારના આ કૃત્યનું મોબાઈલથી વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું.

કહેવાય છે કે પહેલાં ફરિયાદીએ એ પરિસરમાં રહેતા કેટલાક મિત્રોને આ વીડિયો બતાવ્યો હતો. મિત્રોની સમજાવટ પછી સોમવારે રાતે પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કર્યો હતો. હોટેલ પાસે પહોંચેલી પોલીસે કૌશાર અને ફૈય્યાઝને તાબામાં લીધા હતા.

આ રીતે રોટી પર થૂંકીને રસોઈયો ગ્રાહકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરતો હતો. આ વાતની જાણ હોટેલ માલિક ફૈય્યાઝને હતી. પરિણામે તેની સામે પણ કાર્યવાહી કરાઈ હતી.